Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

કાલે જિલ્લા પંચાયતના બજેટમાં નવા શાસકો નવા આકર્ષણો ઉમેરશે

કોંગ્રેસ વખતનું રૂ. ૨૪,૨૫,૪૧,૦૦૦નું બજેટ તૈયાર છે, મોટા ફેરફારોને અવકાશ નહિ : શહીદોના પરિવારોને સહાય બમણી કરવા અને સિંચાઈના કામો માટે ગ્રામ પંચાયતોને આર્થિક સત્તા આપવાની તૈયારીઃ સભ્ય દિઠ વાર્ષિક વીસેક લાખની ગ્રાન્ટની જોગવાઈ : કોંગ્રેસના નેતા અર્જુન ખાટરિયા કોરોનાના કારણે હજુ હોમકોરોન્ટાઈન છે, વિપક્ષી નેતાની વરણી થઈ નથી. કાલે બજેટ બેઠકમાં વિપક્ષના સભ્યોની ભૂમિકા અંગે અટકળો

રાજકોટ, તા. ૨૫ :. જિલ્લા પંચાયતના નવા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે બજેટને બહાલી આપવા આવતીકાલે તા. ૨૬ શુક્રવારે સવાર ૧૧ વાગ્યે ખાસ સામાન્ય સભા અધ્યક્ષ શ્રી ભૂપત બોદરની અધ્યક્ષતામાં મળનાર છે. કોંગી શાસન વખતની કારોબારીએ ગઈ તા. ૧૪ ડીસેમ્બરે રૂપિયા ચોવીસ કરોડ, પચીસ લાખ, એકતાલીસ હજારના બજેટને બહાલી આપેલ. પુરાંત સહિત બજેટનું કદ રૂપિયા ૨૮ કરોડ જેટલુ થતુ હતું. કારોબારીએ મંજુર કરેલ બજેટને તે વખતની તા. ૨૧ ડીસેમ્બરની સામાન્ય સભાએ નવા શાસકો માટે પેન્ડીંગ રાખ્યુ હતું.

જિલ્લા પંચાયતમાં ચૂંટણી પછી સત્તા પરિવર્તન થઈ ગયુ છે. કોંગ્રેસના સ્થાને ભાજપનું રાજ આવ્યુ છે. આર્થિક મર્યાદાના કારણે બજેટમાં મોટા ફેરફારો કરી શકાય તેવી અનુકૂળતા નથી છતા ભાજપ શાસકો કેટલાક સુધારા-વધારા કરી બજેટને આકર્ષક બનાવવા માંગે છે. કાલે બજેટ પૂર્વે સવારે ૧૦ વાગ્યે ભાજપના તમામ ૨૫ સભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ચર્ચા થયા બાદ બજેટને સામાન્ય સભામાં આખરી ઓપ અપાશે. જૂના બજેટ મુજબ વિકાસ કામો માટે ૭ કરોડની જોગવાઈ કરાયેલ છે. તે આંકડો ધ્યાને લેતા સભ્ય દિઠ હાલ રૂ. ૨૦ - ૨૦ લાખની ગ્રાન્ટ મળવા પાત્ર છે.

હાલ સિંચાઈના કામો માટે ખર્ચ કરવાની ગ્રામ પંચાયતોને સત્તા નથી. ટેન્ડર પ્રક્રિયામાં ઘણો સમય પસાર થઈ જાય છે. અમૂક નાના કામો ટેન્ડરથી આપવામાં વહીવટી મુશ્કેલી પડે છે. રૂ. ૫ લાખ સુધીની સત્તા સરપંચને આપીને સિંચાઈના કામોને ઝડપી બનાવવા સામાન્ય સભામાં નિર્ણય થાય તેવી શકયતા છે. ઉપરાંત શહીદના પરિવારોને અપાતી સહાય એક લાખથી વધારીને બે લાખ કરવાની નવા શાસકોની તૈયારી છે. અન્ય અમૂક ફેરફારો અને ઉમેરાની બાબતો વિચારાધીન છે. બજેટના મૂળ 'મુગટ'માં ફેરફાર નહિ થાય પણ અમૂક રંગબેરંગી પીછાઓ ઉમેરી શકાશે.

(4:29 pm IST)