Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

સ્‍લીપર કોચ બસમાંથી ભોજાબેડીના યુવાન પ્રવિણની ગળુ કપાયેલી લાશ મળીઃ સોફામાંથી છરી પણ મળી

સુરતથી ગત સાંજે ઉપડેલી ન્‍યુ ક્રિષ્‍ના ટ્રાવેલ્‍સની બસ સવારે રાજકોટ ગ્રીનલેન્‍ડ ચોકડીએ પહોંચી ત્‍યારે નીચેના ત્રીજા નંબરના સોફા પર લોહીના ડાઘ દેખાતાં તપાસ કરતાં ઘટના જાહેર થતાં ખળભળાટઃ સુરતથી રાજકોટ સુધીમાં છ મુસાફરો ઉતરી ગયા તે પૈકી કોઇએ કાસળ કાઢયું કે આત્‍મહત્‍યા? : હત્‍યાનો ભોગ બનનાર ૩૪ વર્ષનો પ્રવિણ વાઘેલા જામનગર ભોજાબેડીનો વતની હતોઃ સુરત રહી હીરા ઘસતો હતોઃ તબિયત ખરાબ હોઇ વતન આવવા ગત સાંજે સુરતથી બસમાં બેઠો હતોઃ સોફાસીટ પરથી મળેલી છરી મરનારની કે મારનારની?: પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, પીઆઇ એમ. સી. વાળા અને ડી. સ્‍ટાફની ટીમો, ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની જુદી-જુદી ટીમોએ ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો : છ મુસાફર ઉતર્યા તેમાંથી એક શખ્‍સ ચોટીલા, એક કપલ લીંબડી અને એક કપલ તથા બાળક બામણબોર ઉતર્યા હતાં

ભેદી મોત: સુરતથી જામજોધપુરના શેઠવડાળા જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્‍સની બસમાંથી જામનગર ભોજાબેડીના યુવાનની ગળુ કપાયેલી લાશ મળતાં ખળભળાટ મચી ગયો હતો.  બસ રાજકોટ ગ્રીનલેન્‍ડ ચોકડીએ પહોંચી ત્‍યારે ઘટનાની જાણ થઇ હતી. તસ્‍વીરમાં બસ, નિરીક્ષણ કરી રહેલા પોલીસ અધિકારીઓ, અને ટીમ, મુસાફરનો ગળુ કપાયેલો મૃતદેહ, તેનો ફાઇલ ફોટો અને ઘટના સ્‍થળે ડ્રાઇવર ક્‍લીનર પાસેથી વિગતો મેળવતાં ડીસીપી પ્રવિણકુમાર મીણા, પીઆઇ એમ. સી. વાળા અને તેમની ટીમ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

 

રાજકોટ તા. ૨૫: શહેરના કુવાડવા રોડ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે સવારે સુરતથી પહોંચેલી સુરત-શેઠવડાળા (જામજોધપુર) રૂટની ખાનગી ટ્રાવેલ્‍સની સ્‍લીપર કોચ બસના સોફા પરથી ગળુ કપાયેલી હાલતમાં  જામનગર ભોજાબેડીના યુવાનની લાશ મળી આવતાં ખળભળભાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં ડીસીપી, પીઆઇ સહિતનો કાફલો પહોંચ્‍યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ખુદ પોલીસ કમિશનર પણ તપાસમાં જોડાયા હતાં. સુરતથી જામજોધપુરના શેઠવડાળા જવાની ટિકીટ લઇને બસમાં બેઠેલા આ યુવાનની ચાલુ બસે કોઇએ હત્‍યા કરી કે અન્‍ય કંઇ બન્‍યું? એ રહસ્‍ય ઉકેલવા તપાસ શરૂ કરવામાં આવી છે. યુવાન જે સોફાસીટમાં હતો ત્‍યાંથી છરી પણ મળી છે. આ છરી મરનારની છે કે મારનારની? એ રહસ્‍ય છે. પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ બસ સુરતથી રાજકોટ સુધી પહોંચી ત્‍યાં સુધીમાં છ જેટલા મુસાફરો અલગ અલગ સ્‍ટોપ પર ઉતરી ગયા હતાં. આ છમાંથી કોઇનો આ ભેદી મોતમાં હાથ છે કે કેમ? તે તરફ પણ તપાસનો દોર લંબાવાયો છે.

જાણવા મળ્‍યા મુજબ સુરતથી ગત સાંજે ઉપડેલી ન્‍યુ ક્રિષ્‍ના ટ્રાવેલ્‍સની સ્‍લીપર કોચ બસ આજે સવારે રાજકોટ કુવાડવા રોડ પર ગ્રીનલેન્‍ડ ચોકડીએ પહોંચી ત્‍યારે રાજકોટના કોઇ મુસાફરો હોય અને તે ઉંઘી રહ્યા હોય તો જાગી જવા માટે ક્‍લીનર નરેશભાઇ રાઠોડે ટકોર કરતા બસના નીચેના ૧૧-૧૨ નંબરના સોફા પર બેઠેલા મુસાફરને રાજકોટ ઉતરવાનું હોઇ તે સોફામાંથી બહાર નીકળીતાં સામેની સાઇડમાં શટરવાળા સોફાનું શટર ખુલ્લું હોઇ તેમાંથી લોહીના ડાઘા દેખાતાં ત્‍ેણે ક્‍લીનર નરેશભાઇને જાણ કરતાં તેણે તપાસ કરતાં સોફા પરથી મુસાફરની ગળુ કાપેલી લોહીલુહાણ લાશ જોવા મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

ક્‍લીનરે તુરત જ ડ્રાઇવર અશોકભાઇને જાણ કરતાં તેણે બસ ઉભી રાખી દીધી હતી અને પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં જાણ કરતાં    ડીસીપી પ્રવિણકુમાર મીણા, બી-ડિવીઝન પીઆઇ એમ. સી. વાળા, ડી. સ્‍ટાફના સલિમભાઇ માડમ, કેતનભાઇ પટેલ, મોહસીનખાન મલેક સહિતનો કાફલો પહોંચ્‍યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ ભેદી મોતને ભેટેલો યુવાન જામનગરનો ભોજાબેડીનો પ્રવિણ રૂપાભાઇ વાઘેલા (ઉ.વ.૩૪) હોવાનું ખુલ્‍યું હતું. પોલીસને આ યુવાનની લાશ જે સોફાસીટ પર હતી ત્‍યાંથી એક ફોલ્‍ડીંગ થઇ શકે તેવી છરી પણ મળી હતી. આ છરી મરનારની છેકે મારનારની? એ જાણવા પોલીસે મથામણ આદરી હતી.

આ યુવાન ગત સાંજે ન્‍યુ ક્રિષ્‍ના ટ્રાવેલ્‍સની સ્‍લીપર કોચ બસ સુરતના કતાર વડલા પાર્કિંગ પાસેથી બેઠો હતો અને જામજોધપુરના શેઠવડાળા સુધીની ટીકીટ તેણે લીધી હતી. તેની પાસેથી મળેલા આધાર કાર્ડમાં તેના ગામનું નામ ભોજાબેડી-જામનગર લખેલું છે. પોલીસે તેના પરિવારજનોને જાણ કરવા તજવીજ આદરી હતી. આ યુવાનની હત્‍યા ચાલુ બસે કોણે કરી? કે પછી તેણે આત્‍મહત્‍યા કરી? હત્‍યા થઇ તો શા માટે થઇ અને આત્‍મહત્‍યા કરી તો શા માટે આવું કર્યુ? તે રહસ્‍ય ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો છે.

પ્રાથમિક તપાસમાં ડ્રાઇવર-ક્‍લીનરે કહ્યું હતું કે જે મુસાફરો બસમાં હતાં તે પૈકીનું એક કપલ લીંબડી ઉતર્યુ હતું, એક શખ્‍સ ચોટીલા ઉતર્યો હતો અને એક કપલ તથા એક બાળક બામણબોર ઉતર્યા હતાં. આ પૈકીનું કોઇ આ ભેદી મોત બારામાં કંઇ જાણે છે કે કેમ? તે સહિતના રહસ્‍યો ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો છે.

પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ પહોંચ્‍યા

રહસ્‍યમય મોતની ઘટના જાહેર થતાં પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા સહિતનો કાફલો બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો હતો અને તપાસનીશ અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડી અલગ અલગ દિશામાં ટીમોને કામે લગાડી હતી. 

 

બસમાં ૩૦ મુસાફરો હતાં

સ્‍લીપર કોચ બસમાં ત્રીસ મુસાફરો બેઠા હતાં. જે પૈકી છ મુસાફરો લીંબડી, ચોટીલા, બામણબોર ખાતે ઉતરી ગયા હતાં. જો હત્‍યા થઇ હોય તો ઝપાઝપી કે દેકારો થાય અને બીજા મુસાફરોને ખબર પડે. પરંતુ બસમાં રાતે આવું કંઇ ધમાલ જેવું થયું ન હોવાનું મૃતકની આજુ બાજુની સીટમાં સુતેલા મુસાફરોને જણાયું નહોતું. આમ છતાં પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે.

 

પ્રવિણ રાતે સવા બારે ભરૂચ પાસે બસ હોલ્‍ટ થઇ ત્‍યારે ઉતર્યો હતો

રાતના બે પછી મોત થયાની શક્‍યતાઃ પોલીસે બસના ફૂટેજ ચકાસ્‍યા

ક્રિષ્‍ના ટ્રાવેલ્‍સની ઓફિસ મવડી ચોકડીએ હોઇ બસના સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જોવાની વ્‍યવસ્‍થા આ ઓફિસ ખાતે હોઇ જેથી ક્રાઇમ બ્રાંચની ટીમે ત્‍યાં પહોંચી સીસીટીવી ફૂટેજ જોવા કવાયત કરી હતી. પોલીસે રાતના બે સુધીના ફૂટેજ જોઇ લીધા હતાં. એ પછી એરર આવી જતું હતું. જેમાં જણાયું હતું કે રાતે સવા બારે બસ ભરૂચના નબીપુર પાસે હોલ્‍ટ થઇ ત્‍યારે મૃતક યુવાન પ્રવિણ બસમાંથી નીચે ઉતર્યો હતો. એ પછી ફરી બસમાં બેસી ગયો હતો. રાતના બે સુધીના ફૂટેજમાં બીજુ કંઇ શંકાસ્‍પદ દેખાયું ન હોઇ મોત રાતે બે પછી થયાનું પ્રાથમિક તારણ નીકળ્‍યું છે.

 

બસના મુસાફરો માટે પોલીસે ચા-પાણીની વ્‍યવસ્‍થા કરી

એક મુસાફરનું બસમાં જ ભેદી મોત થયું હોઇ બસની એફએસએલ, ડોગ સ્‍ક્‍વોડ અને ફિંગર પ્રિન્‍ટ નિષ્‍ણાંત દ્વારા ચકાસણી કરાવવાની હોઇ બસને તેમાં બેઠેલા મુસાફરો સમેત બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશને લાવવામાં આવી હતી. અહિ મુસાફરો માટે પોલીસે ચા-પાણીની વ્‍યવસ્‍થા કરી હતી. આ ઘટનાથી મુસાફરો પણ ચિંતામાં મુકાઇ ગયા હતાં.

 

બસને પોલીસ સ્‍ટેશને લઇ જવામાં આવીઃ સીસીટીવી કેમેરા ચેક કરવા તજવીજ

જે બસમાં હત્‍યા થઇ તે બસને મુસાફરો સહિત બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશને લઇ જવામાં આવી છે અને એફએસએલ અધિકારીને બોલાવી ચકાસણી શરૂ કરવા તજવીજ કરવામાં આવી છે. તેમજ બસના ડ્રાઇવર, ક્‍લીનર, મુસાફરોની પુછતાછ શરૂ કરવામાં આવી છે. બસમાં સીસીટીવી કેમેરા પણ હોઇ તેનું રેકોર્ડિંગ મળે તેમ છે કે કેમ? તે અંગે પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી.

 

ઘેની પદાર્થ ખવડાવી, પીવડાવી ચોરી-લૂંટની દિશામાં પણ તપાસ

 બસ કે ટ્રેનમાં ઘણીવાર ચોર-ગઠીયા સાથી મુસાફર સાથે દોસ્‍તી કેળવી રસ્‍તામાં તેને ઘેની પ્રવાહી પીવડાવી કે એવો કોઇ પદાર્થ ખવડાવી તેને બેભાન કરી રોકડ-મોબાઇલ-પર્સ-દાગીના ચોરી જતાં હોય છે. આ બનાવમાં આવું તો કંઇ નથી બન્‍યું ને? એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

 

ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો પ્રવિણ સુરત રહી હીરા ઘસતો હતો

 ભેદી મોતને ભેટેલો પ્રવિણ વાઘેલા ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને સાતેક વર્ષથી સુરત રહી હીરા ઘસતો હતો. તેના પરિવારજનો જામનગરના ભોજાબેડી ગામે રહે છે. ઘટનાની જાણ થતાં તેનો ભાઇ અને ભત્રીજો રાજકોટ આવ્‍યા હતાં. પ્રવિણ બિમાર હોઇ જેથી વતન આવી રહ્યો હોવાનું તેના ભત્રીજાએ કહ્યું હતું. 

(4:12 pm IST)