Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

પ્રમુખમાર્ગઃ એક મિનિટમાં સમાધાન

પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી લેખમાળા

‘અમારૂં સમાધાન કરાવો. ભાઈઓ વચ્‍ચે અમારે ભાગ વહેંચવાની બાબતમાં પ્રશ્નો છે.' આમ કહેતા પ્રમુખસ્‍વામી મહારાજ સમક્ષ એક કુટુંબના સભ્‍યોએ વિનંતી કરી. તે સમયે પ્રમુખસ્‍વામી મહારાજે તરત જ કહ્યું, ‘એક જ મિનિટમાં સમાધાન થઈ જાય.' આ સાંભળી પેલા પરિવારજનો તો ખુશ થતાં બોલી ઊઠ્‍યા, ‘અહોહો... તો તો બહુ જ સારૂં...'
મિનિટમાં સમાધાનની રીત સમજાવતા પ્રમુખસ્‍વામી મહારાજે કહ્યું, ‘મનધાર્યું મૂકી દો તો એક મિનિટમાં સમાધાન ! પણ કોઈ ધાર્યું મૂકતા નથી. કહે એમ કરી દેવું જોઈએ. ફટ દઈને મૂકી દેવું જોઈએ. તમારા બાપા આટલું બધું કમાણા પણ લઈ ગયા ? તો તમે શું લઈ જવાના છો? તમે કંઈ ભૂખ્‍યા નથી. ઘણું બધું કમાયા છો. તો કહી દેવું કે, ‘ભઈ ! તું લઈ જા.' પણ એવું થતું નથી. એને લીધે વાત અટકી પડે છે.'
કેવળ વર્તમાનકાળની જ આ વાત નથી. યુગોથી ચાલતો આવતો આ પ્રશ્ન છે. માણસે બાહ્ય પ્રગતિ ઘણી કરી પણ આંતરિક પ્રગતિ નહીવત્‌  થઈ છે. તેથી આ પરિવારના પ્રશ્નને સાંભળીએ ત્‍યારે મહાભારતના પ્રશ્નની સહેજે સ્‍મૃતિ થઈ આવે છે.
મહાભારતના યુદ્ધનો તક્‍તો ઘડાઈ ચૂક્‍યો હતો. યુદ્ધ માટેની તૈયારીઓ થઈ ચૂકી હતી. તેવી ક્ષણે પણ ભગવાન શ્રીકૃષ્‍ણ સમાધાન માટે મથતા હતા. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન વગેરેના પાંડવો પ્રત્‍યેના મલિન આશય તથા કાળા કરતુતોને ભગવાન શ્રીકૃષ્‍ણ સારી રીતે જાણતા હતા છતાં, તેઓ સમાધાનનો પ્રયત્‍ન કરતા હતા. ખરેખર, ભગવાન અને સંત કાયમ શાંતિના સ્‍થાપક જ બની રહે છે.
સમાધાનના માર્ગે દુર્યોધનને વાળવા ભગવાન શ્રીકૃષ્‍ણ જાતે પાંડવોના દૂત થઈ વિષ્ટિ કરવા હસ્‍તિનાપુર પધાર્યા. હસ્‍તિનાપુરની સભામાં ભગવાન શ્રીકૃષ્‍ણે ધૃતરાષ્ટ્રને મુખ્‍ય કરી સૌને સમજાવ્‍યા. ‘હું આ સભામાં યાચના કરવા આવ્‍યો છું. ધૃતરાષ્ટ્રના પુત્રો અને પાંડુના પુત્રો વચ્‍ચે સંધિ થાય એની. અસંખ્‍ય ક્ષત્રિયવીરો મૃત્‍યુના મુખમાં ધકેલાતા અટકે એની. આ બે કુટુંબો પાસે દુનિયાની કઈ વસ્‍તુ નથી? શા માટે યુદ્ધ કરવા તમે તત્‍પર છો? આ પ્રશ્નનું નિરાકરણ નહીં થાય તો સમગ્ર માનવજાતિનું નિકંદન નીકળી જશે. આ આપત્તિને ટાળવી તે આપણા હાથની જ વાત છે. તમારા તેમજ મારા, આપણા બંનેના હાથની વાત છે. તમે તમારા પુત્રોને વારો, અને હું પાંડવોને વારીશ...'
ભગવાન શ્રીકૃષ્‍ણ પછી ભગવાન પરશુરામ, મુનિશ્રેષ્ઠ નારદ તથા મહર્ષિ કણ્‍વે પણ ધૃતરાષ્ટ્રને સમજાવ્‍યા. પણ ધૃતરાષ્ટ્ર ‘લાચાર છે' કહી બેસી રહ્યા. છેલ્લે પુનઃ ભગવાન શ્રીકૃષ્‍ણે દુર્યોધનને સમજાવવા પ્રયત્‍ન કર્યો પણ તે તો જડ થઈને બેઠેલો.
‘સૂચ્‍યગ્રં ન દાસ્‍યામિ વિના યુધ્‍ધેન કેશવ!' યુદ્ધ વિના સોયના અણી જેટલી જમીન પણ હું નહીં આપું. સમાધાનની લેશમાત્ર તૈયારી દુર્યોધનની નહોતી, તેથી ભયંકર યુદ્ધમાં અઢાર લાખ માણસોનો કચ્‍ચરઘાણ નીકળી ગયો.
જે વ્‍યક્‍તિ ધાર્યું મૂકે નહીં, સમજાવવા છતાં સમજે નહીં, કોઈનુંય સાંભળે નહીં, સમાધાનની તત્‍પરતા દાખવે નહીં તે અશાંતિ આગમાં હોમાઈ જાય છે. આવા પ્રશ્નોમાં પ્રમુખસ્‍વામી  મહારાજ અનેકને સમાધાનના માર્ગે લઈ ગયા અને શાંતિના સરોવરમાં સ્‍નાન કરતા કરી દીધા.
બાળપણથી પ્રમુખસ્‍વામી મહારાજનું વલણ હક-દાવા પર નહીં પણ ફરજ પર જવાનું હતું. સ્‍વાર્થને પોષવા તરફ નહીં પણ સહાય તરફ જવાનું હતું. પોતાનું ભલું જતું કરીને પણ બીજાનું ભલું કરવા તરફ હતું. બાળપણમાં તેઓ રોજ સાંજે મંદિરમાં આરતીમાં પહોંચી જતા. તે સમયે આરતીમાં નગારૂં વગાડવાની બાળકો વચ્‍ચે હરિફાઈ થતી. જે વહેલો આવે તે નગારૂં વગાડવાની દાંડી હાથમાં લઈ વગાડવાનો હક જમાવે. સાહજિક રીતે બાળ પ્રમુખસ્‍વામી મહારાજ આરતીમાં વહેલા જ પહોંચી ગયા હોય. પરંતુ તેઓ કાયમ એ ધ્‍યાન રાખતા કોઈપણ બાળકની નગારૂં વગાડવાની ઇચ્‍છા તેઓ જુએ તો તરત જ તેને દાંડી આપી દેતા. તેઓ સહકાર અને સમાધાનના હિમાયતી હતા. જીવનભર તેમણે સૌને તે જ માર્ગે દોરેલા.
તા.૧૯-૦૬-૨૦૦૬ના અમદાવાદના એક શ્રેષ્‍ઠીએ પ્રમુખસ્‍વામી મહારાજનો આભાર  માનતા કહ્યું હતું કે, ‘લગભગ પાંચ-સાત વર્ષ પહેલા હું જયારે આપનાં દર્શને આવ્‍યો, ત્‍યારે અમારૂં કુટુંબ છિન્‍ન-ભિન્‍ન હતું. ભાઈઓ-ભાઈઓ વચ્‍ચે બોલ્‍યે વહેવાર નહોતો. મેં આપની સમક્ષ આ વાત કરી ત્‍યારે આપે એટલું જ કહ્યું હતું કે, તમારા ભાઈઓ કદાચ તમારે દ્યરે ન આવે, તમને સહકાર ન આપે અથવા તો તમારી સાથે ઝઘડે, પણ તમારા તરફથી એમને બોલાવવા અને એમના ઘરે જવું તથા તેમના પ્રસંગો સાચવવા.'
આપના આ આદેશ પ્રમાણે મેં કર્યું. એક ભાઈ હોસ્‍પિટલમાં હતા ત્‍યારે મેં જઈને તેમની સેવા કરી. એના કારણે તે ભાઈમાં પરિવર્તન આવ્‍યું. ધીમે ધીમે આજે બધા જ ભાઈઓ મારા ઘરે આવતા થઈ ગયા છે. મને આનાથી અંતરમાં શાંતિ અને આનંદ છે. આ સાંભળી પ્રમુખસ્‍વામી મહારાજ બોલ્‍યા, ‘આપણે નમી દઈએ એમાં શાંતિ જ રહે. આપણે શું વહેંચીને લઈ જવાનું છે!'
એક મિનિટમાં સમાધાનનો, શાંતિનો પ્રમુખમાર્ગ આ જ છે.
સાધુ નારાયણમુનિદાસ

 

(11:39 am IST)