Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

મેઘરાજાની સીઝન માથે છે... અને વીજતંત્રમાં ટ્રાન્‍સફોર્મર સહિતના માલસામાનની ભારે અછત !!

રશીયા-યુક્રેન યુધ્‍ધ-કાચામાલ-સામાનની અછત-ભાવવધારો સહિતના અપાતા કારણો : અંદાજે ૪૦૦ થી પ૦૦ ટ્રાન્‍સફોર્મરનો બેકલોગ : અધીકારીઓ કહે છે : પહેલા અછત હતી... હવે સ્‍થિતિ ધીમેધીમે સૂધરી રહી છે...

રાજકોટ, તા. રપ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મેઘરાજાની ભરપુર સીઝન ચાલુ છે. ભારે વરસાદ-તોફાની પવન-પૂરતી સ્‍થિતિમાં વીજતંત્રના સેંકડો પોલ પડી જાય છે, જમ્‍પરો ઉડતા હોય છે, તો ટ્રાન્‍સફોર્મરમાં ધડાકા થતા હોય, અનેક ટ્રાન્‍સફોર્મર ઉડતા હોય છે, આવી સ્‍થિતિમાં પીજીવીસીએલ હેઠળ આવતા ૧ર જીલ્લામાં ટ્રાન્‍સફોર્મર સહિતના અનેક પ્રકારની માલસામાન જેવા કે કેટઆઉટ-વાયર તથા અન્‍ય સાધન સામગ્રીની ભારે અછત ઉભી થયાનું ઉચ્‍ચતમ સૂત્રોમાંથી બહાર આવ્‍યું છે.

સાધનોના કહેવા મુજબ રાજકોટ સહિત પીજીવીસીએલ તંત્રના અનેક જિલ્લામાં અંદાજે ૪૦૦ થી પ૦૦ ટ્રાન્‍સફોર્મરનો બેકલોગ ચાલી રહ્યો છે, તો અન્‍ય સાધન સામગ્રીની પણ અછત છે, ઇજનેરો આ પાછળ રશીયા-યુક્રેન યુધ્‍ધ, કાચામાલ સામાનની અછત-ભાવ વધારો તથા ટેન્‍ડરો ફાઇનલ થયા બાદ કામગીરી અટકાવી દેવા સહિતના કારણો અછત અંગે જણાવી રહ્યા છે.

ખાસ કરીને ટ્રાન્‍સફોર્મરની અછત સંદર્ભે ઇજનેરો લાઇન સ્‍ટાફ ચિતાંતુર છે, જો બેફામ વરસાદ પડયો.. ટ્રાન્‍સફોર્મર ઉડયા તો અછતને કારણે જયાં સુધી નવું ટ્રાન્‍સફોર્મર જે તે ગામ-વિસ્‍તાર કે લાગુ પડતી સોસાયટી-પ્‍લોટમાં ઉભુ ન કરાય ત્‍યાં સુધી આ ગામ-વિસ્‍તારમાં અંધારપટ છવાઇ રહે, અને લોકો તમામ સ્‍તરે હેરાન-પેરેશાન થઇ જાય.

દરમિયાન  ટ્રાનસફોર્મરની અછત બાબતે આજે પીજીવીસીએલના એક હાઇલેવલ ઇજનેરે ‘‘અકિલા'' ને જણાવેલ કે એકાદ મહિના પહેલા અછત સર્જાઇ હતી, પરંતુ હવે નથી, હવે સ્‍થિતિ ધીમેધીમે સૂધરી રહી છે,પીજીવીસીએલ લેવલે કોઇ પ્રોબ્‍લેમ નથી... અન્‍ય શહેરો ગામ અંગે વિગતો અમે લઇ રહ્યા છીએ.

(3:42 pm IST)