Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

સાહિત્‍ય - કલા પ્રેમીઓ માટે નવધા કલ્‍ચરલ કલબનો શુભારંભ

દાયકાઓથી હજારો વિદ્યાર્થીઓની ઉચ્‍ચ કારકિર્દી ઘડનાર ધોળકીયા પરિવાર દ્વારા

રાજકોટ તા. ૨૫ : છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત અને હજારો વિદ્યાર્થીઓની ઉચ્‍ચ કારકિર્દીનું ઘડતર કરનાર ધોળકીયા સ્‍કુલ સંચાલક ધોળકીયા પરિવાર દ્વારા સાહિત્‍ય અને કલા પ્રેમીઓ માટે નવધા કલ્‍ચરલ કલબનો શુભારંભ થયો છે.

રાજકોટમાં ચાલતી સાહિત્‍ય અને કલાની વિવિધ પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવા, સાહિત્‍યપ્રેમી અને કલાપ્રેમી વર્ગના આનંદ અને ઉત્‍સાહમાં વધારો કરવા તેમજ જીવનના દરેક રસને માણવા મળે એ પ્રકારની ઈવેન્‍ટ્‍સ અને પ્રવૃત્તિઓનું આયોજન આ કલબ દ્વારા હાથ ધરવામાં આવશે. જેમ આપણા દરેક તહેવારનો અલગ-અલગ રસ હોય છે - એક અલગ આનંદ હોય છે તેમ આ કલબ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સાહિત્‍ય અને કલાના માઘ્‍યમ દ્વારા જીવનના અલગ-અલગ રસને શ્રેષ્ઠત્તમ રીતે રજૂ કરતી ઈવેન્‍ટ્‍સ આયોજીત થશે.

નવધા કલ્‍ચરલ કલબ શરૂ કરવા વિશે વાત કરતા આ કલબના પ્રમુખ મિતુલ ધોળકિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્‍યું કે, આજે આપણે સમયને પૈસાની પાછળ ખર્ચતા શીખી ગયા છીએ. એક સારી લાઈફ સ્‍ટાઈલ માટે પૈસા જરૂરી છે પણ એ પણ વાસ્‍તવિકતા છે કે પૈસો એટલો પણ અગત્‍યનો નથી કે આપણે આપણા પૂરા સમયને માત્ર ને માત્ર એની પાછળ ખર્ચ કરીએ. છેલ્લા બે વર્ષમાં આપણે અનુભવ્‍યું છે કે બધું જ હોવા છતાં આપણે કેટલા લાચાર અને નાખુશ હતા ! સમયને સારી રીતે કેમ પસાર કરી શકાય એ આપણે કાં તો ભૂલી ગયા છીએ કાં તો ક્‍યાંક છોડી આવ્‍યા છીએ. આ બે વર્ષના અનુભવે નવધા કલ્‍ચરલ કલબના વિચારબીજ રોપ્‍યા. રાજકોટના શહેરીજનોનું જીવન ફરી ધબકતું કરવા - તેમને સારા સંસ્‍મરણો આપવા - સાહિત્‍ય અને કલાના વિવિધ રસનું પાન કરાવવા માટે કંઈક વિશેષ અને નાવિન્‍યસભર ઈવેન્‍ટ્‍સનું નિયમિત આયોજન આ કલબ દ્વારા કરવામાં આવશે.

આ તકે કલબના ઉપપ્રમુખ જાણીતા શિક્ષણવિદ્‌ કૃષ્‍ણકાંત ધોળકિયાએ જણાવ્‍યું હતું કે, કલાના વિવિધ રસના માઘ્‍યમથી લોકોને આનંદ પ્રાપ્‍ત થાય છે જ્‍યારે સાહિત્‍યના માઘ્‍યમથી લોકોના જીવનમાં હકારાત્‍મકતા, સંવેદનશીલતા અને જીવન પ્રત્‍યે નવો દૃષ્‍ટિકોણ કેળવાય છે. એટલે અમે એવી ઈવેન્‍ટ્‍સ આપીશું જેમાં આ બંનેનો સુભગ સમન્‍વય થતો હોય.

નવધા કલ્‍ચરલ કલબના મંત્રી અમીબેન ધોળકિયાએ જણાવ્‍યું હતું કે, જાણીતા લેખક અને વક્‍તા જય વસાવડા અમારી સાથે માર્ગદર્શક તરીકે આ ક્‍લબમાં જોડાયા છે. નવરાત્રિ પહેલા બોલીવુડના પ્રખ્‍યાત કોરીયોગ્રાફર દેવેશ મીરચંદાણીના સાત દિવસના ડાન્‍સ અને ગરબા વર્કશોપનું આયોજન નવધા કલ્‍ચરલ કલબ દ્વારા કરવામાં આવશે. આ વર્કશોપના અંતે યોજાનાર ભવ્‍ય ડાન્‍સ-શોમાં વર્કશોપમાં ભાગ લેનાર વ્‍યક્‍તિઓને દેવેશ  મીરચંદાણી સાથે સ્‍ટેજ પર પરફોર્મ કરવાની તક પણ મળશે. નવરાત્રિ પહેલા થઈ રહેલા આ વર્કશોપ થકી ગરબાપ્રેમીઓ ડાન્‍સ અને ગરબાના વિવિધ સ્‍ટેપ્‍સ શીખી શકશે.

આ કલબમાં થનારી ઈવેન્‍ટ્‍સ વિશે પત્રકાર પરિષદમાં જાણીતા લેખક જય વસાવડાએ જણાવ્‍યું હતું કે, રાજકોટમાં એક મોટો વર્ગ છે જે ઘણા સમયથી એવું ઈચ્‍છી રહ્યો છે કે Entertainment માટે થતી ઈવેન્‍ટ્‍સની સાથોસાથ એવી ઈવેન્‍ટસ પણ થાય જે infotainment હોય. આ કલબની ઈવેન્‍ટ્‍સ માટે રાજકોટમાં અગાઉ કદી ન આવ્‍યા હોય અથવા બહુ ઓછા સાંભળવા કે માણવા મળ્‍યા હોય તેવા સાહિત્‍યકારો અને કલાકારોને લઈ આવવાનો અમારો પ્રયત્‍ન રહેશે. જય વસાવડાએ આગળ જણાવ્‍યું હતું કે, નવધા કલ્‍ચરલ ક્‍લબ દ્વારા સપ્‍ટેમ્‍બર માસમાં દેવેશ મિરચંદાણીનો ડાન્‍સ વર્કશોપ અને ભવ્‍ય ડાન્‍સ-શો, ઓક્‍ટોબર માસમાં  જય વસાવડા અને જાણીતા લોકગાયક  ચેતન ગઢવી દ્વારા પ્રસ્‍તુત ‘મારું વનરાવન છે રુડું', ભવ્‍ય, અદ્‌ભૂત અને રાજકોટમાં અગાઉ ન થઈ હોય તેવી માણવાલાયક પ્રારંભિક , (ચાર) ઈવેન્‍ટસનું આયોજન થઈ ચૂક્‍યું છે.

જય વસાવડાએ અંતમાં રાજકોટની સાહિત્‍યપ્રેમી અને કલાપ્રેમી જનતાને  સાહિત્‍ય અને કલાના મહાસાગરમાંથી અમૃત બિંદુઓ પ્રાપ્‍ત કરવા નવધા કલ્‍ચરલ કલબમાં જોડાવવા અપીલ કરી હતી.

(4:28 pm IST)