Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 10 કર્મચારીઓ ડીઆરએમ દ્વારા સન્માનિત કરાયા

 રાજકોટ : ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) અનિલ કુમાર જૈન દ્વારા રાજકોટ ડીવીઝનના 10 કર્મચારીઓને રેલવે સુરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

 વધુ વિગતો આપતાં, રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે, આ કર્મચારીઓને એપ્રિલ અને મે 2022 મહિનામાં રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓની વિગતો આ મુજબ છેઃ  દીપક કુમાર પાંડે (સ્ટેશન માસ્તર, વાંકાનેર), નિસર્ગ પરમાર (સ્ટેશન માસ્તર, લખતર),  જિતેન્દ્ર જાટ (સ્ટેશન માસ્તર, લખતર), અશોક કુમાર (ગેટમેન ગેટ નંબર 24), સુધીર કુમાર (સ્ટેશન માસ્તર, વન રોડ), મુકેન્દ્ર પી. રામાવત (પોઇન્ટ્સમેન નવલખી), મછિન્દ્ર એસ આમલે (ગેટ મેન ગેટ નંબર 62), રજનીશ મીના (સ્ટેશન માસ્ટર, લાખાબાવળ) ,  ચંદુલાલ ( ગેટમેન ગેટ નં.-52) અને મુકેશ રાવત (લોકો પાયલટ ગુડ્સ ટ્રેન-હાપા). ઉપરોક્ત રેલવે કર્મચારીઓએ સાવચેતી અને સતર્કતાથી કામ કરીને સંભવિત રેલ દુર્ઘટનાને અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં ગૂડ્સ ટ્રેનના વેગનમાં સ્પાર્ક જોતા જ ટ્રેનને તાત્કાલિક અટકાવી દેવી, બ્રેક બ્લોક જામ જોવું, સ્લેક એડજસ્ટર રોડ લટકતાં જોવું, ચેક રેલ તૂટેલી જોતાજ તરત પગલાં લેવા જેવી ઘટનાઓ શામેલ છે.

 ડીઆરએમ જૈને એવોર્ડ મેળવનાર તમામ રેલવે કર્મચારીઓને અભિનંદન આપતા સલામતી સંબંધિત તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરવા અને કોઈપણ પ્રકારની રેલવે અકસ્માતને તેમની સમજણ અને તત્પરતાથી અટકાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

        આ પ્રસંગે રાજકોટ ડિવિઝન ના સીનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર. મીના, વરિષ્ઠ મંડળ ઈજનેર (સંકલન) રાજકુમાર એસ, વરિષ્ઠ મંડળ ઓપરેટિંગ મેનેજર  આર.સી. મીણા અને વરિષ્ઠ મંડળ મિકેનિકલ ઈજનેર  સંતોષકુમાર મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.

(12:30 am IST)