Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ફોજદારી કેસમાં સજા પડયા બાદ નાસતા ફરતા બે શખ્‍સો પકડાયા

ડીસીપી ઝોન-૨ની એલસીબીએ દબોચ્‍યા : દિનેશ રૂકડીયાને બે વર્ષની અને કાળુ ચાવડીયાને છ મહિનાની સાદી કેદની સજા પડી'તી

રાજકોટ તા. ૨૫ : નામદાર કોર્ટમાં ફોજદારી કેસમાં સાદી કેસની સજા પડયા બાદ નાસતા - ફરતા બે શખ્‍સોને ડીસીપી ઝોન-૨ની એલસીબીએ વોરંટના આધારે પકડી લીધા હતા.  મળતી વિગત મુજબ વિધાનસભાની ચૂંટણી અંતર્ગત શહેરમાં કોઇ અનિચ્‍છનીય બનાવો ન બને અને કાયદો - વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓ અને બુટલેગરો તથા માથાભારે શખ્‍સોને તેમજ બીજા જામીન લાયક વોરંટ તથા સજા પડેલ હોઇ છતાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે સૂચના આપતા ડીસીપી ઝોન-૨ની એલસીબીના પીએસઆઇ આર.એચ.ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે કોન્‍સ. અમિનભાઇ ભલુર અને મનિષભાઇ સોઢીયાને મળેલી બાતમીના આધારે ૪૦ ફૂટ રોડ રાજદીપ સોસાયટીના ખુણા પાસેથી દિનેશ બેચરભાઇ રૂકડીયા (રહે. રાજદીપ સોસાયટી શેરી નં. ૧)ને પકડી લીધો હતો. દિનેશને ફોજદારી કેસમાં બે વર્ષની સાદી કેદની સજા પડી હતી તે છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો.  જ્‍યારે હેડ કોન્‍સ. હરપાલસિંહ જાડેજા અને કોન્‍સ. જેન્‍તીગીરી ગોસ્‍વામીએ બાતમીના આધારે કાળુ બાબુભાઇ ચાવડીયા (રહે. રૈયા રોડ, ઇન્‍દીરાનગર)ને રૈયા રોડ પરથી પકડી લીધો હતો. કાળુને ફોજદારી કેસમાં છ મહિનાની સાદી કેદની સજા કરવામાં આવી હતી તેમાં છેલ્લા નવ મહિનાથી ફરાર હતો.

(11:47 am IST)