Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

જિલ્લા પંચાયતના રૂ.ર૪.રપ કરોડના બજેટને બહાલીઃ વિકાસકામોની સૈદ્ધાંતિક મંજુરીની સત્તા પ્રમુખ-DDO ને

ભૂપત બોદરની અધ્યક્ષતામાં પ્રથમ સામાન્ય સભા નિર્વિધ્ને સંપન્નઃ બજેટમાં સામાન્ય ફેરફાર : પંચાયત વિભાગ હેઠળના પ લાખ સુધીના સિંચાઇના કામોની સત્તા ગ્રામ પંચાયતને આપવા સરકારની મંજુરી અર્થે ઠરાવ

રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા પ્રમુખ ભૂપત બોદરની અધ્યક્ષતામાં મળેલ તે પ્રસંગની તસ્વીરમાં બાજુમાં ઉપપ્રમુખ સવિતાબેન સાંગાણી, ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા, ડે.ડી.ડી.ઓ. રામદેવસિંહ ગોહિલ અને નિર્ભય ગોંડલીયા, ઉપસ્થિત છે. નીચેની તસ્વીર ઉપસ્થિત સભ્યોની છે (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ તા. ર૬ : જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યા પછીની પ્રથમ ખાસ સામાન્ય સભા આજે સવારે અધ્યક્ષ ભૂપત બોદરની અધ્યક્ષતામાં મળેલ જેમાં કોંગી ર૪,રપ કરોડમાં કોઇ ફેરફાર વગર થોડા આંતરિક ફેરફારો સાથે સર્વાનુમતે બહાલી આપવામાં આવીહતી શહીદોના પરિવારને રૂ.૧ લાખના બદલે ર લાખની સહાય આપવા કુલ ૧૦ લાખની કરાયેલ અન્ય ખર્ચ માટે રૂ.૧૦ લાખના બદલે રપ લાખની જોગવાઇ કરવામાં આવી છે સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટમાંથી વિકાસ કામો કરવાની સત્તા સામાન્ય સભ્યના બદલે પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને આપવાનો ઠરાવ કરાયો હતો.

સિનિયર સભ્ય પી.જી.કયાડાએ બજેટને વિકાસલક્ષી ગણાવી આવકાર્યુ હતું અન્ય કોઇએ ચર્ચા નહી કરતા બજેટ બેઠક શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણતરીની મીનીટોમાં પૂર થઇ હતી.

સામાન્ય સભામાં પ્રમખ ભૂપત બોદરે જણાવેલ કે રાજકોટ જિલ્લા પંચાયતમાં સરકાર તરફથી આવતી રકમો તેમજ સ્વભંડોળ સદરે રાખવામાં આવેલ જોગવાઇની રકમો જિલ્લાના પ્રજાજનોના કલ્યાણ/ઉત્કર્ષ/પ્રગતિ માટે વપરાય તેવી અભ્યાર્થીના છે.રાજકોટ જિલ્લા પંચાયતનું સને ર૦ર૧-રરનું અંદાજપત્ર કુલ રૂ.ર૪.રપ કરોડનું છે. સને ર૦ર૧-રર નાં અંદાજપત્રમાં સ્વભંડોળમાં વિવિધ ક્ષેત્રમાં કરવામાં આવેલ વિશિષ્ટ જોવગાઇ નીચે મુજબ છે.

(૧) શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે રર લાખની જોગવાઇ કરેલ છે.

(ર) ઉતમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે પ લાખની જોગવાઇ કરેલ છે.

(૩) વિકાસનાં કામો માટે ૭ કરોડ ૯ર લાખની જોગવાઇ કરેલ છે.

(૪) પ્રા. શાળામાં શૈક્ષણિક સાધનો અને શાળા કમ્પાઉન્ડ વોલને રંગરોગાન માટે પ લાખની જોગવાઇ કરેલ છે.

(પ) પ્રા. શાળામાં પીવાનાં પાણીની સુવિધા માટે સ્થાયી પ્રકારનો ખર્ચ માટે ૧૦ લાખની જોગવાઇ કરેલ છે.

(૬) પ્રા. શાળા કમ્પાઉન્ડનાં દરવાજાથી શાળા સુધી પેવિંગ બ્લોક માટે ર૦ લાખની જોગવાઇ કરેલ છે.

(૭) પ્રા. શાળાની કિશોરીઓને સેનેટરી નેપકીન તથા તે અંગેની મશીનરી ખરીદવા રપ લાખની જોગવાઇ કરેલ છે.

(૮) નેત્રયજ્ઞ, સર્જીકલ કેમ્પ, ડાયાબીટીસ, લોહીની તપાસ માટેનાં જરૂરી સ્થાયી પ્રકારના સાધન સામગ્રી અને ફોગીંગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્ય લક્ષી પ્રવૃતિ માટે પ લાખની જોગવાઇ કરેલ છે.

(૯) હૃદય રોગ, કેન્સર, કિડની, થેલેસેમીયા, બ્રેઇન ઇન્જરી, બ્રેઇન ટયુમર અને પેરાલીસીસ માટે સામુહિક રીતે સહાય માટેની પ લાખની જોગવાઇ કરેલ છે.

(૧૦) આંગણવાડીના મકાન તેમજ સ્થાયી પ્રકારના મરામત ખર્ચ માટે (આંગણવાડી કમ્પાઉન્ડમાં  paving block - પાણીના કનેકશન વગેરે કામો) માટે ૩૦ લાખની જોગવાઇ કરેલ છે.

(૧૧) મોડેલ આંગણવાડી બનાવવા તેમજ આનુષંગિક સ્થાયી પ્રકારના ખર્ચ માટે ૧પ લાખની જોગવાઇ કરેલ છે.

(૧ર) આંગણવાડીમાં રમત ગમતના સાધનો ખરીદવા માટે ૧ર લાખની જોગવાઇ કરેલ છે.

(૧૩) આંગણવાડી કેન્દ્ર તેમજ રંગકામ ભીત ચિત્રો તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણના પેઇન્ટીંગ બનાવવા અંગેના ખર્ચ માટે ૩૦ લાખની જોગવાઇ કરેલ છે.

(૧૪) જે આંગણવાડીમાં કમ્પાઉન્ડ વોલ હોય ત્યાં નવા દરવાજા બનાવવા તેમજ કમ્પાઉન્ડ વોલમાં કલર અને ચિત્ર અંગેના ખર્ચ માટે ર૪ લાખની જોગવાઇ કરેલ છે.

(૧પ) પાક નિદર્શન તથા ખેતી વિષયક પ્રચારક હરીફાઇઓ અને ખેડૂત હેલ્પ સેન્ટર અંગે ૩ લાખની જોગવાઇ કરેલ છે.

(૧૬) સામાજિક ન્યાય નિધીમાં તબદલીલ કરવાની રકમ (તા. ૧પ-૯-ર૦૧૬ના ઠરાવ મુજબનાં કામો માટે) ૬પ લાખની જોગવાઇ કરેલ છે.

(૧૭) તળાવો અને બંધારાની નહેરો અને નહેરના દેખરેખનાં કામો માટે પ૦ લાખની જોગવાઇ કરેલ છે.

(૧૮) વરસાદી પાણીના સંગ્રહ માટેના ગ્રાન્ય કક્ષાના કામો માટે રપ લાખની જોગવાઇ કરેલ છે.

(૧૯) જિ. પં. દ્વારા બિન પરંપરાગત ઉર્જાનાં સાધનો માટે ૧પ લાખની જોગવાઇ કરેલ છે.

(ર૦) જિ. પં. દ્વારા સીસીટીવી (મરામત અને નવા) માટે પ લાખની જોગવાઇ કરેલ છે.

(ર૧) ધન કચરાનાં નિકાલનાં યાંત્રીક સાધનો માટે પ લાખની જોગવાઇ કરેલ છે.

(રર) જિલ્લા પંચાયત રાજકોટ હેઠળનાં વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહિદ થયેલા સૈનિકના પરિવારને રૂ. ર લાખ ચુકવવા ૧૦ લાખની જોગવાઇ કરેલ છે.

(ર૩) જિલ્લા પંચાયત અન્ય ખર્ચ માટે રપ લાખની જોગવાઇ કરેલ છે.

એક ઠરાવમાં જણાવાયેલ કે જિલ્લા પંચાયતને મળતી સ્ટેમ્પ ડયુટીની આવકનાં અનુદાનમાંથી વિકાસના કામો કરવા અંગે માપદંડ નકકી કરવામાં આવ્યા છે. રાજય સરકાર તરફથી આ અનુદાનમાંથી કરવાના થતા વિકાસના કામોની વહીવટી મંજૂરી આપવાની સત્તા પંચાયતની સામાન્ય સભાને સુપ્રત કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભા ત્રણ માસે મળે છે. આવા સંજોગોમાં વિકાસના કામોની મંજૂરી આપવામાં વિલંબ થવાની સંભાવના રહે છે. વિકાસના કામોને વેગવંતા બનાવવા તથા વહીવટી મંજૂરીમાં થતા વિલંબને ટાળવા આજની સામાન્ય સભા આ અનુદાનમાંથી કરવાના થતા વિકાસના કામોની સૈધ્ધાંતિક મંજૂરીની મળેલ સત્તા સામાન્ય સભાના અધ્યક્ષ માન. પ્રમુખ અને સામાન્ય સભાના સચિવ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અધિકાર સુપ્રત કરવાનું તથા વહીવટી મંજૂરી આપવાના અધિકાર નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, (વિકાસ)ને રાજકોટને સુપ્રત કરવાનું ઠરાવવામાં આવે છે.

અન્ય એક ઠરાવમાં જણાવાયેલ કે નર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ ગાંધીનગર દ્વારા સિંચાઇ પંચાયત વિભાગ દ્વારા જે કામોની સૈધ્ધાંતિક મજૂરી આપવામાં આવે જેમાં શરતો મુજબ અનુશ્રવણ તળાવો, નાની સિંચાઇ યોજના, ચેક ડેમ રીપેરીંગ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરી કામો કરવામાં આવે છે. જેથી રૂ. પ.૦૦ લાખ કે રૂ. પ.૦૦ લાખથી ઓછી રકમના કામો કરવામાં ટેન્ડરની પ્રક્રિયાના કારણે વિલંબ થવા પામે છે. જેથી આવા નાના કામો ટેન્ડર પ્રક્રિયાને કારણે પુરા થઇ શકતા નથી કે બાકી રહેવા પામે છે.  સિંચાઇ પંચાયત વિભાગ હેઠળના કામો રૂ. પ લાખ કે રૂ. પ લાખ નીચેના કામો ગ્રામ પંચાયતને વિના ટેન્ડરે કામો સોંપવા અંગે સરકારશ્રીની મંજૂરી મેળવવા આજની સામાન્ય સભામાં ઠરાવ થયો હતો.

ગયા બજેટમાંથી ૧૧૮૮ લાખ વપરાયાઃ ૮૮૬ લાખ પડતર

રાજકોટઃ જિલ્લા પંચાયતના વર્ષ ર૦ર૦-ર૧ બજેટમાં ર૦૭૪.૩૯ લાખની જોગવાઇ કરાયેલ. જેમાંથી ગત ફેબ્રુઆરી સુધીમાં ૧૧૮૮.૩૮ લાખ વપરાયા (અંતિત થયેલ કુલ ખર્ર્ચ) હોવાનું આજે સભ્યોને અપાયેલ બજેટ બૂકમાં જણાવાયુંછે ૮૮૬ લાખ હજુ વપરાયા વગરના છે.

(3:10 pm IST)