Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

વકિલની હત્‍યાના પ્રયાસમાં ત્રણ આરોપીના રિમાન્‍ડની તજવીજઃ તમંચો નહિ હોવાનું જસ્‍મીન માઢકનું રટણ

સ્‍કોર્પિયો કબ્‍જેઃ જસ્‍મીન માઢક, ભૂપત બાંભવા અને ભાવિન દેવડાને સાંજે કોર્ટમાં રજૂ કરી ૭ દિ'ના રિમાન્‍ડ મંગાશેE

રાજકોટ તા. ૨૬: શહેરના શ્રીજીનગરમાં રહેતાં એડવોકેટ રીપન મહેશભાઇ ગોકાણી અને તેના પિતા, ભાભી, પિત્રાઇ તથા પડોશી પર હુમલો કરી સોનાના ચેઇનની લૂંટ ચલાવવાના આરોપમાં ક્રાઇમ બ્રાંચે ત્રણ આરોપીઓને પકડી ગાંધીગ્રામ પોલીસને સોંપતા આજે આ ત્રણેયને સાંજે રિમાન્‍ડ માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે. જસ્‍મીન માઢકે તમંચો તાંક્‍યાનો ફરિયાદમાં આરોપ હોઇ પોલીસે તમંચા બાબતે પુછતાં તેણે પોતાની પાસે આવુ કોઇ હથિયાર નહિ હોવાનું રટણ કર્યુ છે.

એડવોકેટ રીપન ગોકાણી અને તેના મિત્રોએ ઓનલાઇન ગોલો મંગાવ્‍યો હોઇ ડિલીવરીની રાહ જોઇ રહ્યા હતાં ત્‍યારે જસ્‍મીન માઢકનો પુત્ર પ્રસિધ્‍ધ ફોનમાં જોર જોરથી ગાળો બોલતો હોઇ તેને ગાળો બોલવાની ના પાડતાં માથાકુટ થઇ હતી. એ પછી જસ્‍મીન સહિતના શખ્‍સો કાળી સ્‍કોર્પિયોમાં આવ્‍યા હતાં અને છરી, ધોકા, ધારીયાથી હુમલો કર્યો હતો. તેમજ જસ્‍મીને તમંચો તાંકી હત્‍યાનો પ્રયાસ કર્યો હતો. આવા આરોપસર નોંધાયેલી ફરિયાદ અંતર્ગત  ત્રણ આરોપી જસ્‍મીન બાલાશંકરભાઇ માઢક (રહે. મહકાળી, નવલનગર-૩, મવડી રોડ), ભુપત લાલાભાઇ બાંભવા (રહે. નહેરૂનગર-૫, આશાપુરા મકાન સામે નાના મવા રોડ) તથા ભાવિન બહાદુરસિંહ દેવડા (રહે. નહેરૂનગર-૪, માલધારી ચોક, સાગર મકાન પાસે)ની ધરપકડ કરવામાં આવી છે.આ શખ્‍સોની સાથે બીજા અજાણ્‍યા કોણ કોણ હતાં? તમંચો કોની પાસેથી લાવ્‍યા? એ સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ સાંજે ત્રણેયને સાત દિવસના રિમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે. જો કે હાલ જસ્‍મીને પોતાની પાસે કોઇ હથીયાર નહિ હોવાનું રટણ ચાલુ રાખ્‍યું છે. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ જી. એમ. હડીયા, પીઆઇ જે. વી. ધોળા, પીઅએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હીરાભાઇ રબારી, હેડકોન્‍સ. ખોડુભા જાડેજા, સલિમભાઇ મકરાણી, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા,  ભરતભાઇ, દિનેશભાઇ, ગોપાલભાઇ, મહિલા કોન્‍સ. ભુમિબેન સોલંકી સહિતે આ કામગીરી કરી હતી.આરોપી જસ્‍મીન માઢક પાસેથી સ્‍કોર્પિયો ગાડી પણ કબ્‍જે કરવામાં આવી છે.

(1:00 pm IST)