Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ચેક રિટર્નના કેસમાં વેપારીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ,તા. ૨૬: શહેરમાં શહેરની હરે કૃષ્‍ણ વાયરીંગ અને બેટરીનો વ્‍યવસાય કરતા વેપારી પાસેથી બાકીમાં લીધેલી માલની રકમ ચૂકવવા આપેલા બે ચેક વગર વસુલાતે બેંકમાંથી પરત ફરવાના ગુનામાં વેપારીને એક વર્ષની સાદી કેદ અને ફરિયાદીને વળતર ૧ માસમાં ચૂકવવામાં કસુર ઠરે તો વધુ છ માસની સજાનો હુકમ અદાલતે કર્યો છે.

વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં હરે ક્રિષ્‍ના ઓટો વાયરીંગ અને બેટરીનો વ્‍યવસાય કરતા જયેશભાઈ વશરામભાઈ બુસા પાસેથી મૂળ કુકાવાવ પંથકના અને હાલ રાજકોટ શહેરના ૮૦ ફુટ રોડ પર પટેલનગર માં ઓટો રીપેરીંગ નો વ્‍યવસાય કરતા વિપુલભાઈ ગોબરભાઇ ઠુંમર રે બાકીમાં ઓટો પાર્ટસની ખરીદી કરી હતી. જે રકમ ચૂકવવા વિપુલ ઠુમરે કુકાવાવ તાલુકાની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની સનાલી શાખાનો રૂ.૧.૮૩.૭૫૦ લાખ અને ૬૦,૦૦૦ના બે ચેક આપેલા હતા. જે બંને ચેક બેન્‍કમાંથી વગર વસુલાતએ પરત ફર્યા હતા. જે અંગેની કાયદાકીય પ્રક્રિયા મુજબ જયેશભાઈ બૂસાએ ગેરેજ સંચાલક વિપુલ ઠુંમરને નોટિસ દ્વારા જાણ કરવા છતાં ચેકની રકમનું ચૂકવણું ન કરતા અદાલતમાં નેગોશીએબલ એક્‍ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્‍યાને લઇ અદાલતે વિપુલ ઠુંમરને નેગોશિયેબલ એક્‍ટના કલમમાં તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદી અને ચેકની રકમ એક માસમાં વળતર પેટે ચૂકવવામાં આરોપી કસુર ઠરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.

ફરિયાદી જયેશભાઈ બુસા વતી એડવોકેટ તરીકે રમેશભાઈ રામાણી અને પંકજભાઈ મકવાણા રોકાયા હતા.

(4:29 pm IST)