Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

સ્માર્ટ સીટી વિસ્તારમાં ૪ ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન : ૪.૩૪ કરોડની જગ્યા ખુલ્લી

નંદી પાર્ક મેઇન રોડ પર ૨૬ સ્થળોએથી માર્જીન - પાર્કિંગમાં ખડકાયેલા છાપરા - ઓટલાના દબાણો હટાવ્યા : વન વીક વન રોડ અંતર્ગત કાર્યવાહી

રાજકોટ તા. ૨૬: મહાનગરપાલિકા દ્વારા  શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.જે અન્વયે આજે વેસ્ટ ઝોનના નંદી પાર્ક મેઇન રોડ વિસ્તારમાં ૨૬ સ્થળોએથી પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ છાપરા, ઓટલાનાં દબાણો, ગેરકાયદેસર બાંધકામ દુર કરી ૬૯૭   ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત સ્માર્ટ સીટી એરિયામાં રૈયાધાર પાસે નિર્માણ પામી રહેલ તંત્રના પ્લોટમાં ખડકાયેલ ૪ ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન કરી ૮૨૦ ચો.મી. રૂા. ૪.૩૪ કરોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીન વિગતો આ મુજબ છે.
સ્માર્ટ સિટી એરિયામાં ડિમોલીશન
મ્યુ. કમિશનર અમીત અરોરાના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે ટી.પી. સ્કીમ નં. ૩૨ રૈયા, એફ.પી.નં. ૬૪+૮૫, 'એચ.ઇ.ડબલ્યુ.એસ.એચ.' હેતુ, લાઇટ હાઉસ પ્રોજેકટની પાછળ ૧-ટોયલેટ, ૧ -બાથરૂમ, ૧-પતરાનો શેડ, ૧-મકાન સહિત અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર દબાણ - બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં ૮૨૦ ચો.મી.ની અંદાજીત ૪.૩૪ કરોડ જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
ઙ્ગશહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યાને અંતર્ગત કમિશનર દ્વારા રજુ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના નંદી પાર્ક મેઇન રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતો થયેલ દબાણ - ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જેમાં એમ્ફી કોમ્પલેક્ષ, કૈલાશ કોમ્પલેક્ષ, રવિ કોમ્પલેક્ષ, નંદી પાર્ક, અપૂર્વ કોમ્પલેક્ષ, દીપ કોમ્પલેક્ષ, હાઉસીંગ બોર્ડ કવાર્ટર, ત્રિલોકધામ સામે તથા ગોવર્ધન કોમ્પલેક્ષ સહિતના સ્થળોએથી છાપરા, ઓટા, જાળીના દબાણો હટાવી ૬૯૭ ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
આ કામગીરીમાં વેસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર ટાઉન પ્લાનીંગ ઓફિસર સીટી એન્જીનિયર વેસ્ટ ઝોન તેમજ વેસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જઇવાઇ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા

 

(3:15 pm IST)