Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

નાથાભાઇએ સવારે ઉઠતાવેંત પત્‍નિને ફડાકા માર્યા બાદ પુત્રને પણ ઠમઠોરતાં હથોડીના ઘા ઝીંકી પતાવી દેવાયા'તા

બુધવારે પત્‍નિ મણીબેને તેને બિમારીની દવા પીવાનું કહેતાં ઝઘડો કરતાં પત્‍નિ ઘર છોડી બહાર જતા રહ્યા બાદ સાંજે પરત આવ્‍યા હતાં: ગઇકાલે સવારે પણ પતિને માર મારતાં બહેનના ઘરે જતાં રહ્યા હતાં: બાદમાં નાથાભાઇએ પુત્ર સાથે ડખ્‍ખો કર્યો અને મોત મળ્‍યું

રાજકોટ તા. ૨૬: મોટા મવામાં ફુલવાડી પાર્ક-૧૩ વણકરવાસમાં રહેતાં પ્રોૈઢની ગઇકાલે તેના જ પુત્રએ હથોડીના ઘા ફટકારી હત્‍યા કરી નાંખી હતી. હત્‍યા પાછળ મૃતક દ્વારા ઘરમાં વારંવાર કરવામાં આવતો કલેશ, માથાકુટ કારણભુત બન્‍યાનું ખુલ્‍યું છે. બુધવારે આ પ્રોૈઢને પત્‍નિએ બિમારીની દવા પી લેવાનું કહેતાં તેણે પીધધી નહોતી અને ઝઘડો કરતાં પત્‍નિ ઘર બહાર નીકળી સ્‍મશાન પાસે જઇ બેસી ગયા હતાં. બીજા દિવસે એટલે ગુરૂવારે સવારે ઉઠતાંની સાથે જ પ્રોૈઢે ઘરકામ બાબતે જેમ તેમ બોલી પત્‍નિને લાફા મારી દેતાં તેણી તેના બહેનના ઘરે જતી રહી હતી. આ પછી પ્રોૈઢ પુત્રને પણ માર મારતાં તે ઉશ્‍કેરાયો હતો અને હથોડીથી તૂટી પડયો હતો.

તાલુકા પોલીસે આ બનાવમાં હત્‍યાનો ભોગ બનેલા નાથાભાઇ ડાયાભાઇ પરમારના પત્‍નિ મણીબેન પરમાર (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી તેના પુત્ર ધર્મેશ નાથાભાઇ પરમાર (ઉ.૨૩) સામે આઇપીસી ૩૦૨, ૧૩૫ (૧) મુજબ હત્‍યાનો ગુનો નોંધી સકંજામાં લીધો છે. તેણે એવું રટણ કર્યુ હતું કે મારા બાપુજી વારંવાર ઘરમાં ડખ્‍ખા કરી માથાકુટ કરતાં હોઇ મને ગુસ્‍સો આવી જતાં મેં તેને હથોડી ફટકારી દીધી હતી.

મણીબેન પરમારે પોલીસને જણાવ્‍યું છે કે હું ઘરકામ કરુ છું, મારે સંતાનમાં એક દિકરો ધર્મેશ છે. મારા પતિ નાથાભાઇ ઘણા વર્ષથી કંઇ કામધંધો કરતાં નહોતાં.   બુધવારે ૨૪મીએ બપોરે બે વાગ્‍યે હું અને પુત્ર ધર્મેશ ઘરમાં હતાં. પતિ થોડા સમયથી બિમાર હોઇ અને તેની દવા પીતાં ન હોઇ મેં તેને દવા પી લેવાનું કહેતાં તેણે મારી સાથે ઝઘડો ચાલુ કર્યો હતો. વધુ માથાકુટ ન થાય તે માટે હું મારા ઘરેથી મોટા મવા સ્‍મશાન પાસે બેસવા જતી રહી હતી. સાંજના પાંચેક વાગ્‍યે પરત ઘરે આવી હતી અને રસોઇ બનાવી હતી. ત્‍યારે મેં અને દિકરાએ ભોજન કર્યુ હતું પણ પતિ જમ્‍યા નહોતાં. એ પછી બધા રાતે દસેક વાગ્‍યે સુઇ ગયા હતાં.

બીજા દિવસે ગુરૂવારે સવારે છએક વાગ્‍યે હું જાગી હતી. ત્‍યારે પતિએ મારી સાથે ઘરકામ મામલે ઝઘડો ચાલુ કરી જેમતેમ બોલવા માંડતાં તેમજ મને બે ત્રણ લાફા મારી દેતાં મારો દિકરો ધર્મેશ જાગી ગયો હતો. તે આ બધુ જોતો હતો. પતિ મને વધુ મારકુટ કરવા દોડતાં હું મારી બહેન ભાનુબેન રાઠોડ જે પુર્ણિમા સોસાયટીમાં રહે છે ત્‍યાં જતી રહી હતી. બાદમાં સાડા આઠેક વાગ્‍યે પુત્ર ધર્મેશ સાઇકલ લઇને આવ્‍યો હતો અને મને તેની સાથે ઘરે આવી જવા કહેતાં મેં તેને હું થોડીવારમાં આવું છું તેમ કહેતાં તે સાઇકલ લઇ નીકળી ગયો હતો.

પરંતુ મને બીક લાગતી હોઇ જેથી હું બહેનના ઘરેથી મારા ઘરે જવાને બદલે સીધી પોલીસ સ્‍ટેશને પહોંચી હતી અને પતિના ત્રાસની વાત કરી હતી. આથી પોલીસે મારા દિકરા ધર્મેશને ફોન કરીને બોલાવ્‍યો હતો. મારા દિકરાએ આવે આપણે કોઇ ફરિયાદ કરવી નથી તેમ કહેતાં અમે ફરિયાદ લખાવ્‍યા વગર ઘરે જતાં રહ્યા હતાં. અમે ઘરે પહોંચ્‍યા ત્‍યારે પતિ ઘરના રૂમાં લોહીલુહાણ પડયા હતાં. તેના માથામાંથી લોહી નીકળતું હોઇ મેં દિકરા ધર્મેશને તે આ શું કર્યુ? તેમ પુછતાં તેણે કહેલું કે સવારે પપ્‍પાએ તમારી સાથે માથાકુટ કરી હતી અને પછી મારી સાથે પણ ડખ્‍ખો કરી મને મારવા માંડતાં મેં રૂમમાં પડેલી હથોડીના ત્રણ ચાર ઘા તેને મારી દીધા હતાં. તેના માથામાંથી લોહી નીકળતાં અને તેન પડી જતાં મને બીક લાગતાં હું રૂમ બંધ કરી તમને માસીના ઘરેથી લેવા માટે નીકળી ગયો હતો.

પીઆઇ વી.આર. પટેલ, રાઇટર ભાવીનભાઇ સહિતે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવાની તજવીજ કરી છે.

(11:51 am IST)