Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રૈયા રોડ પર બનાવઃ કેરીના ભાવ બાબતે ફેરીયાઓએ ડખ્‍ખો કર્યોઃ ઢીકો મારી ગ્રાહકની આંખ ફોડી નાંખી

રૈયાધારમાં રહેતાં સિક્‍યુરીટી ગાર્ડ શાંતિભાઇ નકુમને ૭૦૦નો ભાવ કહ્યા બાદ ૫૦૦માં પેટી લઇ જવા કહ્યું: પણ શાંતિભાઇએ કેરી જોઇ જોઇને લેશે તેમ કહેતાં વેંચનારા ત્રણ જણાએ પિત્તો ગુમાવ્‍યોઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૬: કેરીની સીઝન ચાલી રહી છે ત્‍યારે ગ્રાહકો અને વેંચનારાઓ વચ્‍ચે ઘણીવાર કેરીના ભાવ બાબતે કે પછી ફળ વીણી વીણીને લેવા બાબતે ચડભડ થતી રહેતી હોય છે. અગાઉ જ્‍યુબીલી શાક માર્કેટ પાસે પણ માથાકુટ થઇ હતી. ત્‍યાં હવે રૈયા રોડ પર સદ્દગુરૂ શોપીંગ સેન્‍ટર સામે રોડ સાઇડમાં કેરી વેંચવા બેસતાં ફેરીયાઓએ રૈયાધારના પ્રોૈઢ સાથે કેરીના બોક્‍સના ભાવ બાબતે અને વીણી વીણીને ફળ લેવા મામલે ડખ્‍ખો થતાં તેને ઘુસ્‍તા પાટાનો માર માર્યો હતો. તેમજ ડાબી આંખ પર એક ધૂંબો મારી દીધો હતો. આ કારણે પ્રોૈઢની આંખનો પરદો ફાટી જતાં ઓપરેશન માટે દાખલ થવું પડયું છે.

જાણવા મળ્‍યા મુજબ રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં અને શિતલ પાર્ક પાસેના બિલ્‍ડીંગમાં સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં શાંતિભાઇ રતનભાઇ નકુમ (ઉ.વ.૫૩) સાંજે સાતેક વાગ્‍યે કિસાનપરા તરફથી હનુમાન મઢી તરફ બાઇક હંકારીને જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં સદ્દગુરૂ કોમ્‍પલેક્ષની સામે રોડ સાઇડમાં કેરીના બોક્‍સ લઇને ફેરીયાઓ કેરી વેંચવા બેઠા હોઇ શાંતિભાઇને કેરી લેવી હોવાથી વાહન ઉભુ રાખી બોક્‍સના ભાવ પુછ્‍યા હતાં. આ વખતે વેંચનારા ફેરીયાઓ સાથે માથાકુટ થતાં તેને મારકુટ થતાં ડાબી આંખમાં ધૂંબો લાગી જતાં ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં.

બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં પીએસઆઇ જે. જી. જાડેજાએ હોસ્‍પિટલે પહોંચી શાંતિભાઇની ફરિયાદ પરથી ત્રણ અજાણ્‍યા સામે આઇપીસી ૩૨૩, ૩૨૫, ૧૧૪ મુજબ ગુનો નોંધ્‍યો છે. કેરી વેંચનારા શખ્‍સોએ છાતી, પીઠના ભાગે અને ચહેરા પર ધૂંબા-પાટા માર્યા હતાં. જેમાં એક ઢીકો ડાબી આંખ પર લાગી જતાં કાયમી ખોડખાપણ રહી જાય તેવી ઇજા પહોંચી હતી.

શાંતિભાઇને સિવિલ હોસ્‍પિટલના આંખના વિભાગમાં દાખલ કરવામાં આવ્‍યા છે. સવારે તેમને ઓપરેશન માટે લઇ જવાયા હતાં. એ પહેલા તેમણે કહ્યું હતું કે મને બોકસના રૂા. ૭૦૦ કહેવાયા હતાં, મેં ૫૦૦માં માંગ્‍યું હતું. પણ તેણે ના પાડતાં અને ૬૦૦માં જોઇએ તો કહો તેમ કહેતાં હું ચાલતો થયો હતો. પછી તેણે બૂમ પાડી પાછો બોલાવ્‍યો હતો અને ૫૦૦માં બોક્‍સ લઇ જવા કહ્યું હતું. પણ મેં બોક્‍સ ખોલીને મને ગમશે એવી કેરી જ લઇશ તેમ કહેતાં વેંચનારા ઉશ્‍કેરાયા હતાં અને મારા પર તૂટી પડયા હતાં. આંખમાં ઢીકો લાગવાથી પરદો ફાટી ગયાનું નિદાન થયું હતું.

(4:04 pm IST)