Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

બાબરા લો કોલેજના પ્રિન્સીપાલ સહિત ૬ જણા ૩૧મી સુધી રિમાન્ડ પરઃ ભુલ થઇ ગયાનું રટણ!

અગાઉના પેપરને લીક કર્યુ હતું કે કેમ? કોઇ આર્થિક લાભ થવાનો હતો કે કેમ? તે સહિતના મુદ્ે તપાસઃ ટ્રસ્ટીઓએ કહ્યું અમે કંઇ જાણતા નથીઃ કોૈભાંડની ખબર પડતાં જ ત્રણેયને કોલેજમાંથી કાઢી મુકયા

રાજકોટ તા. ૨૭: સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના બી. કોમ. સેમેસ્ટર-૩નું અર્થશાસ્ત્રનું પેપર લીક કરવાના કોૈભાંડમાં બાબરાની સરદાર પટેલ લો-કોલેજના પ્રિન્સીપાલ સહિત છ જણાની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ૩૧મી સુધીના રિમાન્ડ મંજુર થયા હોઇ વિશેષ તપાસ શરૂ થઇ છે. છએય જણાએ પોતાનાથી ભુલ થઇ ગયાનું રટણ કર્યુ છે. પોલીસે લો-કોલેજના ટ્રસ્ટીઓના નિવેદનો પણ નોંધ્યા છે. જો કે તેઓએ પોતે કંઇ જાણતા ન હોવાની સ્પષ્ટતા કરી એવું કહ્યું હતું કે કોૈભાંડ છતુ થતાં જ પ્રિન્સીપાલ, કલાર્ક અને પ્યુનને કોલેજમાંથી હાંકી કાઢ્યા હતાં.

નોંધનીય છે કે કોૈભાંડને પગલે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ લો કોલેજની માન્યતા પણ તાત્કાલીક અસરથી રદ્દ કરી નાંખી હતી. પોલીસ કોલેજના પ્રિન્સીપાલ દિલાવર રહીમભાઇ ખુરેશી, કલાર્ક રાહુલ ભુપત પંચાસરા, પટ્ટાવાળા ભીખુ સવજીભાઇ સેજલીયા અને ત્રણ છાત્રો પારસ ગોરધનભાઇ રાજગોર, દિવ્યેશ લાલજીભાઇ ધડુક અને એલીશ પ્રવિણભાઇ ચોટલીયાની ધરપકડ કરી હતી. આ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં પાંચ દિવસના રિમાન્ડ મળતાં પોલીસે આરોપીઓને સાથે રાખી પંચનામાની કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત લો-કોલેજના ટ્રસ્ટીઓના નિવેદન પણ નોંધ્યા હતાં. જો કે ટ્રસ્ટીઓને કલીનચીટ મળી હતી. તેમણે કહ્યું હતું કે કોૈભાંડમાં પ્રિન્સીપાલ, કલાર્ક અને પ્યુનની સંડોવણી સામે આવતાં જ ત્રણેયને હાંકી કાઢ્યા હતાં. સુત્રધાર પ્રિન્સીપાલ ખુરેશીએ પરિક્ષા ચાલુ થવાના બે કલાક પહેલા એટલે કે સવારે આઠ વાગ્યે પેપરનું બંડલ  ખોલી ફોટો પાડી કલાર્કને મોકલ્યો હતો. એ પછી કલાર્ક મારફત પેપર બીજા વિદ્યાર્થીઓ સુધી અને કોલેજના છાત્રોના વ્હોટ્સએપ ગ્રુપ સુધી પહોંચ્યું હતું.

છએય આરોપીઓના ૩૧મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મળ્યા હોઇ ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં એસીપી એસ. આર. ટંડેલ અને પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, એ. બી. વોરા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જે. જાડેજા, યુવરાજસિંહ આર. ઝાલા,ગિરીરાજસિંહ જાડેજા, કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી, સહદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહિલ, લક્ષમણભાઇ મકવાણા સહિતની ટીમ વધુ તપાસ ચલાવે છે.

(12:41 pm IST)