Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

શહેરમાં ઉછરેલો એક 'શહેરીબાબુ' જેવો ચિત્રકાર, આખા જંગલને શ્વાસમાં ભરી શકતી એક માલધારી કન્યા અને દર એક પળે જીવંત એવું જંગલ ...

૧૩ જાન્યુઆરીએ નાટક 'અકુપાર' દર્શકો સમક્ષ થશે રજુઃ ટીકીટ માટે મો. ૯૦૨૩૨૮૨૪૦૭

રાજકોટઃ પહેલા એમ મનાતું કે પૃથ્વી શેષનાગની ફેણ  અને કાચબાની પીઠ પર ટકેલી છે અને જો એવું હોય તો તે ટેકો જે બિંદુ પર લાગેલો છે તે નક્કી ગીરની નીચે હશે - ગીર વિષે તો આવી કેટલીયે સ્નેહ-સરવાણીઓ , શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત 'અકૂપાર' પુસ્તકમાં વાંચવાં મળશે અને આ પુસ્તકનો, નાટ્યઅનુવાદનો પ્રયત્ન સાક્ષાત આંખો સામે જોવો હોય તો તમારે વિદેહી એન્ટરટેઇન્મેન્ટ આયોજિત 'અકૂપાર' નાટક જોવા આવવું પડે !

 ગીરની ગરિમા, ગીરની જીવંતતા, ગીર અને પ્રકૃતિ સાથે દરેકે દરેક પાત્રનું તાદાત્મ્ય અને જીવનના કેટલાયે ઉચ્ચ સત્યો સાવ જ સરળ ભાષામાં રજુ કરતુ નાટક એટલે 'અકૂપાર' દરેક પાત્રને ઊંડી સમજણ અને બારીક નકશીકામથી કોતરેલા આ નાટ્ય રુપાંતરમાં અકૂપાર પુસ્તકમાં વર્ણવેલી ઘટનાઓને આબેહૂબ રજુ કરવામાં દિગ્દર્શિકા શ્રી અદિતિ દેસાઈએ ઊંડી મહેનત લીધી છે તો કલાકારો RJ  દેવકી સહીત આખેઆખી ૩૦ જણા ની ટીમએ દિગ્દર્શિકાના સ્વપ્નને સાદ્યન્ત સ્ટેજ પર ઉતારવા ઊંડી મહેનત લીધી છે. સુંદર સેટ, ગીરના જ પરિધાનો અને ગીરની જ - માલધારીની ભાષાને બોલીમાં લાવવા દરેક કલાકારએ મહિનાઓની પ્રેકટીસ કરી છે.

 વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના દરેક નાટકો અને ગુજરાતી -ઉર્દુ મુશાયરાઓને રાજકોટવાસીઓ એ દિલથી આવકાર્યા  છે. માટે આ વખતે પણ રાજકોટ એ ટિકિટ માટે પહેલા ૨ દિવસમાં જ 'ખટકો' રાખી ટિકિટો બૂક  કરાવી લીધી છે. સાસણ, ગીર, ઉના, ધારી, જામનગર, મોરબી, જસદણ, ભાવનગર, ધોરાજી થી પણ ટિકિટો બૂક  થઇ છે - જે દેખાડે છે કે આ નાટક માટે લોકોની ઇંતેજારી કેટલી પ્રબળ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના વિદ્યાર્થીઓએ તો એક સાથે પોતાની સીટ્સ બૂક  કરાવી લીધી છે તો રાજકોટ તમે કોની રાહ જોવો છો?! પછી મનગમતી સીટના મળે તો વિદેહી એન્ટર્ટેઈનમેન્ટનો વાંક નહિ કાઢતા હોં !

 નાટકનો એક માત્ર પ્રયોગ ૧૩ જાન્યુઆરી, ગુરુવાર, રાત્રીના ૯.૩૦ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે થશે. એડવાન્સ બુકિંગ માટે મો. ૯૦૨૩૨ ૮૨૪૦૭ અથવા બુકમાયશો એપ પર પણ ટીકીઓ ઉપલબ્ધ છે.

 વિદેહી એન્ટરટેઇન્મેન્ટના આ પ્રયોગ માં તેમના વડીલ અને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારનો સહકાર સાંપડ્યો છે. 

આ ઉપરાંત અકૂપાર નાટકના સપોર્ટર્સ તરીકે માઇક્રો ફાઈન ઘરઘંટી, સાગર પાઇપ્સ એન્ડ ફીટીંગ્સ, પરીન ફર્નિચર , કાઠિયાવાડી સ્વાદબંધુ, પરીન ટાટા મોટર્સ, સજીવન ઓર્ગેનિક, ગોકુલ હોસ્પિટલ, માધવ વેસ્પા અને સ્નેક બાઈટ -મોટી ટાંકી ચોકનો  સહકાર સાંપડ્યો છે.  

(3:05 pm IST)