Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

'હિટ એન્ડ રન'માં ૧૦ વર્ષના પુત્રનો બચાવ, કારખાનેદાર પિતા પ્રશાંતભાઇ પટેલનું મોત

પી.ડી. માલવીયા કોલેજ પાસે રવિવારે સાંજે જીવલેણ અકસ્માત : માયાણી ચોકના યુવાન કારખાનેદાર પુત્રને લઇ કારખાને ગયા'તાઃ ત્યાંથી પુત્રના બૂટ લેવા નીકળ્યા ત્યારે ક્રેટા કારનો ચાલક એકટીવાને ઉલાળીને ભાગી ગયોઃ માલવીયાનગર પોલીસે શોધખોળ આદરી

રાજકોટ તા. ૨૭: ગોંડલ રોડ પર પી. ડી. માલવીયા કોલેજ નજીક રવિવારે સાંજે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં ક્રેટા કારનો ચાલક એકટીવાને ઉલાળીને ભાગી જતાં એકટીવા ચાલક માયાણી ચોકના કારખાનેદાર પટેલ યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથેના ૧૦ વર્ષના પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત સર્જી ભાગી ગયેલા કાર ચાલકને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ માયાણી ચોક પરમેશ્વર સોસાયટીમાં રહેતાં પ્રશાંતભાઇ મોહનભાઇ મેંદપરા (કડવા પટેલ) (ઉ.વ.૩૭)ને ગોંડલ રોડ પર પટેલ છાત્રાલય પાછળ બીડીંગ પટ્ટીનું કારખાનું હોઇ રવિવારે એકટીવા લઇને કારખાને આટો મારવા ગયા હતાં. સાથે તેમનો ૧૦ વર્ષનો પુત્ર ડ્રીમ્સ પણ બૂટ લેવા હોવાથી ગયો હતો. પિતા-પુત્ર કારખાને આટો મારી સાંજે ત્યાંથી બૂટ લેવા જવા રવાના થયા ત્યારે પી. ડી. માલવીયા કોલેજ પાસે પહોંચ્યા ત્યારે ક્રેટા કારનો ચાલક એકટીવાને ઠોકરે ચડાવી ભાગી ગયો હતો.

અકસ્માતને કારણે પિતા-પુત્ર બંને રોડ પર ઉછળી પડ્યા હતાં. જેમાં દસ વર્ષના પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે પિતા પ્રશાંતભાઇ મેંદપરાને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગરના હેડકોન્સ. ઘનશ્યામભાઇ મેણીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર પ્રશાંતભાઇ મુળ માણાવદરના વેડવા ગામના વતની હતાં. તેમના પિતા હયાત નથી. માતાનું નામ લીલીબેન છે. પત્નિનું નામ જીજ્ઞાબેન છે. સંતાનમાં એક પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ છે. પ્રશાંતભાઇ બે ભાઇમાં નાના હતાં. અકસ્માત સર્જી ભાગી ગયેલા કાર ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે. 

(3:06 pm IST)