Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

- તો ખરા અર્થમાં રાજકોટ રંગીલુ અને ગમગીલુ બની જશે

રાજકોટને આદર્ર્શ, રહેવા લાયક અને રળીયામણું બનાવવા માટે શું કરવું જરૂરી ? : કે. એમ. માવાણી

રાજકોટને રળીયામણું રંગીલુ અને ગમતીલુ બનાવવાનું  સ્વપ્ન દરેક રાજકોટીયન્સને હૈયે વસેલુ છે પરંતુ તેને માટે ખરી જરૂર મ્યુની. કોર્પોરેશન તથા સરકારની યોજનાઓ તથા કાર્યવાહી કરતા પણ રાજકોટવાસીઓની નાગરીકતા છે પ્રજાનું માનસ વર્તન ટેવો બદલાય તથા દરેક રાજકોટીયન્સમાં નાગરીક-ચારીત્ર્યનો વિકાસ થાય તો આપોઆપ રાજકોટ રંગીલુ તથા ગમતીલુ બની જશે.

રંગીલા (પાનની પિચકારીવાળા) રાજકોટ સ્વચ્છ અને સ્માર્ટ સીટી શા માટે બની શકતુ નથી ?

 દેશના સ્વચ્છ અને સુઘડ શહેરોમાં રાજકોટ અગ્રતાક્રમમાં ન આવ્યું તેમજ સ્માર્ટસીટીની દોડમાં પણ શહેર પાછળ ધકેલાઈ ગઇ વિ. સમાચારોથી રાજકોટીયન્સ આઘાત અનુભવે છે અને મ્યુનિ. કોર્પોરેશનની કામગીરીની ટીકા કરવામાં થાકતા નથી, પરંતુ તેમના માટે જવાબદાર કારણો વિષે કદી ચર્ચા કરતાં નથી.

રાજકોટનું ભૌગોલિક બંધારણ

 લગભગ ૧૧ કી. મીટરના વ્યાપમાં ફેલાયેલ આ શહેર અંદાજિત ૧૬ લાખથી વધુ વસ્તી ધરાવે છે, ૩,૮૮,૦૦૦ થી વધુ નાના-મોટા મકાનો તેમજ ૧,૨૮,૦૦૦ થી વધુ વ્યાવસાયિક એકમો તથા ૧૧,૦૦૦ થી વધુ વિવિધ ઉદ્યોગોના નાના - મોટા એકમો કાર્યરત છે. શહેરના ૮૪ જેટલા સ્લમ-એરિયા જયાં ગરીબોના ઝુંપડા, કાચા-પાકા મકાનો આવેલા છે તથા ઝુંપડપટ્ટીઓ, ઔદ્યોગિક વિસ્તારો પાસે તથા ફૂટપાથ ઉપર અસ્થાયી સ્વરૂપે રહેતા બહારથી રોજી રોટી રડવાવાળા કામદારો તથા મજૂરો તેમજ બાંધકામ થતુ હોય તેવી જગ્યાએ રહેતા અસ્થાયી મજુરોનું પ્રમાણ રાજકોટની ૨૦ ટકા વસ્તી જેટલુ થવા જાય છે, આવા લોકો પીવાના સ્વચ્છ પાણી, આરોગ્ય તથા અન્ય પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે.

જુનુ રાજકોટ આજી નદીના કાંઠે વસેલ છે તથા વર્ષાદિ પાણીના નિકાલ માટે રાજાશાહીના સમયથી વોંકળાઓ બાંધવામાં આવેલ, કમનસીબે એ સુંદર વ્યવસ્થા આ શાસનકર્તાની દીર્ધદ્રષ્ટિના અભાવ તથા ઝડપી શહેરી કરણના કારણે વોંકળા તથા વોંકળા ઉપર દબાણો સર્જાઈ ગયા અને સ્વચ્છતાના વાહકો તથા ગંદાપાણીના નિકાલ માટેના સાધન હતાં તે ગંદકી અને ગંદાપાણીના ઠેકાણા બની ગયા.

રાજકોટની ખાસિયત

સ્વચ્છતાના અત્યંત આગ્રહી ગાંધીજીની કેટલાક સમય માટે રાજકોટ કર્મભૂમિ હતી તેમજ સ્વચ્છતા મીશનના મશાલચી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ રાજકોટની ભૂમિ ઉપરથી કાર્ય કરતાં વડાપ્રધાન પદે પહોંચ્યા તેજ રાજકોટના નગરજનો આ મહાનુભાવોના સંસ્કાર, આગ્રહ અને સલાહને જરા પણ અનુસરતા નથી એ હકીકત છે.

પૂરતી નાણાં વ્યવસ્થા તથા સરકારી મદદ હોવા છતાં

પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના શ્રી ધનસુખભાઈ ભંડેરીને કારણે રાજકોટને રળીયામણું ગમતીલું અને સર્વાગી વિકાસવાળું બનાવવા માટે રાજય સરકારના અનેક પ્રોજેકટ તથા ગ્રાંટની માતબર ફાળવણી કરવામાં આવી હતી. આર.એમ.સી. દ્રારા રાજકોટના પીવાના પાણી, આરોગ્ય, ભૂગર્ભગટર, ઈન્ફ્રાસ્ટ્રકચર તથા અનેક જન સુવિધાઓ ઉભી કરવા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં રાજકોટ શહેરમાં ગંદાપાણી, ગંદકી તથા ઠેર ઠેર કચરાના ઢગલા, મચ્છરજન્ય રોગચાળો, પીવાના પાણી સાથે ભળી જતું ગટરનું પાણી તેમજ નદીના કાંઠે તથા નદીમાં અસહ્ય ગુદકી કચરો વિ. પરીસ્થિતિમાંથી રાજકોટ મુકત થયું નથી એ હકીકત છે.

  આવું શા માટે ?

રાજકોટ શહેરમાં જન સુવિધાનો અભાવ, ગંદકી, કચરાના ઢગલા તથા ઠેર ઠેર ગંદાપાણીના નિકાલના અભાવે કાયમી રોગજન્ય મચ્છરોનો ત્રાસ અનુભવવો પડે ?

 શા માટે ભુગર્ભના જલ કેમીકલ યુકત બની જાય તથા કેટલાક વિસ્તારોમાં ડંકી, કૂવા વિ. માં પાણી પીવા લાયક નથી રહેતા ?,  શા માટે શહેરમાં અસંખ્ય ફરિયાદો ભૂગર્ભ ગટરો ભરાઈ જવાની ફરીયાદ સતત આવ્યા કરે છે ?,  શા માટે જાહેર સેવાના બિલ્ડીંગોમાં તથા રોડ-રસ્તા ઉપર જયાં-ત્યાં થૂંકીને તથા પાનની પિચકારીઓ, પાન-માવાના બગાડને કેંકીને શહેરની રોનકને બગાડવામાં આવે છે?, શા માટે ફૂટપાથ ઉપરના ચા-પાન-નાસ્તાના લારી ગલ્લા વાળાના વપરાશ પછીનો બગાડ, રસ્તા ઉપર નિકાલ કરે છે ? શા માટે દુકાનદારો, કારખાનાવાળા, ખાણી-પીણી હોટલ વાળા તથા હોસ્પીટલ વાળા વપરાશ પછીના બગાડને જાહેરમાં ફેંકે છે ?, શા માટે લોકમાતા કહેવાતી આજી નદી ઔદ્યોગિક બગાડ રંગ-રસાયણના કદડા, ગંદાપાણીથી પ્રદુષિત રહે છે ? , આવા અનેક પ્રશ્નો તથા પરિબળો છે જેના વિષે કયારેય ગંભીરતાથી વિચારણા કરવામાં આવતી નથી.

  નાગરિક-ચારિત્ર્ય ઘડતરનો સદંતર અભાવ

 જે શહેરમાં ગટરના ઢાંકણા ચોરાઈ જતા હોય, નવા બનાવેલા રોડમાં પ્રથમ વરસાદે ખાડા પડી જતા હોય કે જાહેર આવાસ યોજનામાં નબળાં બાંધકામ તથા હલકી ગુણવતા વાળા માલના ઉપયોગ કરવાથી રહીશો ત્રાસ અનુભવતા હોય, શહેરમાં ઠેર ઠેર લોક ને માટે પીવાના પાણીના પરબ બનાવેલ હોય પરંતુ તેમાં ગ્લાસને સાંકળથી બાંધેલા હોય, દુકાનો તો ઠીક પરંતુ મંદિરોમાં પણ ભગવાનને તાળા-ફૂંચીથી પૂરી રાખવામાં આવતાં હોય તે શહેરમાં લોકોની નૈતિકતાના અભાવ, નેતા-અધિકારીઔના ભ્રષ્ટાચારી વલણ અને લોકોમાં પ્રામાણિકતાની ગેરહાજરી દેખાઈ આવે છે. તેના મૂળમાં નાગરિક ચારિત્યનો અભાવ છે. નાગરિક શિસ્ત કેળવાયેલ નથી તેમજ લોકોમાં સામુદાયિક જીવન ઘડતરનો સ્પષ્ટ અભાવ જોવા મળે છે.

 વિકસીત દેશના શહેરોમાં લોકો સ્વયં શિસ્ત પાળતા હોય છે, બસ ડેપોમાં બસ આવતાંની સાથે જ લોકોની ધક્કા મુકકી તથા બારીમાંથી કૂદીને જગ્યા મેળવવાની મનોવૃત્તિ આપણા શહેરીજનોમાં છે તેની જગ્યાએ આવા વિકસીત શહેરમાં લોકો શિસ્તબધ્ધ, લાઈનસર બસમાં જગ્યા મેળવે છે, પાલતુ કૂતરાને બહાર લઈ જતાં લોકો પોતાની પાસે પ્લાસ્ટીકની થેલી રાખતા હોય છે, કૂતરાની વિષ્ટાથી ગંદકી ન ફેલાય તે માટે તેઓ પ્લાસ્ટીક બેગમાં વિષ્ટા લઈને તેનો નિકાલ કરે છે તેમજ જાહેરમાં થંકવાનુ, નાક સાફ કરવાનું થાય તો સાથે રાખેલા રૂમાલમાં તે લઈને નિકાલ કરવામાં આવે છે, જયારે આપણે ત્યાં લકઝરી મોટરનું બારણું ખોલીને થૂંકતા કે કચરો ફેંકતા લોકોને આપણે જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વાંક અથવા નબળાઈ મ્યુનિ. કોર્પોરેશનની કે સરકારની નથી પરંતુ લોકોમાં ચારિત્યનો અભાવ, નાગરિક વ્યવહાર, નાગરીક તરીકેના વર્તનની કેળવણીનો અભાવ, ટૂંકમાં નાગરીક ચારિત્યનો અભાવ જવાબદાર છે.

  શહેરને આદર્શ, રહેવાલાયક અને રળીયાળમણું બનાવવા માટે શું કરવુ જરૂરી છે ?

 શહેરના સર્વાંગી વિકાસ માટે મોટી કન્સલ્ટન્સી એજન્સીઓ રોકીને તેની સલાહ-સૂચના લેવાને બદલે વાસ્તવિક જરૂરીયાત લોકોની માનસિકતા બદલવાની છે.  જયાં સુધી શહેરીજનોમાં નાગરિક ચારિત્ર્યનું ઘડતર નહિ થાય તથા સામુદાયિક જીવનમાં જવાબદારીની ભાવનાનો વિકાસ નહિ થાય ત્યાં સુધી શહેરમાં ગંદકી, કચરો, ગંદપાણીના ખાબોચિયા, બિસ્માર રસ્તાઓ, જાહેર સેવાઓની ઈમારતોમાં તથા રોડ-રસ્તા ઉપર પાનની પિચકારી મારતા અને પ્લાસ્ટીકની થેલીઓમાં કચરો, ગંદકીના પડીકા રસ્તા ઉપર રઝળતા બંધ નહિ થાય.  ખરી જરૂર છે લોકોની ટેવો અને આદતો તથા લોકોની મનોવૃત્તિઓને બદલવાની. મુંબઈ, બેંગલોર, ઈન્દોર વિ. શહેરોમાં જાહેર પરિવહનની બસમાં બેસતા લોકો ધકકામારી કરંતા નથી પરંતુ લાઈનસર શિસ્તબધ્ધ રીતે પોતાની જગ્યા મેળવે છે તો રાજકોટમાં લોકો શા માટે જાહેર શિસ્ત કેળવી ન શકે ?

 શહેરનો ઔદ્યોગિક વિકાસ તથા વસ્તી ઝડપભેર વધ્યાં છે પરંતુ તેની સાથો સાથ નાગરિક ચારિત્ર્ય, સામુદાયિક જીવનમાં વ્યકિતગત ફરજો તથા જવાબદારીનું પાલન કરવાની લોકૌની મનોવૃત્તિનો ક્રમશઃ વિકાસ થવો જોઈએ તે થયો નથી. શહેરના વિકાસની સાથે

 શહેરીજનોની માનવ વર્તણુંક, સામુદાયિક જીવનની સહિયારી જીવન અરસ-પરસને ઉપયોગી થવાની ભાવનાને વિકાસાવવાની છેલ્લા ૨૦ વર્ષમાં શાસનકર્તાઓએ જરાપણ તકેદારી રાખી નથી. આજી નદીમાં બંને કાંઠે વસતા નાગરિકો તથા રસાયણ, સાડીના કારખાના તથા ઉદ્યોગોના માલીકો તથા મજૂરો દ્વારા કચરો, વપરાશ પછીનો બગાડ, તથા કેમિકલ યુકત પ્રદુષિત પાણીને નદીમાં ઠાલવવામાં આવે, ભૂગર્ભ ગટરોમાં સીધું ઠાલવવામાં આવે કે આવું ઝેરી પાણી જમીનમાં બોર કરીને ઉતારી દેવામાં આવે તે ઘટનાઓ જ દર્શાવે છે કે લોકોનો સામુદાયિક જીવનમાં અરસપરસના સહકારની ભાવના વિકસી શકી નથી તેથી આ મનોવલણ બદલાવવાની જરૂર છે. અહીં કાયદા અને પોલીસના દંડ કરતાં પણ લોકોનો માનસિક વિકાસ કરવો જરૂરી છે.

  કેવા ઉપાયો થવા જોઈએ ?

મ્યુનિ. કોર્પોરેશન, સરકાર તથા સ્વૈચ્છિક સંસ્થાઓએ સાથે મળીને શહેરમાં નાગરિક ચારિત્ય તથા નાગરિક શિસ્ત ઘડતર તેમજ સામુદાયિક જીવનમાં અરસ-પરસના સહકાર માટેની માનવ વર્તણુંક અને વ્યવહારનો વિકાસ કરવા એક પછી એક વૈવિધ્યસભર પગલાંઓ લેવાની તાતી જરૂરીયાત છે.   શાળામાં નાગરિક શાસ્ત્ર ભણાવવામાં આવે જ છે પરંતુ તે શહેરીજીવનમાં ચરિતાર્થ થતું નથી તેથી વિશિષ્ટ દ્રષ્ટિકોણથી શાળાઓમાં નાગરિક ચારિત્ર્ય ઘડતર અંગે અનેકવિધ પ્રકારના કાર્યક્રમો આપી વિદ્યાર્થીઓ તથા યુવાનોમાં માનસિક જાગૃતિ લાવવી જોઈએ.

દરેક વોર્ડના ૮ થી ૧૦ જેટલા વિભાગો કરીને જે તે વિસ્તારમાં નાગરિક સમિતિઓનું આયોજન કરવું જોઈએ, આ સમિતિ પોતાના વિસ્તારમાં આરોગ્ય-સ્વચ્છતા, પીવાના પાણી વિ. ની વિશિષ્ટ પરિસ્થિતિને નજરમાં રાખીને તેનો ઉકેલ લાવવા વોર્ડ સમિતિ સાથે મ્યુનિ. કોર્પો. ના અધિકારી સાથે સંકલન રાખે તે જરૂરી છે. શહેરી સ્વચ્છતા, ગંદકી નિવારણ તથા સ્થાનિક કક્ષાએ ઉભા થતાં આરોગ્ય, સ્વચ્છતાના પ્રશ્ને લોકજાગૃતિને કેળવવા, સૂત્ર સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, નિબંધ લેખન વિ. સ્પર્ધાઓ યોજીને લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ.

જાહેરમાં ગંદકી કરતા, પ્રજાના આરોગ્યને જોખમમાં મુકતા ભેળસેળ કરતાં, છેતરપીંડી કરતા વેપારીઓ, ઉત્પાદનકર્તાઓને તથા જાહેરકામોમાં ભ્રષ્ટાચાર આચરતાં અધિકારીઓ, કોન્ટ્રાકટરોને કાયદાકીય રીતે દંડ કરવામાં આવે છે પરંતુ તેમને સમગ્ર રાજકોટમા પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા, બેનરો દ્વારા ઉઘાડા પાડી પ્રજાના ગુન્હેગારો તરીકે જાહેર કરવા જોઈએ.  જો લોકોની ટેવો, લોકોનું માનસ તથા લોકોના વર્તન બદલાશે તો શહેર આપોઆપ ખરા અર્થમાં રળીયામણું, ગમતીલું અને રંગીલું-રાજકોટ બની જશે.

પુર્વ પ્રિન્સી.કે.એમ.માવાણી

કુંડલીયા કોમર્સ કોલેજ, રાજકોટ

કુંડલીયા કોલેજ

મો.૯૭૧૨૧ ૫૮૫૬૭

(3:16 pm IST)