Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

કોરોના સામે હથિયાર સજાવતુ તંત્ર : ૭૦ ધન્વંતરી રથ દોડવા લાગશે : અમિત અરોરા

બે દિવસ પછી તમામ વિસ્તારોમાં ધન્વંતરી રથમાં ટેસ્ટીંગ, નિદાન અને દવા વિતરણ શરૂ કરી દેવાશે

રાજકોટ તા. ૨૭: કોરોનાએ હવે ગતી પકડી હોય તેમ કેસની સંખ્યા વધતી જાય છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા મનપા તંત્ર દ્વારા આગામી એક-બે દીવસમાં ૭૦ ધન્વંતરી રથ દોડવા લાગશે તેમ મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યુ હતુ.

આ બાબતે મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યુ હતુ કે, કોરોના કેસ છેલ્લા અઠવાડિયાથી વધી રહ્યા છે. જો કે તંત્રએ ટેસ્ટીંગ વધાર્યુ છે. અગાઉ રોજના ૧૫૦૦ ટેસ્ટ થતાં તેમાં હવે ૨૦૦૦ જેટલા ટેસ્ટ થઇ રહ્યા છે. આથી કેસ સામે આવી રહ્યા છે.

વધુમાં શ્રી અરોરાએ જણાવ્યુ હતુ કે, કોરોનાનું સંક્રમણ અટકાવવા મનપા તંત્ર દ્વારા આગામી એક-બે દીવસ બાદ શહેરનાં તમામ વિસ્તારોમાં ૭૦ ધન્વંતરી રથ દોડાવવામાં આવશે. આ રથમાં ટેસ્ટીંગ, નિદાન, દવા વિતરણ તથા વેકસીનેશન કરવામાં આવશે.

આ રથ શરૂ કરવા રાજય સરકાર પાસે મંજુરી માંગવવામાં આવી છે. આજે મજુરી આવ્યા બાદ એક-બે દીવસમાં શહેરમાં ધન્વંતરી રથ શરૂ કરવામાં આવશે તેમ અંતમાં અમિત અરોરાએ જણાવ્યુ હતુ.

(3:40 pm IST)