Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

રાજકોટના પ્રથમ ઓમિક્રોન દર્દીની સફળ સારવાર - સિવિલમાંથી રજા અપાઈ

દર્દીને ઓમિક્રોન વોર્ડમાં ગાઈડલાઈન મુજબ સારવાર અપાઈ - ઓક્સિજન કે વેન્ટિલેટરની કોઈ જરૂરિયાત નહોતી

રાજકોટ : કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોન સંક્રમિત રાજકોટના પ્રથમ દર્દીની રાજકોટ સિવિલમાં ૧૩ દિવસની સફળ સારવાર બાદ  આજરોજ દર્દીને રજા આપવામાં આવી હતી.
તાન્ઝાનિયાથી દુબઈ થઈ રાજકોટ ખાતે આવેલ ૨૪ વર્ષીય વિદ્યાર્થી સુલતાન અહેમદ આર.કે. યુનિવર્સીટીમાં આવેલ હતો. ગત તા. ૧૫ ડિસેમ્બરના રોજ તેમને કોરોનાના લક્ષણો જણાતા ઓમિક્રોન સસ્પેક્ટ તરીકે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ દિવસોમાં તેમને જવવલે જ ઉધરસ તેમજ  ગળામાં બળતરાના લક્ષણો જોવા મળ્યા હતાં. દર્દીને ઓમિક્રોન વોર્ડમાં કોવીડ ગાઈડલાઈન મુજબ સારવાર આપવામાં આવી હતી. તેમજ દર્દીને ઓક્સિજન કે વેન્ટિલેટરની કોઈ જરૂરિયાત ઉભી થયેલી ન હતી.
આજ રોજ તા. ૨૭ ડિસેમ્બરના રોજ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા કોરોનામુક્ત થયેલ હોઈ તેમને ઓમિક્રોન  ગાઈડલાઈન મુજબ રજા આપવામાં આવી હોવાનું અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું.

(8:16 pm IST)