Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

પાણી પ્રશ્ને સોસાયટીની કમિટી સાથેની તકરારમાં ઝેરપી લેનારા જીતેન્‍દ્રભાઇ સગપરીયાનું મોતઃ ગુનો નોંધાશે

ગોંડલ રોડ આવકાર સીટીમાં ઇ વીંગ ૧૦૫માં રહેતાં પ્રોૈઢે ૨૦મીએ સ્‍યુસાઇડ નોટ લખી ઝેર પીધુ હતું : ચિઠ્ઠીમાં લખ્‍યું-મારા એકના ઘરને જ પાણીથી વંચીત રાખવામાં આવતાં હોઇ વેંચાતુ પાણી લેવું પડે છેઃ શામ દામ દંડની નીતિ અપનાવે છેઃ આ લોકો મને પાણી વીના મારવા માંગે છે, હું ઝેર પીને આત્‍મહત્‍યા કરુ છું : પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વિરૂધ્‍ધ સ્‍યુસાઇડ નોટમાં આક્ષેપ કર્યા હતાં

રાજકોટ તા. ૨૦: શહેરના ગોંડલ રોડ પર પરીન ફર્નિચર પાછળ આવકાર સીટી એપાર્ટમેન્‍ટ ઇ વિંગ-૧૦૫માં રહેતાં કારખાનેદાર જીતેન્‍દ્રભાઇ લક્ષમણભાઇ સગપરીયા (ઉ.વ.૫૫)એ ઢેબર રોડ અટીકા ફાટક પાસે પરમેશ્વર-૩માં આવેલા પોતાના ઇલેક્‍ટ્રીક મોટર બાંધવાના કારખાનામાં ગત ૨૦મીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જે તે વખતે તેમણે લખેલી એક સ્‍યુસાઇડ નોટ મળી હતી. જેમાંસોસાયટીની કમિટીના આગેવાનો પર ચોંકાવનારા આક્ષેપો કર્યો હતાં. પોતાના ફલેટમાં જ પાણી અપાતું ન હોઇ વેંચાતુ લેવું પડતું હોવાનું અને ત્રાસને કારણે પોતે આ પગલુ ભરી રહ્યા છે તેવી નોંધ હતી. સારવાર દરમિયાન તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

આપઘાત કરનાર જીતેન્‍દ્રભાઇ પટેલ ત્રણ ભાઇમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક દિકરો છે. તેમણે સ્‍યુસાઇડ નોટ લખી હતી તેમાં તેમાં લખ્‍યું હતું કે હું સગપરીયા જીતેન્‍દ્ર લક્ષમણભાઇ માનસિક પરેશાની ભોગવુ છું. કારણ મારી સોસાયટીમાં ગેરકાયદેસર ચાલતી કમીટીના પ્રમુખ, ઉપપ્રમુખ તથા દરેકની હાજરીમાં ઉપપ્રમુખે જાહેરમાં મને મેઇન ગેઇટથી અંદર પાણી મારા ઘર સુધી ન આવે તેવી ખુલ્લી ધમકી આપી હતી. હું હાલ ઇ વિંગમાં ભાડેથી  રહુ છુ તે બળજબરીથી ખાલી કરાવવા દબાણ કરાયુ હતું. બીજા બધાને પાણી મળે છે પરંતુ મારા ઘરમાં આ લોકો પાણી આપતાં નથી આ કારણે મારે વેંચાતુ લેવું પડે છે.

મેં મારા ફલેટ નં. ૧૦૫નો મ્‍યુ. કોર્પોરેશનનો વેરો પણ ભરી દીધો છે. અગાઉ મેં પોલીસમાં અરજી કરી હતી. સોસાયટીમા ગેરકાયદે ચાલતી કમીટી પોતાની ધાક જમાવવા એક પછી એક ઘરને કાઢવાની જોહુકમી ચલાવે છે. અત્‍યારે વિંગના દરેક ઘરને પાણી મળે છે. મારે પાણી વેંચાતુ લઇને જરૂરીયાત પુરી પાડવી પડે છે. મારુ પાણી ઢોળીને આ લોકો મારા પર અત્‍યાચાર ગુજારે છે, મને આ રીતે હેરાન કરવા માટે કમીટી જવાબદાર છે. મને સોસાયટીમાંથી કાઢવા માંગે છે. મારી ઉપર શામ દામ દંડની નીતિ અપનાવી અત્‍યાચાર ગુજારે છે. હું એટલો કંટાળી ગયો છું કે મેં ફરિયાદ કરવા છતાં તેમાંથી આ લોકો છટકી જાય છે. મને પાણી વીના મારવા માંગે છે, તો હું ઝેર પીને આત્‍મહત્‍યા કરુ છું. આ પગલુ ભરવા માટે મને મજબૂર કરનારને સરકાર સજા આપે અને કડક સજાય થાય તેવી મારી અપીલ છે. મારા પરિવારને ન્‍યાય આપજો.

આ માટે જવાબદાર કમીટીના પ્રમુખ, ઉપપ્રમુખ, વિંગના લોકો જવાબદાર છે...લી. જીતેન્‍દ્ર લક્ષમણભાઇ.

ઉપરોક્‍ત લખાણ સાથે અમુક ફોન નંબરો પણ ચિઠ્ઠીમાં લખ્‍યા હતાં. સારવાર દરમિયાન જીતેન્‍દ્રભાઇએ ગત મોડી રાતે દમ તોડી દેતાં ભક્‍તિનગર પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી હતી. તાલુકા પોલીસમાં આ મામલે જવાબદારો સામે ગુનો દાખલ થવાની શક્‍યતા છે.

(12:01 pm IST)