Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ચિલઝડપનો નવતર નુસ્‍ખોઃ કન્‍સ્‍ટ્રક્‍શન સુપરવાઇઝરે જેને બાઇકમાં લિફટ આપી એ ચેઇન ખેંચી ગયો!

હવે ગમે તેને બાઇકમાં લિફટ આપતાં પહેલા વિચાર કરજો :નંદનવનમાં રહેતાં જીજ્ઞેશભાઇ ચાવડાએ નૂતન હોલ પાસેથી એક યુવાનને કેકેવી હોલ સુધી બેસાડયો હતોઃ આ શખ્‍સે બે શેરી આગળ લઇ લેવા કહ્યું અને બાઇક ઉભુ રહેતાં જ જીજ્ઞેશભાઇના ગળામાંથી ૪૫ હજારનો ચેઇન ચિલઝડપ કરી ભાગી ગયો

રાજકોટ તા. ૨૮: શહેરમાં ચિલઝડપ-ચોરી માટે ચોર ગઠીયાઓએ નવો રસ્‍તો શોધી કાઢયો છે. પહેલા પોતે બાઇક લઇને નીકળતાં અને ચાલીને જતાં કે પછી ઘરની બહાર ઉભેલા લોકોને નિશાન બનાવી ચેઇન, કંઠી, પર્સ, મોબાઇલ ખેંચીને ભાગી જતાં હતાં. પણ હવે બાઇકસવાર પાસે લિફટ માંગી તેની પાછળ બેસી બાદમાં બાઇક જે તે સ્‍થળે ઉભુ રખાવી બાઇકચાલકના ગળામાંથી ચેઇન ખેંચી ભાગી જવાનું શરૂ કર્યુ છે. આવો બનાવ કેકેવી હોલ પાછળ દોઢસો ફુટ રીંગ રોડ પર બન્‍યો છે. જેમાં એક કન્‍સ્‍ટ્રક્‍શન સુપરવાઇઝર ભોગ બન્‍યા છે. તેમણે જેને લિફટ આપી હતી એ શખ્‍સ ૪૫ હજારનો ચેઇન ખેંચી ભાગી ગયો હતો.

આ બનાવમાં પોલીસે નંદનવન સોસાયટી-૬માં રહેતાં અને કાલાવડ રોડ પર નોબલ હાઉસમાં કન્‍સ્‍ટ્રકશન સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં જીજ્ઞેશભાઇ મધુસુદનભાઇ ચાવડા (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી અજાણ્‍યા લિફટ માંગી બાઇક પાછળ બેઠેલા શખ્‍સ વિરૂધ્‍ધ રૂા. ૪૫ હજારનો ચેઇન ખેંચીને ભાગી જવાનો ગુનો નોંધ્‍યો છે.

જીજ્ઞેશભાઇ ચાવડાના કહેવા મુજબ હું સોમવારે રાતે સવા નવેક વાગ્‍યે કન્‍સ્‍ટ્રકશનના કામેથી પરત મારા શાઇન બાઇક નં. જીજે૦૩એફજે-૯૪૨૨માં બેસીની કાલાવડ રોડ નૂતન હોલ પાસે પહોંચ્‍યો ત્‍યારે રોડની સાઇડમાં ઉભેલા એક વ્‍યક્‍તિએ લિફટ માંગવા હાથ આડો કરતાં મેં મારુ બાઇક ઉભુ રાખ્‍યું હતું.

આ શખ્‍સે પીળા કલરનો અડધી બાંહનો ચેક્‍સવાળો શર્ટ અને ગ્રે જેવુ પેન્‍ટ પહેર્યુ હતું. તે દેખાવે પાતળો અને આશરે ૨૫ થી ૨૭ વર્ષનો હતો. તેણે મને કહેલું કે-મારે કેકેવી હોલ સુધી જવું છે, ત્‍યાંસુધી બેસાડો ને...આથી મેં હા પાડતાં તે પાછળની સીટ પર બેસી ગયો હતો. બાઇક કેકેવી હોલ પાસે પહોંચ્‍યું ત્‍યારે મેં તેને ઉતરવાનું કહેતાં તેણે-અહિ મારે બે શેરી આગળ જવું છે તો તમે ત્‍યાં સુધી બાઇક લઇ લ્‍યો તેમ કહેતાં મેં આગળ ૧૫૦ રીંગ રોડ પર બે શેરી આગળ જઇ બાઇક ઉભુ રાખતાં અને તેને ઉતરવાનું કહેતાં જ તે નીચે ઉતરી મારા ગળા પર ઝોંટ મારી રૂા. ૪૫ હજારનો ચેઇન ખેંચી ભાગી ગયો હતો.

અચાનક આ રીતે ચીલઝડપ થતાં હું હેબતાઇ ગયો હતો અને તેને પકડવા માટે થોડુ તેની પાછળ દોડયો હતો. પણ તે અચાનક નજર સામેથી દૂર થઇ ગયો હતો અને ક્‍યાંક જતો રહ્યો હતો. બાદમાં મેં ૧૦૦ નંબરમાં ફોન કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં જીજ્ઞેશભાઇ ચાવડાએ જણાવતાં એએસઆઇ કે. યુ. વાળાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવા અને ચિલઝડપકારનું પગેરૂ શોધવા તજવીજ હાથ ધરી છે.

(4:40 pm IST)