Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

પારેવડી ચોકના સ્ટેશનરીના હોલસેલ વેપારી દાઉદી વ્હોરા બંધુ વ્યાજખોરીમાં ફસાતા ઝેર પીધું: ત્રણ શખ્સોને શોધતી પોલીસ

ક્રિષ્ના ફાયનાન્સવાળા હકાભાઇ પાસેથી ૧૫ લાખ લઇ ૭ લાખ ચુકવી દીધા'તાઃ ભગવતીપરાના ઇન્દરજીત મકવાણા પાસેથી ૬ લાખ લઇ ૧ાા લાખ અને ગોૈરવ મકવાણા પાસેથી ૪ લાખ લઇ ૨ લાખ ચુકવ્યા'તાઃ ધંધામાં મંદી આવતાં વ્યાજ ચુકવી શકતાં નહોતાં : પઠાણી ઉઘરાણીથી કંટાળી ૧૯/૯/૧૯ના રોજ પરિવારજનોએ રાજકોટ છોડી ઇન્દોર ગયા, ત્યાંથી જામનગર ગયાઃ ગઇકાલે ત્યાંથી સીધા પોલીસ કમિશનર કચેરીએ આવ્યાઃ અડધા પરિવારજનો રજૂઆત કરવા ગયા ત્યારે પાર્કિંગમાં અબ્દેઅલી અને મુસ્તુફા માંકડ મારવાની દવા પી ગયા

રાજકોટ તા. ૨૮: વ્યાજખોરીમાં ફસાતાં આપઘાતના પ્રયાસની વધુ એક ઘટના સામે આવી છે. બેડીપરામાં રહેતાં અને હોલસેલમાં સ્ટેશનરીનો ધંધો કરતાં બે દાઉદી વ્હોરા ભાઇઓએ ધંધાના કામે ત્રણ શખ્સો પાસેથી વ્યાજે લીધેલા નાણા ધંધામાં મંદી આવવાથી ચુકવી નહિ શકાતાં આ શખ્સોએ પઠાણી ઉઘરાણી કરતાં બંને ભાઇઓએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ઝેરી દવા પી લેતાં સારવાર માટે દાખલ કરાયા છે. પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે બેડીપરા સિતારામ રોડ પટેલના ચોરા સામે ગુલીસ્તાન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૩માં રહેતાં અને પારેવડી ચોક અક્ષરધામ કોમ્પલેક્ષ દૂકાન નં. એલ-૮ ખાતે બી. એમ. એન્ટરપ્રાઇઝ નામે સ્ટેશનરીનો હોલસેલ વેપાર કરતાં અબ્દેઅલી જાકીરહુશેનભાઇ ઉજ્જૈનવાલા (દાઉદી વ્હોરા) (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી હકાભાઇ ક્રિષ્ના ફાયનાન્સવાળા, ઇન્દ્રજીત મકવાણા અને ગોૈરવ મકવાણા વિરૂધ્ધ આઇપીસી ૩૮૪, ૫૦૬ (૨), ૧૧૪  તથા મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

અબ્દેઅલીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને સ્ટેશનરીનો વેપાર કરુ છું. અમે બે ભાઇઓ છીએ. મોટા ભાઇનું નામ મુસ્તુફાભાઇ (ઉ.વ.૩૭) છે. તે મારી સાથે જ રહે છે. અમે બંને ભાઇઓ સાથે જ વેપારી કરીએ છીએ. મારા પત્નિનું નામ જેનબબેન છે. મારા પિતા નિવૃત જીવન ગાળે છે. માતાનું નામ સમીનાબેન છે. મારે બે બહેનો છે જે સાસરે છે.

હું અને મારા ભાઇ આઠ દસ વર્ષથી બી.એમ. એન્ટરપ્રાઇઝ નામે સ્ટેશનરીનો હોલસેલ વેપાર કરીએ છીએ. ત્રણેક વર્ષ પહેલા વેપા માટે પૈસાની જરૂર પડતાં હકાભાઇ ક્રિષ્ના ફાયનાન્સવાળા પાસેથી રૂ. ૧૫ લાખ વ્યાજે લીધા હતાં. જેમાંથી સાતથી આઠ લાખ પરત આપી દીધા છે. આ ઉપરાં અમારા કોમ્પલેક્ષમાં બેસવા આવતાં ઇન્દ્રજીત મકવાણા પાસેથી રૂ. ૬ લાખ લીધા હતાં. જેમાંથી દોઢેક લાખ પરત આપ્યા છે. ઇન્દ્રજીત મકવાણા કે જે ભગવતીપરામાં રહે છે તેણે સ્કિયુરીટી પેટે અમારી પેઢીનો ચેક તથા નોટરાઇઝ લખાણ લીધા હતાં. ગોૈરવ મકવાણા કે જે ભગવતીપરામાં રહે છે તેની પાસેથી પણ રૂ.ચાર લાખ વ્યાજે લીધા હતાં. જેને બે લાખ આપી દીધા છે. આ લોકોને અમે રેગ્યુલર વ્યાજની ચુકવણી કરતાં હતાં. પરંતુ ધંધામાં નુકસાની આવતાં સમયસર પૈસા ચુકવી શકતા નહોતાં.

આથી આ ત્રણેય અમારા ધંધાના સ્થળે આવી તેમજ ફોન કરી ધમકીઓ આપવા માંડ્યા હતાં. પઠાણી ઉઘરાણી થતાં અમે સમગ્ર પરિવારના સભ્યો ૧૯/૯ના રોજ રાજકોટ છોડી મધ્યપ્રદેશ ઇન્દોર મામાના ઘરે જતાં રહ્યા હતાં. આમ છતાં ઉઘરાણીના ફોન ચાલુ હતાં. મારા બનેવી હોજેફાભાઇને પણ ફોન કરી તેની પાસેથી ઉઘરાણી કરવામાં આવતી હતી. ગોૈરવે મારા બનેવીને ધાકધમકી આપી હતી. તેણે પૈસાની ઉઘરાણીની અવેજમાં બીઓબીના સાત ચેક તથા ત્રણ ચાર નોટરાઇઝ લખાણ કરાવ્યા હતાં. બનેવી હોજેફાભાઇ પણ ત્રાસીને ઇન્દોર અમારી સાથે રહેવા આવી ગયા હતાં.

આજથી પંદરેક દિવસ પહેલા હું અને મારો ભાઇ તથા પરિવારજનો જામનગર મારા સસરાના ઘરે રહેવા ગયા હતાં. ત્યાં પણ આ ત્રણેયએ ફોન ચાલુ રાખી વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી હતી. હેરાનગતિનો અંત ન આવતાં અમે બધા જામનગરથી ગઇકાલે સોમવારે રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતાં. બસ મારફત રાજકોટ હોસ્પિટલ ચોકમાં ઉતરી ત્યાંથી કમિશનર કચેરીએ ગયા હતાં. મેં તથા મારા ભાઇએ ખુબ ત્રાસી ગયા હોઇ ઝેરી દવા પીવાનું નક્કી કર્યુ હતું. મારા ભાઇએ જામનગરથી જ માંકડ મારવાની દવા ભેગી લઇ લીધી હતી. મારા માતા-પિતા, બહેન, બનેવી અને મારા પત્નિ ઉપરના માળે સાહેબને રજૂઆત કરવા ગયા હતાં. આ વખતે હું મારો ભાઇ, ભાભી સહિતના પાર્કિંગમાં બેઠા હતાં. અમે પઠાણી ઉઘરાણીથી ખુબ ત્રાસી ગયા હોઇ તેમજ અમારું કામ નહિ થાય તેવું લાગતાં અમે બંને ભાઇઓએ દવા પીવાનું નક્કી કર્યુ હતું.

મારા ભાઇ પાસે રહેલી દવા અમે બંને ભાઇઓ પી જતાં મારા ભાભી જોઇ જતાં દેકારો થતાં પોલીસ કર્મચારીઓ અને બીજા લોકો દોડી આવ્યા હતાં. અમને રિક્ષા મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમ અબ્દેઅલીએ ફરિયાદમાં જણાવ્યું હતું.

બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓૈસુરા, ચંદ્રસિંહ સહિતની ટીમે ગુનો નોંધી આરોપીઓને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે. બંને દાઉદી વ્હોરા ભાઇઓ સારવાર હેઠળ છે.

(11:59 am IST)