Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનિષ મહેતાની તબિયત સુધારા પરઃ જુનાગઢ બદલી

રાજકોટમાં ચાર્જ કે.ટી. ચિલ્ડ્રન વિભાગના વડા ડો. પંકજ બુચને સોંપાયો

રાજકોટ તા. ૨૮: સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડટ ડો. મનિષ મહેતાને કોરોના પોઝિટિવ આવ્યો હોઇ હોમ કવોરન્ટાઇન રહી સારવાર લઇ રહ્યા હતાં. તેમના ધર્મપત્નિ સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના વડા ડો. જાગૃતિબેન મહેતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ડો. મનિષ મહેતાની તબિયત હવે સુધારા પર છે. દરમિયાન તેમની બદલી રાજકોટથી જુનાગઢ મેડિકલ કોલેજ ખાતે કરવામાં આવી છે.

તબિબી અધિક્ષક તરીકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાર્જ દરમિયાન ડો. મહેતાએ કોરોના વોરિયર તરીકે સતત દોડધામ કરી હતી. એ દરમિયાન તેમને પણ કોરોના લાગુ પડતાં હોમ કવોરન્ટાઇન થયા હતાં. ગત સાંજે ગાંધીનગરથી તેમની બદલીનો ઓર્ડર નીકળ્યો હતો. ડો. મહેતાને જુનાગઢ મેડિકલ કોલેજમાં ઇએનટી વિભાગના પ્રાધ્યાપકનો ચાર્જ સોંપાયો છે. તેમજ ડીન તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે.

જુનાગઢના ડીન ડો. રાઠોડને ગાંધીનગર મુકવામાં આવ્યા છે. રાજકોટમાં ખાલી પડેલી તબિબી અધિક્ષકની જગ્યા પર હાલમાં કે. ટી. ચિલ્ડ્રન વિભાગના વડા ડો. પંકજ બુચને ચાર્જ સોંપવામાં આવ્યો છે. ડો. બુચ અગાઉ જામનગર ખાતે ફરજ બજાવી ચુકયા છે. કે. ટી. ચિલ્ડ્રન વિભાગના વડા ડો. યોગેશ પરિખની સુરત બદલી થયા બાદ જામનગરથી તેમની જગ્યાએ ડો. પંકજ બુચને મુકાયા હતાં. હવે તેમને સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ પણ સોંપાયો છે.

(12:01 pm IST)