Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

સાથે રમતી, સાથે જમતી...મોત પણ સાથે મેળવ્યું: માસીયાઇ બહેનો સરિતા અને રાધિકાએ ઝાડમાં લટકી જઇ જીવ દીધો

કાગદડીમાં રહેતાં મુળ દાહોદના આદિવાસી સાઢુભાઇઓની દિકરીઓ બપોર બાદ વાડીએથી નીકળી ગઇઃ સાંજે બાવળના ઝાડમાં લટકતી મળતાં અરેરાટીઃ ૧૬ વર્ષની સરિતા અને ૧૩ વર્ષની રાધિકાને પરિવારજનો અલગ કરે તો ગમતું નહિઃ સતત સાથે જ રહેતી હતી

રહસ્યઃ એક સાથે મોત મેળવી લેનારી સરિતા અને રાધિકાના નિષ્પ્રાણ દેહ અને બંનેના પિતા અને માતા નજરે પડે છે. દિકરીઓએ શા માટે આવુ પગલુ ભર્યુ? તે અંગેની પુછતાછમાં આ તમામે પોતે કંઇ જ જાણતા ન હોવાનું રટણ ચાલુ રાખતાં પોલીસે તપસ યથાવત રાખી છે

રાજકોટ તા. ૨૮: કુવાડવા તાબેના કાગદડીમાં બાજુ-બાજુની વાડીમાં પરિવારજનો સાથે રહી ખેત મજૂરી કરતાં મુળ દાહોદ પંથકના બે સાઢુભાઇની ૧૬ અને ૧૩ વર્ષની દિકરીઓએ ગઇકાલે બપોર બાદ વાડીએથી નીકળી જઇ કાગદડીની સીમમાં જઇ એક જ બાવળના ઝાડમાં ચુંદડીના એક-એક છેડે લટકી જઇ જિંદગી ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ બંને માસીયાઇ બહેનો સતત સાથે રમતી, જમતી હતી અને ઉંઘવાના સમયે પણ સાથે જ રહેતી હતી. બંનેએ અચાનક મોત પણ એક સાથે મેળવી લેતાં મજૂર પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

જાણવા મળ્યા મુજબ કાગદડીમાં ઠાકારશીભાઇ લીંબાસીયાના ખેતરમાં રહી મજૂરી કરતાં દાહોદના ધાનપુર તાબેના નવાનગરના બાબુ ભાવલાભાઇ ભુરીયાની દિકરી સરિતા (ઉ.વ.૧૬) તથા બાજુના કનાભાઇના ખેતરમાં રહેતાં બાબુના સાઢુ દાહોદના નંગરીયાભાઇ વરસીંગભાઇ કલારાની દિકરી રાધિકા (ઉ.વ.૧૩) ગઇકાલે બપોર બાદ વાડીએ રમતી રમતી ગૂમ થઇ ગઇ હતી. સાંજના પાંચેક વાગ્યે બધા વાડીનું કામ પુરૂ કરી ભેગા થયા ત્યારે સરિતા અને રાધિકા જોવા ન મળતાં શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન કોઇ છોકરાઓએ બે છોકરી કાગદડીની સીમમાં બાવળના ઝાડમાં લટકતી હોવાની જાણ કરતાં બધા ત્યાં દોડી ગયા હતાં. તપાસ કરતાં સરિતા અને રાધિકાએ ગળાફાંસો ખાઇ લીધાનું માલુમ પડતાં કલ્પાંત સર્જાયો હતો.

૧૦૮ના ઇએમટી ચિરાગભાઇ પરમાર તથા પાઇલોટ અશ્વિનભાઇ ગઢવીએ  બનાવની જાણ કરતાં કુવાડવાના પીએસઆઇ આર. કે. રાઠોડ તથા કિશનભાઇએ ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. માસીયાઇ બહેન રાધિકા સાથે આપઘાત કરનાર સરિતા ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટી હતી. તેના માતાનું નામ બદલીબેન છે.

જ્યારે રાધિકા ચાર બહેન અને એક ભાઇમાં ત્રીજા નંબરે હતી. તેની માતાનું નામ પાર્વતિબેન છે. સરિતાના માતા-પિતા અને રાધિકાના માતા-પિતાએ જણાવ્યું હતું કે આ બંને માસીયાઇ બહેનોને ખુબ જ ભળતું હતું. લાંબા સમયથી આ બંને સતત એક બીજીની સાથે જ રહેતી હતી. હમેંશા સાથે રમતી, જમતી હતી અને જ્યાં જાય તે એક સાથે જ જતી હતી. રાત્રે તેની પથારી પણ એક સાથે જ રહેતી હતી. બંનેને કોઇએ કોઇ બાબતે ઠપકો પણ આપ્યો નહોતો કે બંનેએ કોઇ વાત પણ અમને કરી નહોતી. તેને કોઇ તકલીફ પણ નહોતી. અચાનક આવુ પગલુ શા માટે ભરી લીધું તેની અમોને પણ જાણ નથી.

પોલીસે બંને મૃતદેહના ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યા હતાં. પોલીસે પણ સતત બે અઢી કલાક સુધી મૃતક બંને માસીયાઇ બહેનોના માતા-પિતા બીજા ભાઇ-ભાંડરડા અને વાડીના બીજા મજૂરોની પુછપરછ કરી કારણ જાણવા પ્રયાસ કર્યો હતો. પરંતુ હજુ સુધી આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

(12:50 pm IST)