Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રામ મંદિર નિર્માણ માટે રાજકોટના મંદિરોમાંથી માટી-જળ એકત્ર

વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ રાજકોટના જાણીતા મંદિરોમાંથી પવિત્ર માટી અને જળ એકત્ર કરેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા. ર૮ : વિશ્વ હિન્દુ પરિષદના સાકાર સ્વપ્ન સમુ રામમંદિર રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે એક અનેરા ઉત્સાહ સાથે રાજકોટના અનેક પ્રાચીન મંદિરો ખાતેથી આ મંદિરના પવિત્ર એવા માટી અને ત્યાંનુ પવિત્ર જલ એકત્ર કરીને અને જળ અને માટીને અયોધ્યા ખાતે મોકલવામાં આવ્યા હતાં.

દરેક હિન્દુ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મંદિર નિર્માણ સાથે જોડાવાની ઇચ્છા ધરાવે છે. રાજકોટમાં અનેક મંદિરો આવેલા છે જે ખૂબ પ્રાચીન પણ છે અને બહોળી સંખ્યામાં ભકતગણ કાયમી ધોરણે મંદિરમાં દર્શનનો લાભ લ્યે છે. આ તમામ હિન્દુ સમાજ રામ મંદિર સાથે એક યા બીજી રીતે જોડાય તેવા શુભ હેતુથી ભારતભરના અનેક મંદિરોમાંથી ત્યાંની ભૂમિની પવિત્ર માટી અને જલ એકત્રીત કરી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું મુખ્ય મંદિર જયાં બનવા જઇ રહ્યું છે ત્યાં આ એકત્રીત માટી અને જલને પધરાવવાનું બીડુ વિ.હિ.પ.એ ઝડપ્યું છે.

રાજકોટના સ્વામિનારાયણ મંદિર-ભૂપેન્દ્ર રોડ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર-કાલાવડ રોડ, આર્ટસ વિદ્યા મંદિર-મુંજકા, વાલ્મીકી સમાજ મંદિર-તિલક પ્લોટ, પરશુરામ મંદિર, શ્યામલાલ પ્રભુની હવેલી, ગુરૂદ્વારા, જૈન દેરાસર-માંડવી ચોક, ઝલુલાલ મંદિર, રામનાથ મહાદેવ મંદિર, રતનપર રામજી મંદિર, ઇસ્કોન મંદિર, જગન્નાથ મંદિર, ધારેશ્વર મહાદેવ, નટેશ્વર મહાદેવ , રાધે-શ્યામ ગૌશાળા મંદિર, ત્રંબકેશ્વર મહાદેવ, રાજરાજેશ્વરી મહાદેવ, હાટકશ્વર મંદિર, ડેમેશ્વર મહાદેવ, ઇશ્વરીયા મહાદેવ, આશાપુરા મંદિર, રણુજા મંદિર, લાખેશ્વર મહાદેવ મંદિર, ગણેશ્વર મહાદેવ, જીથરીયા બાલાજી મંદિર, પુષ્ટિમાર્ગ હવેલી, પ્રગટેશ્વર મહાદેવ, ભકિત આશ્રમ, પુષ્કરધામ મહાદેવ, ચમતકારી હનુમાનજી મંદિર, અયપ્પા મંદિર, જાંજરીયા હનુમાનજી અને શનિદેવ મંદિર, વાસુ પૂજય સ્વામી જિનાલય, ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર, મણીદેવ મહાદેવ, રામેશ્વર મહાદેવ મંદિર, સુતા હનુમાન મંદિર, રંગીલા હનુમાન મંદિર, ખોડીયાર મંદિર વિગેરે મંદિરોના પવિત્ર માટી અને જલ એકત્ર કરવામાં આવ્યા હતાં.

વિ.હી.પ. દ્વારા તમામ પવિત્ર માટી અને જલને અયોધ્યા ખાતે મોકલવવાની વ્યવસ્થા કરેલ છે તેમજ આ માટે સહયોગી તમામ મંદિરના ટ્રસ્ટીગણ, સંતો, મહંતો અને આગેવાનોનો આ તકે વિ.હિ.પ. દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ છે તેમ પરિષદના મહામંત્રી નિતેશ કથીરીયા જણાવે છે.

(3:14 pm IST)