Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

આજીડેમ માંડાડુંગર પાસેના ભીમરાવનગરના મોરારી હત્યા કેસમાં માનવતાની જામીન અરજી રદ

આરોપીએ પિતાના અસ્થિ વિસર્જન અંગે જામીન અરજી કરી હતી..

રાજકોટ, તા. ર૮ : અહીંના આજીડેમ માંડાડુંગર પાસે ભીમરાવનગર શેરી નં.૧માં આવેલ માતાજીના મઢ પાસે મોરારી કેશુભાઇ મકવાણાની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં પકડાયેલ માંડાડુંગર ભીમરાવનગરમાં જ રહેતા આરોપી ઇશ્વર છગનભાઇ મકવાણાએ ૧૦ દિવસ માટે માનવતાના કારણસર વચગાળાના જામીન મેળવવા કરેલ અરજીને એડી. સેસન્સ જજશ્રી કે.ડી. દવેએ રદ કરી હતી.

આ બનાવ અંગે મરનારના ભાઇ ઇશ્વર કેશુભાઇ મકવાણાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવની વિગત મુજબ ફરીયાદી અને મરનારની બેન સાથે આરોપી ફોન ઉપર વાતચીત કરતો હોય અને વારંવાર સમજાવવા છતાં ફોન ઉપર વાતચીત કરવાનું ચાલુ રાખતા તા. ર૭-૪-૧૯ના રોજ ફરીયાદી ઉપરોકત સ્થળે આવેલ માતાજીના મઢ પાસે છરીના ઘા મારીને આરોપીએ મોરારીની હત્યા કરી હતી.

આ ગુનામાં આરોપી જેલમાં હોય તેના પિતાનું મૃત્યુ થયેલ હોય અને પિતાના અસ્થિ વિસર્જન કરવા પ્રાંચી જવાનું હોય તેમજ ધાર્મિક વિધિનું કારણ બતાવીને ૧૦ દિવસ માટે વચગાળાના જામીન પર છૂટવા અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલ પરાગ એન. શાહે કરેલ રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને કોર્ટે આરોપીની માનવતાની વચગાળાની જામીન અરજીને રદ કરી હતી. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી પરાગ એન. શાહ રોકાયા હતાં.

(4:18 pm IST)