Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

જાગનાથમાં ડોકટરના ઘરમાં ચોરની સર્જરી : ૧૮ લાખ ગયા

એક શખ્સ સીસીટીવીમાં દેખાયોઃ બીજા ફૂટેજ ચેક કરવા તજવીજ : રાજકોટમાં પીડીયુ મેડિકલ કોલેજના લેકચરર ડો. સેજુલ કે. અંટાળાના ઘરમાં થયેલી ચોરીમાં જાણભેદૂની સંડોવણીની શકયતા : ૧૮મીએ યુ.કે.થી આવેલા માતા-પિતા અને બેંગલોરથી આવેલો નાનો ભાઇ ધોરાજી જુના મકાને ગયાઃ ૨૩મીએ ડોકટર પત્નિ સંતાનો સાથે અમરેલી સસરાના ઘરે ગયા ત્યારે રેઢા મકાનમાં ટેરેસના દરવાજાનો લોક બારીમાં હાથ નાંખી ખોલી હાથફેરો : એક શખ્સ સીસીટીવીમાં દેખાયોઃ બીજા ફૂટેજ ચેક કરવા તજવીજ : તસ્કરો ૧ાા લાખ રોકડા, ૧૦.૬ લાખના દાગીના અને ૪૮૦૦ પાઉન્ડ ચોરી ગયાઃ પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ અને ટીમે તપાસ આરંભી : સોના-ડાયમંડના દાગીના ગત ૯મીએ બેંકના લોકરમાંથી ઉપાડી ઘરમાં રાખ્યા'તા

જુના જાગનાથ પ્લોટમાં જ્યાં ચોરી થઇ તે રાજદર્શન ફલેટ, ડો. સેજુલ કે. અંટાળા, તેમના ફલેટમાં જે કબાટો, ડ્રોઅરમાંથી હાથફેરો થયો તે બધુ વેરવિખેર જોવા મળે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૮: તસ્કરોએ શહેરમાં તરખાટ મચાવવાનું યથાવત રાખ્યું છે. જુના જાગનાથ પ્લોટમાં ડો. યાજ્ઞિક રોડ પર રવિ પ્રકાશનની સામેની શેરીમાં રાજદર્શન એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફલેટ નં. ૧૨માં રહેતાં અને પીડીયુ મેડિકલ કોલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવતાં ડો. સેજુલભાઇ કાંતિલાલ અંટાળા (પટેલ) (ઉ.વ.૪૮)ના ફલેટમાં અગાસીના ભાગે આવેલા દરવાજાનો લોક બારીમાં હાથ નાંખી ખોલીને ફલેટમાં પ્રવેશ કરી તસ્કર કે તસ્કરો રોકડા ૧ાા લાખ, ૧૦ લાખના સોના-ડાયમંડના દાગીના મળી રૂ. ૧૨,૦૬,૪૪૯ તેમજ ૪૮૦૦ પાઉન્ડ (ભારતીય ચલણ મુજબ આશરે ૬ લાખ) મળી અઢારેક લાખની મત્તા ઉસેડી જતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રથમ દ્રષ્ટીએ કોઇ જાણભેદૂની સંડોવણીની શકયતા ઉભી થઇ છે. પોલીસને સીસીટીવી ફૂટેજમાં પણ એક શખ્સ દેખાયો હોઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બનાવ અંગે ડો. સેજુલભાઇ અંટાળાએ પોલીસને જણાવ્યું છે કે હું છેલ્લા ત્રેવીસ વર્ષથી પીડીયુ મેડિકલ કોલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવુ છું. મારા મમ્મી ઉષાબેન અને પપ્પા કાંતિલાલ ૨૦૦૬ની સાલથી યુ. કે. રહે છે. મારો નાનો ભાઇ અમિતભાઇ બેંગ્લોર રહી પ્રાઇવેટ કંપનીમાં જોન બરે છે. મારા મમ્મી પપ્પા એક મહિનાથી યુ.કે.થી રાજકોટ મારા ઘરે રોકાવા આવ્યા છે. નાનો ભાઇ પણ પંદરેક દિવસથી મારા ઘરે આવ્યો છે.

તા. ૯/૧૨ના રોજ મેં કાલાવડ રોડ પર આવેલી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના મારા લોકરમાંથી મારા મમ્મીના સોનાના દાગીના, ડાયમંડના દાગીના જે ગયા વર્ષે મને તેણે સાચવવા આપ્યા હતાં તે કાઢીને મારા મમ્મીને આપ્યા હતાં. એ પછી ૧૮/૧૨ના રોજ મારા મમ્મી પપ્પા અને નાનો ભાઇ ત્રણેય ધોરાજી અમારું જુનુ મકાન છે ત્યાં રોકાવા ગયા હતાં. હું પણ મારા પત્નિ અને બે દિકરીઓને લઇને ૨૩/૧૨ના રોજ મારા સસરાના ઘરે અમરેલી ગયો હતો. અમારા ફલેટની એક એક ચાવી વર્ષોથી અમારે ત્યાં સફાઇ કામ અને ઘરકામ કરતાં બે બહેનોને આપી હતી.

અમે સોમવારે ૨૭મીએ બપોરે બે વાગ્યે અમરેલી હતાં ત્યારે અમારા એપાર્ટમન્ટમાં બીજા માળે રહેતાં ભાવેશભાઇ ચંદારાણાએ મને ફોન કરી જાણ કરી હતી કે તમારે ત્યાં કામ કરવા આવતાં બહેનેે મને કહ્યું છે કે તમારા ફલેટના બેડરૂમના કબાટના ખાના, સેટીના ડ્રોઅર વગેરે ખુલ્લા છે અને સામાન વેરવિખેર પડ્યો છે. ભાવેશભાઇના આ ફોન બાદ હું તુરત જ રાજકોટ આવવા નીકળ્યો હતો. મારા મમ્મી પપ્પા અને ભાઇને પણ ધોરાજી ખાતે જાણ કરી હતી. સાંજે સાડા ચારેક વાગ્યે અમે અમારા ફલેટે પહોંચી તપાસ કરતાં મુખ્ય દરવાજાના તાળાને કોઇ નુકસાન થયાનું જણાયું નહોતું.

ત્રીજો અને ચોથો માળ જે કમ્બાઇન્ડ છે ત્યાં ત્રીજા માળે આવેલા બેડ રૂમમાં મારા મમ્મ્ી પપ્પા સુવે છે તે રૂમના સેટીના ડ્રોઅર અને દિવાલના શોકેસના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતાં. બધુ વેરવિખેર જણાયું હતું. ચોથા માળે કે જે ટેરેસમાં જવા માટે એક નાનો દરવાજો છે તે દરવાજો અને બાજુમાં આવેલી બારી ખુલ્લા જોવા મળ્યા હતાં. આ માળ ઉપર બેડ રૂમમાં આવેલા શોકેસના દરવાજા પણ ખુલ્લા હતાં. બંને બેડરૂમમાં બધુ વેરવિખેર હતું.

તપાસ કરતાં ખબર પડી હતી કે તસ્કરો દોઢ લાખ રૂપિયારોકડા તથા બેંકના લોકરમાંથી લાવીને રાખેલા મારા મમ્મીના દાગીના સોનાનો પેન્ડન્ટ સેટ રૂ. ૨,૭૮,૫૬૧નો, એક જોડી સોનાની બુટી રૂ. ૨,૭૮,૫૬૧, સોનાની બુટી રૂ. ૧,૬૫,૫૦૦, સોનાની બંગડી રૂ. ૧,૭૫,૦૦૦ તથા સોનાનું મંગળસુત્ર રૂ. ૧,૫૦,૦૦૦નું તથા બીજા બે ડાયમંડવાળા મંગળસુત્ર રૂ. ૧ લાખના તેમજ ગ્રીન કલરનું સોનાનું પેન્ડન્ટ રૂ. ૧ લાખનું મળી રૂ. ૧૦,૦૬,૪૪૯ના દાગીના પણ ગાયબ હતાં. આ ઉપરાંત બ્રિટીશ ચલણના ૪૮૦૦ પાઉન્ડ, મમ્મી પપ્પાના બ્રિટીશ પાસપોર્ટ, જરૂરી ડોકયુમેન્ટ પણ ચોરાઇ ગયાનું જણાતાં અમે પોલીસને જાણ કરી હતી.

અમાર ઘરે કામ કરતાં બહેનને પુછતાં તેણે કહેલું કે ૨૬મીએ બપોરે અઢી વાગ્યે હું ઘરનું કામ પુરૂ કરી દરવાજાને તાળુ મારી જતી રહી હતી. બપોરે બે વાગ્યે ફરી ઘરકામ કરવા આવી ત્યારે સામાન વેરવિખેર જણાતાં મેં નીચેના ફલેટવાળા ભાવેશભાઇને જાણ કરી હતી. એએસઆઇ હરેશભાઇ રત્નોતરે ચોરીનો ગુનો દાખલ કર્યો હતો.

આ બનાવમાં જાણભેદૂની સંડોવણીની શંકાએ પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ, સંજયભાઇ દવે સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી બે કામવાળી પૈકી એકની પુછતાછ હાથ ધરી છે. સીસીટીવી કેમેરા નીચે ગ્રાઉન્ડ ફલોરમાં હોઇ તેના ફૂટેજ ચેક કરતાં એક શખ્સ દેખાયો છે. બીજા ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસને આશા છે કે ભેદ ઝડપથી ઉકેલાઇ જશે.

(4:41 pm IST)