Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

શુક્રવારે મુખ્યમંત્રી સાથે પ પ્રધાનો પણ રાજકોટમાં: સમરસ ગ્રામ પંચાયતના સરપંચોનું સન્માન : કરોડોના લોકાપર્ણો

તમામ કામો પંચાયતનાઃ સાયન્સ સિટીનું લોકાર્પણ નહિ થાયઃ ચૌધરી મેદાનની હોસ્પીટલનું ઇ-લોકાર્પણ : સવારે ૧૦ વાગ્યાથી સીએમનો રોડ શોઃ ૧૧-૩૦ વાગ્યા બાદ ડીએચ ખાતે મુખ્ય કાર્યક્રમ : એઇમ્સના ઓપીડી ડાયરેકટરશ્રી કટોચ તથા શ્રમદિપ સિંહાના હસ્તે ૩૧મીએ થશે

રાજકોટ તા. ર૮: રાજય સરકારના ગુડ ગવર્નસના કાર્યક્રમ સંદર્ભે રાજકોટમાં ૩૧મીએ મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં યોજાનારા મહત્વના રાજય કક્ષાના કાર્યક્રમ અંગે કલેકટર-પંચાયત-કોર્પોરેશનના તંત્રે તડામાર તૈયારીઓ શરૂ કરી છે.

કલેકટર કચેરીના અધિકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે મુખ્ય કાર્યક્રમ ૧ર વાગ્યાથી ડીએચ કોલેજ ખાતે થશે, તમામ ખાતમુહુર્તો-લોકાપર્ણો પંચાયત વિભાગના છે. જેમાં રાજકોટ જીલ્લાની ૧૩૦ ગ્રામ પંચાયત કે જે સમરસ જાહેર થઇ છે, તેના તમામ સરપંચોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન થશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, વિચરતી-વિમુકિત જાતિના પરિવારોને સહાયના ચેકો અર્પણ કરાશે અને લોકાર્પણ થશે.  આ ઉપરાંત ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં ૩ કરોડથી વધુના ખર્ચે બનાવાયેલ પોર્ટેબલ ૧૦૦ બેડની હોસ્પીટલનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ થશે.

અત્રે એ નોંધનીય છે કે એઇમ્સની ૩૧મીથી શરૂ થનાર ઓ.પી.ડી.નું ઉદ્દઘાટન વડાપ્રધાન કે મુખ્યમંત્રીના હસ્તે નહિં થાય. પરંતુ એઇમ્સના ડાયરેકટરો (રાજકોટ) શ્રી કટોચ તથા શ્રી શ્રમદિપ સિંહાના હસ્તે થશે તેમ સૂત્રો ઉમેરી રહ્યા છે. જયારે ઇશ્વરીયા પાર્ક ખાતે બનાવાયેલ ૧૦ કરોડના ખર્ચે સાયન્સ સિટી-ભવનનું પણ ૩૧મીએ લોકાર્પણ નહિં થાય.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સાથે પાંચ પ્રધાનો પણ રાજકોટ આવી રહ્યા છે, જેમાં અર્જુનભાઇ ચૌહાણ, જીતુભાઇ વાઘાણી, અરવિંદભાઇ રૈયાણી, બ્રીજેશભાઇ મેરજા, હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે, આ ઉપરાંત મુખ્ય સચિવ, મહેસૂલ સચિવ, પંચાયતના સચિવ પણ આવી રહ્યા છે, મુખ્યમંત્રી એરપોર્ટ પર ૯ાા થી ૧૦ ની વચ્ચે આવશે, બાદમાં તેમનો એરપોર્ટથી ડીએચ કોલેજ સુધી ભવ્ય રોડ શો યોજાશે.

(2:51 pm IST)