Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

પ્રિમીયર સ્કુલનો એક વિદ્યાર્થી સંક્રમિત

એસએનકે, શકિત, મોદી સ્કુલ, આર.કે. યુનિવર્સિટી બાદ : સંચાલકોએ ગંભીરતા ધ્યાને લઈ તુરંત ચાલુ શાળા બંધ કરી : સંબંધીતોના ટેસ્ટીંગની કાર્યવાહી હાથ ધરી

રાજકોટ, તા. ૨૮ : કોરોનાનું સંક્રમણ ખાસ કરીને શાળા - કોલેજોમાં વધી રહ્યુ છે. અગાઉ એસએનકે, શકિત સ્કુલ, આર.કે. યુનિવર્સિટી, મોદી સ્કુલ બાદ રાજકોટની શ્રેષ્ઠ પરિણામ આપતી પ્રિમીયર સ્કુલનો એક વિદ્યાર્થી સંક્રમિત થતાં ચિંતાની લાગણી પ્રસરી છે.

શહેરની ગંગોત્રી પાર્ક મેઈન રોડ, શિલ્પન ઓનીકસની પાછળ આવેલ પ્રિમીયર સ્કુલનો એક વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયાનું માલૂમ પડતા થોડી વાર પૂરતી અફરાતફરી મચી ગઈ હતી. પરંતુ સંચાલક શ્રી નિરવભાઈ બદાણીની વહીવટી કુશળતાને ધ્યાને લઈ તુરંત ૧૦ મિનિટમાં સમગ્ર પ્રિમીયર સ્કુલ ખાલી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સાવચેત રહેવા પરંતુ ગભરાવવા નહિં ની સુચના આપી ઘરે મોકલવામાં આવ્યા હતા.

મેડીકલનું પ્રવેશદ્વારનું બિરૂદ પામનાર પ્રિમીયર સ્કુલના સંચાલકો સર્વશ્રી નિરવભાઈ બદાણી, મનનભાઈ જોષી, નેહાબેન દેસાઈ તેમજ મુકેશભાઈ તિવારીએ જીલ્લા શિક્ષણાધિકારી, કોર્પોરેશન, વાલીઓને સામે ચાલીને જાણ કરી હતી અને સાવચેતીના પગલારૂપે પ્રિમીયર સ્કુલ એક અઠવાડીયુ બંધ રાખવાની જાહેરાત કરી છે. કોરોનાથી સંક્રમિત થયેલ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા વિદ્યાર્થી તેમજ સ્ટાફનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યુ છે. હાલ પ્રિમીયર સ્કુલમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે.

(3:14 pm IST)