Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

નામચીન ઇભલાએ ફરી લખણ ઝળકાવ્યા : પૂર્વ પત્નિ નુરીને માર મારી ધમકી દીધી : ધરપકડ

હથિયાર, હત્યાનો કોશિષ, ફાયરીંગ, લૂંટ, મારામારી સહિતના ગુનામાં સંડોવણી

રાજકોટ તા. ૨૮ : મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતો નામચીન ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમભાઇ કાથરોટીયાએ ફરી લખણ ઝળકાવી પોતાની પૂર્વ પત્નીને મારમારી ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગણેશનગર શેરી નં. ૧૧માં રહેતી નુરી ગફારભાઇ કટારીયા (ઉ.વ.૩૫)એ બી-ડીવીઝન પોલીસ મથકમાં પૂર્વ પતિ ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમભાઇ કાથરોટીયા સામે ફરિયાદ નોંધાવી છે. નુરી કટારીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના આઠેક વર્ષ પહેલા ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમભાઇ કાથરોટીયા સાથે લગ્ન થયા હતા. બાદ આઠેક માસ પહેલા પોતાના તેની સાથે છૂટાછેડા થયા હતા. તેમ છતાં ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો અવાર-નવાર પોતાના ગણેશનગરમાં ઘરે આવી જાય છે. આજથી દસેક દિવસ પહેલા તે પોતાના ઘરે રહેવા આવ્યો હતો અને અવારનવાર પોતાની સાથે ઝઘડો કરતો હતો. પરમ દિવસે પોતે ઘરે હાજર હતી ત્યારે ઇબ્રાહીમ ઉર્ફે ઇભલાએ જણાવેલ કે, 'હું મારા કામથી બહાર જાવ છું.' જેથી પોતે તેને 'અત્યારે નહી થોડીવાર પછી જાવ' તેમ કહેતા તે ઉશ્કેરાઇ જઇ પોતાની સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો. અને માથા તથા હાથ અને પગમાં ઇજા કરી હતી અને 'જો તું પોલીસ સ્ટેશને ગઇ છો તો જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી હતી. બાદ પોતે ગઇકાલે બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. કે.યુ.વાળા સહિતના સ્ટાફે નામચીન ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમભાઇ કાથરોટીયા (ઉ.વ.૩૬) (રહે. ગણેશનગર શેરી નં. ૧૧)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ શખ્સ અગાઉ હથિયાર, હત્યાની કોશિષ, ફાયરીંગ, લૂંટ, મારામારી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે.

(3:16 pm IST)