Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

કોરોના-ઓમિક્રોનના ઝળુંબી રહેલા જોખમ સામે લોકોને જાગૃત કરવા શહેર પોલીસ દ્વારા માસ્કનું વિતરણ કરાયું

બાકી હોય એ દરેકે વેકસીન લઇ લેવા અને નિયમોનું પાલન કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો અનુરોધ : જાહેર સ્થળો, ટ્રાફિક પોઇન્ટ, દૂર્ગાશકિત ભરોસા કેન્દ્ર પર લોકોને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા સમજ અપાઇ

રાજકોટઃ કોરોના-ઓમિક્રોનના ઝળુંબી રહેલા જોખમ વચ્ચે લોકો વધુ જાગૃત બને અને સંક્રમણથી બચી શકે તે માટે શહેર પોલીસ દ્વારા આજે જાગૃતિ અભિયાન અંતર્ગત જાહેર સ્થળો, ટ્રાફિક પોઇન્ટ, દૂર્ગાશકિત ભરોસા કેન્દ્ર ખાતે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ દ્વારા કોરોનાને લગતી સરકારની માર્ગદર્શિકાનું કડક પાલન કરાવવામાં આવે છે. પોલીસ ઇચ્છતી હોતી નથી કે લોકોને માસ્કના દંડ કરવામાં આવે. પરંતુ જે લોકો કાયદાનો ભંગ કરી માસ્ક પહેરતા જ નથી હોતાં તેની સામે પોલીસે આકરું  વલણ દાખવવું પડે છે. આજે શહેર પોલીસે માસ્ક વગર નીકળેલા લોકોને શોધીને પહેલા તો માસ્ક આપ્યા હતાં અને બાદમાં તેમને હાલનો કોરોના-ઓમિક્રોનની પરિસ્થિતિમાં વધુ સાવચેત રહેવા, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવા સમજ અપાઇ હતી. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે વેકસીનના જે લોકોએ બંને ડોઝ લીધેલા છે તેવા લોકોમાં સંક્રમણ ઘટ્યું છે અથવા તો નહિવત કેસ નોંધાયા છે. જે લોકોએ વેકસીન લીધી ન હોય તેણે તત્કાલ વેકસીન લઇ લેવી હિતાવહ ગણાશે. લોકોએ હાલના સંજોગોમાં સરકારી માર્ગદર્શિકાનું પાલન પણ કરવું ખુબ જરૂરી બની ગયું છે.

(4:21 pm IST)