Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

નળ જોડાણ-જાહેર સ્વચ્છતા- વેકસીનેશન સહિતની માહિતી મેળવતા અમિત અરોરા

મ્યુ.કમિશ્નર તમારા દ્વારે : વોર્ડ નં. ૬માં મુલાકાત કરી : અસરકારક સફાઇ કામગીરી માટે બીટ મેનેજમેન્ટ પ્લાન તથા વોટ્સએપ-ટવીટરને ગ્રીવન્સ રિડ્રેસલ એપ સાથે જોડવા સુચના

રાજકોટ,તા.૨૮:  મહાનગરપાલિકા દ્વારા શહેરને સુવિધા સજ્જ બનાવવા અને શહેરીજનોને ગુણવત્ત્।ા સેવાઓ આપી શકાય તે માટે રોજબરોજ કરવામાં આવતી કામગીરી વ્યવસ્થિતરીતે ચાલે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા વોર્ડ ઓફિસ અને વોર્ડના વિસ્તારોમાં રૂબરૂ જઈને વિવિધ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવે છે.

આજે તા. ૨૮ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ વોર્ડ નં. ૬માં વિવિધ શાખાના અધિકારીઓને સાથે રાખી મુલાકાત કરી લોકો દ્વારા આવતી ફરિયાદનો નિકાલ કરવા અંગે કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ તમામ વોર્ડમાં અસરકારક સફાઈ કામગીરી થાય તે માટે બીટ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા તેમજ વોટ્સએપ અને ટ્વીટર મારફત આવતી ફરિયાદોને ગ્રીવન્સ રિડ્રેસલ એપ્લીકેશન (ઓનલાઈન) સાથે લીંકઅપ કરવા પણ સંબંધિત અધિકારીશ્રીને સુચના આપી હતી.

શહેરના તમામ વોર્ડમાં અસરકારક સફાઈ કામગીરી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરેક વોર્ડના સફાઈ કામદારને ચોક્કસ મીટરના રોડની ફાળવણી કરવામાં આવે છે જેમાં દરેક સફાઈ કામદારને ૫૦૦ મીટરથી વધુ લંબાઈના રોડની સફાઈ કામગીરી સોંપવામાં આવે છે. જેને બીટ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. જેમાં તમામ સફાઈ કામદારોને સાયન્ટીફીક રીતે ઇફેકટીવ રોડ લંબાઈ મુજબ કામગીરી ફાળવવાથી સ્વચ્છતા અંગે વધુ સારી કામગીરી કરી શકાય તે બાબતે સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખાને બીટ મેનેજમેન્ટ પ્લાન બનાવવા અંગે મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ સુચના આપી હતી.

વધુમાં મ્યુનિ. કમિશનર મુલાકાત દરમ્યાન વોટ્સએપ અને સોશિયલ મીડિયા જેવાકે ટ્વીટર અને ફેસબુકના માધ્યમથી શહેરીજનો દ્વારા કરવામાં આવતી ફરિયાદોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ગ્રીવન્સ રિડ્રેસલ એપ્લીકેશન સાથે લીંકઅપ કરવાની સુચના આપી હતી જેનાથી લોકો દ્વારા કરવામાં આવતી ફરિયાદો અને તેના નિકાલ બાબતે સ્ટેટસ જાણી શકાશે.

મ્યુનિ. કમિશનરશ્રીએ વોર્ડ નં.૬માં રૂબરૂ મુલાકાત કરી સંબંધિત તમામ અધિકારીશ્રીઓ પાસેથી આ વોર્ડના કુલ વિસ્તાર, વસતિ, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજિયક એરિયા, ટેકસ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફાઈ, ડ્રેનેજ, કોવીડ વેકસીનેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી વગેરે મુદ્દાઓની સમીક્ષા કરી હતી.

આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, સિટી એન્જી. વાય. કે. ગૌસ્વામી, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, આસી. કમિશનર વાસંતીબેન પ્રજાપતિ, આસી. ટાઉન પ્લાનિંગ અશ્વિન પટેલ, ડીઈઈ આર. બી. સોલંકી અને વોર્ડ નં. ૬ના વોર્ડ ઓફિસરશ્રી કેતન સંચાણીયા હાજર રહ્યા હતા.

(4:23 pm IST)