Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

વ્‍યાજ તો દેવું જ પડશે નહિતર જીવતો નહિ રહેવા દઇએ... ગાંધીગ્રામના મોબાઇલના ધંધાર્થીને આઠ શખ્‍સોની ધમકી

ગભરાઇને યુવાન ગામ છોડી સુરત જતો રહ્યોઃ પરત આવી ફરિયાદ નોંધાવીઃ બે શખ્‍સો બે આઇફોન સેવન મોબાઇલ પણ પડાવી ગયાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૩૦: વ્‍યાજખોરીનો વધુ એક ગુનો સામે આવ્‍યો છે. જેમાં ગાંધીગ્રામ જીવંતીકાનગરમાં રહેતાં મોબાઇલ ફોનના ઼ધંધાર્થીએ દોઢેક વર્ષ દરમિયાન આઠ અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ રકમ લઇ મુદ્દલથી પણ વધુ વ્‍યાજ ચુકવી દીધુ હોવા છતાં બધા ધમકી આપી વ્‍યાજ નહિ આપે તો જીવતો નહિ રહેવા દઇએ તેમ કહેતાં હોઇ તે ગભરાઇને ગામ છોડી ભાગી ગયો હતો. હવે ફરી રાજકોટ આવી ફરિયાદ કરી છે. બે શખ્‍સો બે આઇફોન-૭ પડાવી ગયાનું પણ જણાવાયું છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ જીવંતિકાનગર-૩ એસકે ચોકના ખુણે માતૃછાયા ખાતે રહેતાં અને નાના મવા રોડ પર મોકાજી સર્કલ નજીક દ્વારકેશ મોબાઇલ નામે ભાડાની દૂકાન રાખી નવા-જુના મોબાઇલ ફોનની લે-વેંચનો ધંધો કરતાં સાવન કમલેશભાઇ આશીયાણી (ઉ.વ.૨૫)ની ફરિયાદને આધારે રૈયા રોડ નાયરા પંપ પાછળ રહેતાં કિશન જોગરાણા, રૈયા ગામ ગ્રીનસીટી પાસે રહેતાં યશ નંદો, ધ્રોલના રમેશ પરમાર, ભગવતીપરાના સંજય ભરવાડ, રૈયાધાર ક્‍વાર્ટર સામે રહેતાં અજય ભરવાડ, જીવંતીકાનગર-૩માં રહેતાં ધનરાજ દિપકભાઇ રાઠોડ, રાજકોટના કિશન પરમાર અને કેવલ રમેશભાઇ પરમાર વિરૂધ્‍ધ આઇપીસી ૩૮૬, ૨૯૪ (ખ), ૩૪, મનીલેન્‍ડ એક્‍ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છ.ે

ફરિયાદની વિગત મુજબ સાવનને રૂપિયાની જરૂર હોઇ દોઢેક વર્ષના ગાળામાં પોતાના જ ઓળખીતા એવા આરોપીઓ કિશન, યશ સચદેવ ઉર્ફ નંદો, કિશન, કેવલ, રમેશ, સંજય, અજય, ધનરાજ પાસેથી વ્‍યાજે રકમ લીધી હતી. આ બધાને મુદ્દલથી વધારે વ્‍યાજ ચુકવી દીધુ છે આમ છતાં વધુ વ્‍યાજ માંગી દુકાને આવી રૂબરૂ તેમજ ફોન કરી ગાળો દઇ મારી નાખવાની ધમકી આપે છે. આ કારણે ગભરાઇને તેણે વિસેક દિવસથી દૂકાન બંધ કરી દીધી છે. ફોન કરીને આ શખ્‍સો ધમકાવે છે કે રૂપિયા તો આપવા જ પડશે નહિતર જીવતો નહિર રહેવા દઇએ. આ કારણે ઘર છોડીને પોતે સુરત રહેવા જતો રહ્યો હતો. અગાઉ પોલીસ કમિશનરને આ બાબતે અરજી આપી હતી. હાલમાં તે મામાના ઘરે રાજકોટમાં રહે છે.

કિશન પાસેથી છ લાખ કટકે કટકે લઇ દર મહિને ૨૦ હજાર લેખે વ્‍યાજ ભર્યુ છે. બીજા પાંચ લાખ અને બે લાખ પણ લીધા હતાં તેનું ચાલીસ હજર વ્‍યાજ ભર્યુ હતું. યશ પાસેથી પાંચ લાખ લીધા હતાં.  બીજા આરોપીઓ પાસેથી પણ અલગ અલગ રકમલ લઇ મસમોટુ વ્‍યાજ ચુકવ્‍યું હોવા છતાં વધુ ઉઘરાણી કરી ધમકાવે છે. સંજય દૂકાને આવી ધમકી દઇ આઇ ફોન-૭ બળજબરીથી પડાવી ગયો હતો. અજય પણ વ્‍યાજની ઉઘરાણી કરી ધમકાવી બીજો આઇફોન-૭ લઇ ગયો હતો. ધનરાજ પાસેથી પચાસ હજાર લીધા હોઇ તેને વ્‍યાજ ચુકવ્‍યું હોવા છતાં ફોન કરી ધમકાવે છે. આ બધા સતત હેરન કરતાં હોઇ અંતે ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં સાવને જણાવતાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ જે. જી. જાડેજાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:55 pm IST)