Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

બામણબોર જમીનની ફાઇલ કલીયર કરવા બોસ (કે.રાજેશ)નું દબાણ હતું: તત્‍કાલિન એડીશ્‍નલ કલેકટર ચંદ્રકાંત પંડયા

ખોટા કેસમાં સંડોવી દઇ બબ્‍બે વખત જેલમાં ધકેલી દેવાતા પી.એસ.પી. નામની ગંભીર બિમારીનો પપ્‍પા ભોગ બન્‍યાઃ પુત્રી રાધીકાનો આક્ષેપઃ સીબીઆઇ પુછશે તો તમામ માહિતી આપીશું: પપ્‍પા સહિત અમારો પરિવાર કે.રાજેશની કિન્નાખોરીનો ભોગ બન્‍યાઃ ટીવી ચેનલો સાથેના ઇન્‍ટરવ્‍યુમાં ચંદ્રકાંત પંડયા અને પુત્રી-જમાઇએ વિગતો આપી

રાજકોટ, તા., ૩૦: સુરેન્‍દ્રનગર જીલ્લાના જે તે વખતના કલેકટર કે.રાજેશ  સામે સીબીઆઇએ જમીન અને લાયસન્‍સ ઇસ્‍યુ કરવામાં ભ્રષ્‍ટાચાર આચરવાના મામલે તપાસનો ગાળીયો કસ્‍યો છે ત્‍યારે બામણબોરની વિવાદાસ્‍પદ જમીનની દરખાસ્‍તની ફાઇલ કલીયર કરવા માટે તત્‍કાલીન એડીશ્નલ કલેકટર ચંદ્રકાંત પંડયા ઉપર તેમના કલેકટર કે.રાજેશે દબાણ કર્યાનો ધડાકો ટીવી ચેનલો સમક્ષ રાજકોટ સ્‍થિત નિવૃત એડીશ્નલ કલેકટર ચંદ્રકાંત પંડયા, તેમના પુત્રી અને જમાઇએ કરતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે. મારા પપ્‍પા પી.એસ.પી. નામની ગંભીર બિમારીનો ભોગ પણ આ કેસના આઘાતને કારણે બન્‍યાનો ખુલ્લો આક્ષેપ તેમના પુત્રી રાધીકાએ કર્યો છે.

આજે ગુજરાત ફર્સ્‍ટ સહીતની વિવિધ ચેનલોએ ચંદ્રકાંત પંડયાના રેસકોર્ષ સ્‍થિત નિવાસસ્‍થાને તેમની મુલાકાત લઇ ઇન્‍ટરવ્‍યું કર્યા હતા જેમાં બે કટકે દોઢ વર્ષ જેવો જેલવાસ ભોગવી ચુકેલા અને માનસીક-શારીરીક બિમારીનો ભોગ બનેલા નિવૃત અધિકારી ચંદ્રકાંત પંડયાએ જણાવ્‍યું હતું કે, સીબીઆઇએ હાથ ધરેલી તપાસથી સંતૃષ્‍ટ છું. બામણબોરની જમીન બાબતે જે તે સમયે મારા બોસ (કે.રાજેશ)એ મને ફાઇલ કલીયર કરવા ચાર્જ સોંપી દબાણ કર્યુ હતું. જે તે વખતે અશોક દવે સાહેબ સાથે ફોન ઉપર વાત કરાવી ૩ દિવસ પહેલા ચાર્જ આપી ફોન ઉપર વાત કરાવી મારૂ ટેબલ કલીયર કરી નાખજો તેવો આદેશ આપ્‍યો હતો. મેં ના પાડી ત્‍યારે ‘હું કહું તેમ કરો' તેવું  અધિકારીક ભાષામાં જણાવી દેવાતા મારે ફાઇલ કલીયર કરવી પડી હતી.

કે.રાજેશને આ બાબતે કોઇ રાજકીય પીઠબળ હતું તેવું તમને લાગે છે? તેવા પ્રશ્નના જવાબમાં થોથવાતી જીભે ચંદ્રકાંત પંડયાએ જણાવેલ કે, મારા મિત્ર વિજયભાઇ રૂપાણી ત્‍યારે સીએમ હતા. મેં તેમને આ બાબતમાં રજુઆતો કરી હતી. પરંતુ કોઇ પગલા લેવાયા ન હતા. ઉલ્‍ટા મને જેલમાં ધકેલી દેવાયો હતો. તેમણે પીઠબળ બાબતે સ્‍પષ્‍ટતા કરવાનું ટાળતા મને કાંઇ યાદ નથી તેવું જણાવ્‍યું હતું.

ગુજરાત ફર્સ્‍ટ સાથેની મુલાકાતમાં માનસીક-શારીરીક હાલત ગંભીર હોવાથી વધુ વિગતો આપવા અસક્ષમ બનેલા ચંદ્રકાંત પંડયાએ વારંવાર મને યાદ નથી તેવું જણાવતા  તે સમયે હાજર તેમના પુત્રી રાધીકા અને જમાઇ વિવેક સાથે ચેનલોએ વાતચીત કરી હતી.

ચંદ્રકાંત પંડયા સામે જમીનના મામલે અને અપ્રમાણસરની મિલ્‍કત ધરાવવા બદલ જુદા-જુદા બે કેસો દાખલ થયા હતા. એ.સી.બી.એ જે તે વખતે સમગ્ર પરિવારને તપાસના પરીઘમાં લેતા પરિવારની હાલત અત્‍યંત કફોડી બન્‍યાનું તેમના પુત્રી અને જમાઇએ મુલાકાતમાં જણાવ્‍યું હતું.

એ.સી.બી.ના અધિકારીઓએ તમારા પપ્‍પાએ ખોટુ કર્યુ છે તેવું સ્‍વીકારી લ્‍યો તો તેમને કેસમાં રાહત થશે તેવું દબાણ પરિવાર પર થયાનું તેમની પુત્રીએ ઇન્‍ટરવ્‍યુમાં જણાવ્‍યું હતું. પુત્રીએ સ્‍પષ્‍ટ કહયું હતું કે, ૪૦ વર્ષની બેદાગ નોકરીમાં મારા પપ્‍પાને ખોટા કેસમાં સંડોવી દેવાતા તેમને જબરો આઘાત લાગતા આજે તેઓ બોલી-ચાલી, ખાઇ-પી શકતા નથી. પોતાનું કામ જાતે કરી શકતા નથી. તેઓ પાર્ર્કીન્‍શનનો ભોગ બન્‍યા છે.

સીબીઆઇએ શરૂ કરેલી તપાસમાં તમે સહયોગ આપશો? તેવા પ્રશ્નના જવાબમાં ચંદ્રકાંત પંડયાના પુત્રી-જમાઇએ જણાવ્‍યું હતું કે અમે ચોક્કસ સીબીઆઇ પુછશે તો માહીતી આપીશું. (૪.૧૫)

નિવૃત એડીશ્નલ કલેકટર ચંદ્રકાંત પંડયા , પુત્રી રાધીકા , જમાઇ વિવેક ક્રમશ:

(3:37 pm IST)