Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

વિદ્યાકુંજ સોસાયટીમાં બંગલાના રખેવાળની હત્‍યામાં અનિલ મીણા ૮ દિ'ના રિમાન્‍ડ પર

અમદાવાદથી બહેન સાથે લગ્નમાં રાજસ્‍થાન ન જઇ શક્‍યો અને ચોરીનો પ્‍લાન ઘડી રાજકોટ આવ્‍યોઃ પડોશી જોઇ જતાં મોડી રાતને બદલે વહેલો બંગલામાં ઘુસી ગયો : અગાઉ અનિલ ૧૫ દિવસ બંગલામાં રહ્યો ત્‍યારે કેરટેકર વિષ્‍ણુભાઇના ટિફિનમાંથી જ જમ્‍યો હતોઃ તેણે પ્રતિકાર કરતાં જ પતાવી દીધા'તા

રાજકોટ તા. ૩૦: અમીન માર્ગ પર વિદ્યાકુંજ સોસાયટીમાં ખોડલધામ પ્રમુખ નરેશભાઇ પટેલના વેવાઇ પ્રવિણભાઇ પટેલના ઇશાવસ્‍યમ્‌ નામના બંગલાના રખેવાળ-કેરટેકર વિષ્‍ણુભાઇ ઘુંચલા (સોની) (ઉ.વ.૬૮)ની ગળાટૂંપો દઇ ડિસમીસના ઘા ઝીંકી હત્‍યા કરનાર મુળ રાજસ્‍થાન ના ઉદયપુરના સેમારી તાબેના ભોરાઇ ગામના અનિલ કરમાભાઇ મીણા (ઉ.વ.૧૯)ને શનિવારે પોલીસે ઝડપી લીધો હતો. ચોરીના ઇરાદે બંગલામાં ઘુસતાં કેરટેકર વિષ્‍ણુભાઇએ તેનો સામનો કરતાં તેમને પતાવી દીધાની કબુલાત અનિલે આપી હતી. આજે બપોરે તેને ૧૪ દિવસના રિમાન્‍ડની માંગણી સાથે પોલીસે કોર્ટમાં રજૂ કરતાં ૮ દિવસના રિમાન્‍ડ મળતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. તેને સાથે લઇને પોલીસ રાજસ્‍થાન સુધી તપાસ માટે જાય તેવી શક્‍યતા છે.

પોલીસ પુછતાછમાં અનિલ મીણાએ કબુલ્‍યું હતું કે પોતે અગાઉ બંગલાના માલિક પ્રવિણભાઇ પટેલના વડોદરાના ફાર્મ હાઉસમાં કામ કરતો હતો. એ નોકરી તેણે બાદમાં છોડી દીધી હતી. ગયા વર્ષે ૨૦૨૧ના સપ્‍ટેમ્‍બર મહિનામાં તે રાજકોટ વિદ્યાકુંજ સોસાયટીના પ્રવિણભાઇના બંગલાની સાફસફાઇના કામ માટે આવ્‍યો હતો. એ વખતે તે અહિ ૧૩ દિવસ રોકાયો હોઇ જેથી બંગલાના કેરટેકર વિષ્‍ણુભાઇ ઘુંચલા સાથે પરિચય થયો હતો. એટલુ જ નહિ આ દિવસોમાં તેણે વિષ્‍ણુભાઇના ટિફીનમાંથી જ ભોજન કર્યુ હતું.

હાલમાં અનિલ બેકાર હતો અને અમદાવાદ ખાતે તેની બહેન સાથે રહેતો હતો. માતા-પિતા બિમાર હોઇ પૈસાની જરૂર હતી. બહેનને લગ્નમાં રાજસ્‍થાન જવું હોઇ અનિલ પણ સાથે જવા ઇચ્‍છતો હતો. પરંતુ પૈસા ન હોઇ ત્‍યાં જઇ શક્‍યો નહોતો. જતાં જતાં બહેને તેને રૂા. ૫૦૦ આપ્‍યા હતાં. અનિલ પાસે બીજા ૧૫૦ હતાં. પૈસાનો ગમે તેમ મેડ કરવા તે મથતો હતો અને અમદાવાદમાં જ ચોરી કરવાનો પ્‍લાન ઘડયો હતો. પરંતુ ત્‍યાં આવુ ન થઇ શકતાં તેને રાજકોટનો જુના શેઠ પ્રવિણભાઇ પટેલનો બંગલો યાદ આવ્‍યો હતો. જે તે વખતે તેને શેઠાણીએ રૂા. પાંચસો બક્ષીસ આપી હોઇ ઘરમાં મોટી રકમ હશે તેમ વિચારીને તે બસમાં બેસી રાજકોટ સાંજે પાંચેક વાગ્‍યે પહોંચ્‍યો હતો. ત્‍યાંથી રિક્ષા કરી કોટેચા ચોક ઉતરી વિદ્યાકુંજના બંગલે પહોંચ્‍યો હતો.

અનિલ અહિ સાંજે સાડા સાતેક વાગ્‍યે પાછળના ભાગેથી બંગલામાં ઘુસી પાર્કિંગની રેલીંગ પાસે પહોંચ્‍યો ત્‍યારે પડોશી જોઇ જતાં તેણે ટપારતાં તેણે પોતે પ્રવિણભાઇનો કર્મચારી છે અને વિષ્‍ણુકાકાને ઓળખે છે તેમ કહી દીધુ હતું. તેનો ઇરાદો બંગલામાં ઉપરના ભાગે મોડી રાતે ઘુસવાનો હતો. પણ પડોશી જોઇ ગયા હોવાથી તે વહેલો સાડા આઠે મોઢે કપડુ બાંધીને ઉપર ગયો હતો અને દરવાજખો ખખડાવતાં વિષ્‍ણુભાઇએ ખોલ્‍યો હતો. દરવાજો ખુલતાં જ અનિલે વિષ્‍ણુભાઇને મોઢે ડૂમો દઇ દીધો હતો. બંને વચ્‍ચે ઝપાઝપી થતાં અનિલના મોઢા પરનો રૂમાલ ખુલી જતાં તે ઓળખાઇ ગયો હતો. આથી તેણે વિષ્‍ણુભાઇને પછાડી ગળુ દબાવી દીધુ હતું અને ડીસમીસના છરકા પણ કર્યા હતાં. ગળાટૂંપાથી વિષ્‍ણુભાઇનું મોત થયું હતું. એ પછી અનિલ ઉપરના ભાગે જ્‍યાં કબાટ હતો ત્‍યાં ગયો હતો. પરંતુ કંઇ હાથ લાગ્‍યુ ન હોઇ તે ઝડપથી બંગલામાંથી નીકળી, એસટી બસ સ્‍ટેશને જઇ બસ મારફત રાજસ્‍થાન જતો રહ્યો હતો. લૂંટની કલમનો પણ ઉમેરો કરવા તજવીજ કરવામાં આવશે.

હત્‍યા બાદ વિષ્‍ણુભાઇનો મોબાઇલ ફોન ગાયબ હોઇ તેની તપાસ કરવાની છે, આરોપીના કપડા કબ્‍જે કરવાના છે? હત્‍યા બાદ ક્‍યાં કયાં ગયો? બીજુ કોઇ સામેલ છે કેમ? આ ઉપરાંત બીજી પુછતાછ કરવાની હોઇ ૧૪ દિવસના રિમાન્‍ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટએ ૮ દિવસના રિમાન્‍ડ મંજુર કરતાં ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી,  હેડકોન્‍સ. મશરીભાઇ ભેટારીયા, મયુરભાઇ મિયાત્રા, દિગપાલસિંહ જાડેજા, અજયભાઇ વિકમા, અરૂણભાઇ બાંભણીયા તથા કોન્‍સ.મહેશભાઇ ચાવડા, અંકિતભાઇ નિમાવત, હિરેનભાઇ સોલંકી, ભાવેશભાઇ ગઢવી અને હિતેષભાઇ અગ્રાવતે વધુ તપાસ યથાવત રાખી છે.

(6:52 pm IST)