Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

૭ પિસ્‍તોલ સાથે એમપીના રાજેશને સાયલા પોલીસે દબોચ્‍યોઃ રાજકોટમાં કોણે મંગાવ્‍યા'તા તેની તપાસ

એમપીથી રાજકોટમાં ગેરકાયદેસર હથીયાર સપ્‍લાય કરવાના કારસ્‍તાનનો વધુ એક વખત પર્દાફાશ : ૫૫ કાર્ટીસ, વધારાના ૧૨ મેગજીન પણ મળ્‍યાઃ હથીયારો મોકલનારા તરીકે મધ્‍યપ્રદેશના જગત સરદારનું નામ ખુલ્‍યું: રાજકોટમાં કોને આપવાના હતાં તે અંગે જગત ફોન કરવાનો હતોઃ પોતે પહેલી જ વખત આવ્‍યાનું રાજેશનું રટણ

પીએસઆઇ એચ. એમ. સોલંકી, એએસઆઇ નિતીનદાન ગઢવી, હેડકોન્‍સ. કુલદિપસિંહ અને કોન્‍સ. હરદેવસિંહની કામગીરી

રાજકોટ તા. ૨૯: સોરાષ્‍ટ્રમાં મોટે ભાગે ઝડપાતા ગેરકાયદેસર હથીયારોનું પગેરૂ મધ્‍યપ્રદેશ તરફ નીકળતું હોય છે. વધુ એક વખત આ વાત સાબિત થઇ છે. સાયલા પોલીસે મધ્‍યપ્રદેશના એક શખ્‍સને ૭ દેશી પિસ્‍તોલ, કાર્ટીસનો જથ્‍થો અને વધારાના મેગજીન સાથે દબોચી લઇ પુછતાછ કરતાં પોતે એમપીના શખ્‍સના કહેવાથી તેની પાસેથી હથીયાર-કાર્ટીસનો જથ્‍થો લઇ રાજકોટ સુધી પહોંચાડવા નીકળ્‍યાનું કબુલ્‍યું હતું. જો કે રાજકોટમાં આ જથ્‍થો કોને આપવાનો હતો? તે અંગે એમપીનો સપ્‍લાયર ફોન કરવાનો હોઇ પોતે રાજકોટમાં આ હથીયાર કોને આપવાના હતાં તે અંગે અજાણ હોવાનું રટણ કર્યુ છે. વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે.

સાયલા પોલીસની ટીમ સરપ્રાઇઝ વાહન ચેકીંગમાં હતી ત્‍યારે સાયલા સર્કલ પાસે અમદાવાદ તરફથી રાજોટ જઇ રહેલી ખાનગી બસને અટકાવી ચેકીંગ કરતાં એક મુસાફર શાંસ્‍પદ જણાતાં તેને સકંજામાં લઇ થેલો તપાસતાં અંદરથી ૭ નંગ દેશી પિસ્‍તોલ, ૫૫ જીવતા કાર્ટીસ અને ૧૨ વધારાના મેગજીન મળી આવતાં પોલીસ ચોંકી ગઇ હતી. તેને પકડી લઇ પુછતાછ કરતાં પોતાનું નામ રાજેશ સાલગભાઇ સેન (ઉ.૩૩-રહે. સિંધાના તા. મનવર જી. ધાર  મધ્‍યપ્રદેશ) જણાવ્‍યું હતું અને પોતે છુટક મજૂરી કરતો હોવાનું રટણ કર્યુ હતું.

હથીયારો કોના છે? ક્‍યાં પહોંચાડવાના હતાં? તે અંગે પુછતાછ થતાં તેણે એવું રટણ કર્યુ હતું કે અમુક રકમની લાલચમાં પોતે એમપીના જગત સરદાર કે જે પોતાના જ ગામનો છે તેની પાસેથી આ હથીયારો-કાર્ટીસ લઇને રાજકોટ પહોંચાડવા નીકળ્‍યો હતો. જો કે રાજકોટમાં આ હથીયાર કોને આપવા તે રાજકોટ પહોંચ્‍યા બાદ જગત સરદાર ફોન કરે એ પછી જે તે શખ્‍સને આપવાના હોવાનું પણ તેણે રટણ કર્યુ હતું.

પોલીસે ૧,૦૫,૦૦૦ની ૭ પિસ્‍તોલ, ૫૫ હજારના ૫૫ કાર્ટીસ અને ૨૪૦૦ના ૧૨ખાલી મેગજીન તથા મોબાઇલ મળી કુલ ૧,૧૬,૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. સુરેન્‍દ્રનગર પોલીસ અધિક્ષકશ્રી હરેશ દૂધાત, લીંબડી ડીવાયએસપી એચ. પી. દોશી, અને ઇન્‍ચાર્જ સીપીઆઇ જે. જે. જાડેજાની રાહબરીમાં સાયલા પીએસઆઇ એચ. એમ. સોલંકી, એએસઆઇ નિતીનદાન મોડદાન, હેડકોન્‍સ. કુલદિપસિંહ દિલીપસિંહ અને કોન્‍સ. હરદેવસિંહ બળવંતસિંહે આ કામગીરી કરી હતી. રિમાન્‍ડ મેળવાયા બાદ રાજેશની વિશેષ તપાસ માટે પગેરૂ એમપી અને રાજકોટ સુધી લંબાશે તેવી શક્‍યતા છે.

(11:38 am IST)