Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

રકત આપો, જીવન બચાવો રકતદાન મહાદાન

૧ ઓકટોબરઃ સ્‍વૈચ્‍છિક રકતદાન દિવસ : યુવાઓએ રકતદાન કરવા આગળ આવવું જરૂરી

દર વર્ષે ૧ ઓકટોબરનાં રોજ ‘સ્‍વૈચ્‍છિક રકતદાન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય લોકોને રકતદાન અંગે જાગૃત કરવાનો છે.લોકો સ્‍વેચ્‍છાએ બ્‍લડ ડોનેટ કરશે તો બ્‍લડ બેન્‍કમાં પર્યાપ્‍ત માત્રામાં બ્‍લડ ઉપલબ્‍ધ રહેશે, જેનાથી જરૂર પડવા પર દર્દીને સરળતાથી બ્‍લડ મળી શકે. રકતદાન કરવાથી કેટલાય લોકોને નવું જીવન આપી શકાય છે. દેશ-દુનિયામાં કેટલાય લોકો દરરોજ લોહીની ઉણપથી મૃત્‍યુ પામે છે. આ દિવસની ઉજવણીથી લોકોને સમજાવી શકાય છે કે રકતદાન કેટલું જરૂરી છે.

આજે દુનિયા ટેકનોલોજીની બાબતમાં ખૂબ જ આગળ નીકળી ગઇ છે. મેડિસીનની બાબતમાં પણ ઘણા બધા સંશોધનો થયા અને નવી નવી ટેકનોલોજીનો વિકાસ થયો છે. અદ્યતન સાધનોની મદદથી ઝડપી અને ખૂબ જ સારી રીતે સારવાર કરી શકાય છે. આ બધુ હોવા છતાં પણ હજુ સુધી કળત્રિમ રીતે લોહી બની શકયું નથી. એના માટે ઘણા બધા પ્રયત્‍નો થયા છે પણ હજું સુધી તેમાં સકળતા મળી નથી. તેના માટેનાં તમામ પ્રયત્‍નો વ્‍યર્થ સાબિત થયા છે. લોહીએ ફકત અને ફકત કોઇ રકતદાતા પાસેથી જ મેળવી શકાય છે અને આ કારણથી જ લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે.

 સામાન્‍ય રીતે લોકો બીજાની મદદ કરવાનાં હેતુથી રકતદાન કરતા હોય છે અને તેમનું એક વખતમાં કરેલું રકતદાન એ ૩ અન્‍ય લોકોનો જીવ બચાવી શકે છે. એક સર્વે અનુસાર મોટા ભાગનાં લોકો જેમણે રકતદાન નથી કર્યું હોતું તેમનો રકતદાન અંગે અભિપ્રાય એવો હોય છે એમને કયારેય રકત્તદાન વિશે વિચાર્યું જ નથી હોતું. આનો મતલબ એ કે સમાજમાં હજુ પણ રકતદાન અંગે જાગૃતિનો અભાવ છે. જો સમાજમાં રકતદાન પ્રત્‍યે જાગૃતિ ફેલાવવામાં આવે અને લોકોને રકતદાન અને તેની જરૂરિયાત તથા તેનાથી થતા ફાયદા વિશે સમજાવવામાં આવે તો એનાથી સમાજને ખૂબ જ મોટો ફાયદો થઇ શકે છે. આ બાબતે યુવાનોનું ધ્‍યાન કેન્‍દ્રીત કરવાની તાતી જરૂરિયાત છે. કારણ કે યુવાનો રકતદાન માટે સક્ષમ હોય છે પણ જાગૃતતાનાં અભાવે યુવાનોને રકતદાન માટે પ્રેરી શકાતા નથી. હાલમાં જુદી-જુદી બ્‍લડ બેન્‍ક દ્વારા કોલેજો અને મોટી શૈક્ષણિક સંસ્‍થાઓમાં રકતદાન શિબિર યોજી યુવાનોને રકતદાન માટે પ્રેરિત કરવામાં આવે છે. જે ખૂબ જ આવકારદાયક પગલું છે. જે લોકો રકતદાન કરવા માંગતા હોય તેમના લોહીનો સૌ પ્રથમ ટેસ્‍ટ કરવામાં આવે છે કારણ કે એ લોહી સુરક્ષિત છે કે નહિ તે ખૂબ જ અગત્‍યની બાબત છે. રકતદાન માટે મોટેભાગે શિબિરો યોજવામાં આવે છે અથવા બ્‍લડ બેન્‍કમાં જઇને રકતદાન કરાતું હોય છે.

 સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્‍મ દિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રકતદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્‍યુ છે. જે ખૂબ જ આવકાર્ય છે. આમ છતાં પણ સૌના સહિયારા પ્રયાસો હજુ ઓછા પડે છે. જેમાં વધારો થાય અને જરૂરી સમયે રકત ન મળવાથી કોઇનું પણ મૃત્‍યુ ન થાય તેવી પરિસ્‍થિંતિ સર્જાય તે જ આદર્શ સ્‍થિંતિ કહી શકાય.

મિતલ ખેતાણી, મો.૯૮૨૪૨ ૨૧૯૯૯

(12:17 pm IST)