Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ચેક રિટર્નના કેસમાં રાજકોટના લીલા પ્રિન્‍ટર્સનામાલીકને છ માસની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૩૦: રાજકોટના લીલા પ્રિન્‍ટર્સનાં માલિક એલ. કે. ચોટાઇને બીજા ચેક રીટર્નના કેસમાં છ માસની સજાનો હુકમ અદાલતે ફરમાવેલ હતો.

રાજકોટમાં એસ્‍ટ્રોન ચોકમાં આવેલ નચિકેતા ટ્રેડીંગ કંપનીનાં ભાગીદાર ધનજીભાઇ બેચરભાઇ કાવરએ લીલા પ્રિન્‍ટર્સનાં માલિક એલ. કે. ચોટાઇને રૂા. ૧૯,૪૦૦/- + ૧ર,૪૦૦/- ની રકમનો કાગળનો માલ વેચેલો અને તે માલની ચુકવણી પેટે લીલા પ્રિન્‍ટર્સનાં માલિક એલ. કે. ચોટાઇએ તેના પોતાના બે ચેક આપેલ એક ચેક આપતા સમયે આરોપીએ ફરીયાદીને વચન, વિશ્‍વાસ, પાકી ખાત્રી અને બાંહેધરી આપેલ કે તમો ફરિયાદી આ ચેક વટાવવા નાખશો એટલે તમારા બેંક ખાતામાં તમને તમારી લેણી રકમ વસુલ મળી જશે. આરોપીના કહેવા અનુસાર ફરિયાદી ધનજીભાઇ કાવરએ આરોપી દ્વારા આપવામાં આવેલ ચેક વટાવતાં તે ચેક પરત ફર્યા અંગેની જાણ આરોપીને કરેલ પરંતુ આરોપીએ તે અંગે કાંઇપણ પ્રત્‍યુતર આપેલ નહીં જેથી ફરિયાદી નચિકેતા સ્‍ટેશનરી કાું.ના ભાગીદાર ધનજીભાઇ કાવરએ આરોપી લીલા પ્રિન્‍ટર્સનાં માલિક એલ. કે. ચોટાઇને તેના વકીલ મારફત લીગલ નોટીસ આપેલ પરંતુ તેનો પણ આરોપી દ્વારા કોઇ પ્રત્‍યુતર આપવામાં આવેલ નહીં જેથી ફરિયાદી ધનજીભાઇ કાવરએ આરોપી લીલા પ્રિન્‍ટર્સનાં માલિક એલ. કે. ચોટાઇ વિરૂધ્‍ધ રાજકોટ કોર્ટમાં નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ ચેક પરત ફર્યા અંગેની ફરિયાદ કરેલ હતી.

કોર્ટે આરોપીને સમન્‍સ કાઢેલ અને આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટએ આ કામના આરોપી લીલા પ્રિન્‍ટર્સનાં માલિક એલ. કે. ચોટાઇને ૬ માસની સજા અને ચેકની રકમ ચૂકવવાનો હુકમ કરેલ અને વિશેષમાં જણાવેલ કે જો આરોપી હુકમમાં જણાવ્‍યા મુજબ ચેકની રકમ ન ચુકવે તો અન્‍ય વધુ એક માસની સજાનો હુકમ કરેલ. તેમજ આરોપી એલ. કે. ચોટાઇએ નચિકેતા સ્‍ટેશનરીના માલિક ફરીયાદી ધનજીભાઇ કવરને બે ચેક આપેલા તેમાં અગાઉ ૧૯,૪૦૦/- ની રકમના ચેકના કેસમાં પણ આરોપીને કોર્ટે ૧ વર્ષની સજા અને ચેક મુજબની રકમ ચુકવે તેવો હુકમ ફરમાવેલ અને વિશેષમાં કોર્ટે જણાવેલ કે આરોપી ચેકની રકમ એક માસમાં ન ચુકવે તો અન્‍ય વધુ છ માસની સજા કરવામાં આવશે.

ઉપરોકત કેસમાં ફરિયાદી નચિકેતા ટ્રેડીંગ કં.ના ભાગીદાર ધનજીભાઇ બેચરભાઇ કાવર વતી વકીલ તરીકે શશીકાંત એસ. શિંગાળા અને વિષ્‍ણુ નરેન્‍દ્ર બુધ્‍ધદેવ રોકાયેલ હતા.

(3:43 pm IST)