Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

સસ્‍તા અનાજના દુકાનદારો લડતના માર્ગેઃ અનાજમાં ઘટ તથા કમિશન મુદે ‘‘હલ્લાબોલ'' કાર્યક્રમ આપશેઃ મુખ્‍યમંત્રીને આવેદન

પુરવઠા મંત્રીને પણ રજુઆતઃ ગોડાઉન ઉપર કસૂરવાન ઠરનાર સામે કડક પગલાની ખાત્રી

રાજકોટ તા. ૩૧: રાજયભરના સસ્‍તા અનાજના દુકાનદારો આંદોલનના માર્ગે આવી ગયા છે સસ્‍તા અનાજના વેપારી ભાઇઓ દ્વારા ચાલતા બંને એસોસિએશન ઓલ ગુજરાત એફપીએસ એસોસીએશન તથા ગુજરાત ફેર પ્રાઇઝ શોપ્‍સ એન્‍ડ કેરોસીન લાઇસન્‍સ હોલ્‍ડર્સ એસોસીએશન દ્વારા નિમાયેલી હલ્લા બોલ કાર્યક્રમની કમીટી દ્વારા ગઇકાલે ગુજરાત રાજયના પુરવઠા પ્રધાન તથા મુખ્‍યમંત્રીશ્રીને રૂબરૂ મળીને દુકાનદારભાઇઓને પડતી હાલાકી વિરૂધ્‍ધ પોતાના આગામી કાર્યક્રમ માટે આવેદન આપવામાં આવ્‍યું હતું.

જેમાં ખાસ કરીને દુકાનદારોને ફાળવવામાં આવતો જથ્‍થો કે જેમાં અનાજ ચોરીને કારણે મોટી ઘટ આવે છે તેના વિરૂધ્‍ધ હલ્લા બોલ નામથી કાર્યક્રમ ચલાવવામાં આવનાર છે તેના વિશે તથા અગાઉના પડતર પ્રશ્નો તથા અતિ મહત્‍વના મિનિમમ કમીશન ર૦૦૦૦ રૂપિયાના પ્રશ્‍ન માટે રજુઆત કરવામાં આવી હતી.

ગઇકાલે સવારે ગાંધીનગર ખાતે મિટીંગ કરવામાં આવી હતી ત્‍યારબાદ કમીટીના બધા હાજર સભ્‍યો દ્વારા સ્‍વર્ણીમ સંકુલ ખાતે પુરવઠા શ્રી કુંવરજીભાઇ બાવળીયા તથા મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની મુલાકાત લીધી હતી. અને હલ્લા બોલ કાર્યક્રમ માટે આવેદન આપવામાં આવ્‍યું હતું તથા મુખ્‍ય સચિવને આવેદન આપી રજુઆતો કરાઇ હતી. આવેદન દેવામાં બન્‍ને એસોસીએશનના આગેવાનો-પ્રમુખ મહિપતસિંહ જાડેજા, બન્‍ને એસોસીએશનના મહામંત્રીઓ અલ્‍પેશભાઇ શાહ, રાજેન્‍દ્રસિંહ જાડેજા, વાડીલાલભાઇ પટેલ, રમેશભાઇ પરમાર, ભરતભાઇ બારોટ, પ્રવિણસિંહ વાઘેલા, હિતુભા જાડેજા, નરેશભાઇ ખખ્‍ખર, વિક્રમસિંહ ઝાલા, પરેશભાઇ પતીરા, જે. એમ. ચૌહાણ તથા કલ્‍પેશ દંતાણી સામેલ રહ્યા હતા.

પુરવઠા પ્રધાન શ્રી કુંવરજીભાઇ બાવળિયાને મળીને વેપારીઓના પ્રશ્‍નોની ચર્ચા કરી હતી તથા આવેદનપર આપ્‍યું હતું ત્‍યારે આ હલ્લાબોલ કાર્યક્રમ અંતર્ગત ગોડાઉન પર જે કોઇ અધિકારી-કર્મચારી કે એજન્‍સી કસુરવાર ઠરશે તો તેના પર કડક પગલા લેવામાં આવશે એવી બાંહેધરી આપી હતી.

રાજયનાં મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ સાથેની મુલાકાત વખતે ગોડાઉન ખાતેથી મળતા જથ્‍થામાંથી ચોરાઇ જતું અનાજ વિતરણ થતા પડતી ઘાટી જે અગાઉ એક ટકો મજરે મળતી હતી તથા મીનીમમ વીસ હજાર કમિશન માટે ચર્ચા કરવામાં આવી હતી., મુખ્‍યમંત્રીએ ઘટતું કરવાની ખાત્રી આપી હતી.

(4:47 pm IST)