Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ભુજના બ્રેઈનડેડ ગૃહિણીના અંગદાન થકી ચાર વ્યકિતઓને જીવનદાન

ભુજના પ્રીતિબેન મોરબિયા હવે ચાર વ્યક્તિમાં જીવશે, કે.કે. પટેલ હોસ્પિટલમાં ત્રીજું અંગદાન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧

 કચ્છ જિલ્લો હવે અંગદાનની જાગૃતિ થકી અન્ય વ્યક્તિઓ માટે જીવનદાતા બની રહ્યો છે. સમાજમાં હવે અંગદાનની સમજ વધી રહી છે તેની સાથે કચ્છ જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે સ્વનિર્ભર બનાવતી કે.કે. પટેલ સુપર સ્પેશિયલ હોસ્પિટલ જીવન દાતાના રૂપમાં માધ્યમ બની રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં લેઉવા પટેલ ટ્રસ્ટ સંચાલિત બે હોસ્પિટલોમાં અંગદનની ચાર ઘટનાઓ બની છે. જે પૈકી એમ.એમ.પી.જે. હોસ્પિટલમાં એક અને કે.કે. હોસ્પિટલમાં ત્રીજી અંગદાનની  ઘટના બની છે.

તા. 27/2/2023 ના જનરલ હોસ્પિટલ નજીક બાઇક અકસ્માતમાં ભુજના પ્રીતિબેન દિપકભાઈ મોરબિયા (ઉ. વ. 57 ) ઘવાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ અને મગજમાં હેમરજ હોતાં રાજકોટ વધુ સારવાર માટે લઈ જવાયા હતા. ઈજા વધુ ગંભીર હોઈ તાત્કાલિક રિકવરી જોવા મળી નહોતી તેથી તેમને પરત ભુજ લાવી કેકે પટેલ સુપર સ્પેશિયલ હોસ્પિટલ માં સારવાર અપાઈ રહી હતી. અહીં જાણીતા ન્યુરો સર્જન ડૉ. તારક ખત્રી, ક્રિટીકલ તબીબ ડૉ. ઋગવેદ ઠક્કર , ન્યૂરો ફિઝિશિયન ડૉ. વચન મહેતા સારવાર આપી રહ્યા હતા.  દરમ્યાન દર્દી  બ્રેઈન ડેડ થતાં પારિવારિક મિત્ર અને જાણીતા સમાજ સેવક ડૉ. મુકેશ ચંદે એ પરિવારને હકીકત સમજાવી પરોપકારના સીમાચિન્હ રૂપ અંતિમ અને અમૂલ્યદાન માટે સહમત કર્યા બાદ અંગદાનનું કાર્ય કરતા દિલીપ દેશમુખનો સંપર્ક કર્યો હતો. અને કચ્છ ચોથી વિરલ ઘટનાનું સાક્ષી દાતા બન્યું હતું. અને કચ્છી લેવા પટેલ સમાજ ભુજ આ મહાકાર્યનું યશાધિકારી બન્યું હતું અને માનવતાના કાર્યનું માધ્યમ બન્યું હતું. ફાગણ સુદ નવમી શ્રેષ્ઠ વિદાયની ક્ષણ નિર્ધારાઈ હતી મંગળવાર સાંજે ભારે હૃદયે પરિવારે પોતાના આધાર સ્તંભ એવા મહિલા સભ્યને વિદાય આપી ચાર વ્યક્તિઓને જીવન આપવાના સંતોષ સાથે કાયમ માટે અલવિદા કહી હતી. જિલ્લા કલેકટર દિલીપ રાણા પરિવારના આ નિર્ણયને પ્રેરક બનતાં ઉપસ્થિત રહી આવી સ્થિતિમાં દેહદાન માટે જન માનસ ઘડવા સ્વજનો ના પ્રયાસને યોગ્ય લેખાવી જીવનદાતા સદગતને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અંગ સર્જરી કેકે ના  ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. ભાવિન દત્ત સાથે સોટોની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. સરકારી શ્રેયાન ક્રમે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની રિસર્ચ ના ડૉ. પ્રોજલ મોદી તથા તેમની ટીમે લીવર , બે કિડની નું દાન સ્વીકાર્યું હતું. અમદાવાદ સિમ્સ અને લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ઇમરજન્સી ફલાઇટ દ્વારા અને ભુજ તથા અમદાવાદમાં ગ્રીન કોરિડોર રચી આ અંગની જેને વર્ષોથી જરૂરત હતી તે દર્દીઓના અંગમાં અમદાવાદ ખાતે પ્રત્યારોપિત કરાયા હતા. અને ચાર ચાર વ્યકિતઓના નવજીવન ની આશા જાગી હતી એમના પરિવારજનોએ પ્રીતિબેન તથા એમના પરિવારના મહાત્યાગ બદલ ભીની આંખે અહોભાવ સંવેદના વ્યક્ત કરી વંદના કરી હતી. જિલ્લાના પોલીસ તેમજ વહીવટી તંત્રે સહયોગ આપ્યો હતો. સમગ્ર પ્રક્રિયામાં ડૉ. નિલેશ ગોસ્વામી, નિશિત રાજ્યગુરુ , તેજેન્દ્ર રામાણી , ભવ્ય ચૌહાણ, જયદત્ત ટેકાણી, તેજસ નકુમ સહયોગી રહ્યા હતા. 

અંગદાન માટે  કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ માવજીભાઈ ગોરસિયા , ઉપાધ્યક્ષ કેશરાભાઈ પિંડોરિયા, ધનસુખભાઈ ભીખાલાલ સિયાણી , પ્રદીપ ભિંગરાડીયા, કેતન પરીખ , ચિંતન મહેતા સહિતની ટીમે પરિવારના સંકલ્પને સાકાર કરવા સહયોગ આપ્યો હતો અને ડૉ. મુકેશ ચંદેની ભાવનાને બિરદાવી મેડિકલ જગતમાં આવા પ્રયાસોને વધુ ઘટ્ટ બનાવવાની લાગણી વ્યક્ત કરી હતી. પરિવારના સભ્યો, જીવનનું સર્વોચ્ચ દાન આપનાર સદગત પ્રીતિબેનના પતિ દીપક મોરબિયા તેમના બંને પુત્રો આખરી વિદાય સમયે પૂજન પુષ્પ અર્પણ કર્યા હતા. હોસ્પિટલના સમગ્ર સ્ટાફે અંજલિ અર્પી હતી એક ભાવનાત્મક વાતાવરણ વચ્ચે મૌન પાળી આખરી વિદાય અપાઇ હતી.

(10:20 am IST)