Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ટીંબી પાસે અકસ્‍માતમાં ભાવનગર જીલ્લા કોળી સેના યુવા પ્રમુખ રાકેશ બારૈયાનું મોત

સ્‍ટિયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર તળાવમાં ખાબકતા દુર્ઘટના

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧ : ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામ નજીક કાર અકસ્‍માતની ઘટનામાં કોળી સેનાના ભાવનગર જિલ્લા યુવા પ્રમુખનું મોત થતા કોળી સમાજના આગેવાનો ટીંબી દોડી ગયા હતા.આ બનાવના પગલે કોળી સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લા કોળી સેનાના યુવા પ્રમુખ રાકેશભાઈ બારૈયા ( રહે. બાબુબેનની વાડી, કુંભારવાડા, ભાવનગર) ઉમરાળા તાલુકાના ટીંબી ગામ નજીક કાર લઈને જઈ રહ્યા હતા ત્‍યારે કોઈ કારણોસર સ્‍ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઇડમાં આવેલ તળાવમાં ખાબકી હતી.અકસ્‍માતની આ ઘટનામાંᅠ રાકેશભાઈ બારૈયાને ગંભીર ઇજા થતાં તેમનું બનાવ સ્‍થળે જ મોત નીપજયું હતું. જયારે કારને પણ સારું એવું નુકસાન થયું હતું.

આ બનાવની જાણ થતા કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ જાંબુચા સહિતના આગેવાનો તેમજ ટીંબી, ઉમરાળાના કોળી સમાજના આગેવાનો ટીંબી દોડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસ કાફલો પણ બનાવ સ્‍થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. કોળી સેનાના યુવા પ્રમુખનું અકસ્‍માતમાં મૃત્‍યુ થતા કોળી સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

(10:49 am IST)