Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

બુધવારે દ્વારકાધીશ ભગવાનના સાનિધ્‍યમાં ફૂલડોલ ઉત્‍સવ

અનેક ભાવિકો પગપાળા દ્વારકા તરફ રવાના : વહિવટી તંત્ર દ્વારા ભાવિકોની સુવિધા માટે આયોજન

(વિનુભાઇ સામાણી - કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા - દ્વારકા તા. ૧ : દ્વારકાધીશ ભગવાનના સાનિધ્‍યમાં ફુલડોલ ઉત્‍સવ ઉજવાશે અને પગપાળા જતા ભાવિકો દ્વારકા તરફ રવાના થયા છે.

આગામી તા. ૮-૩-૨૦૨૩ને બુધવાર ફાગણ વદ ૧ (એકમ)ના દિવસે શ્રી દ્વારકાધીશ મંદિરમાં ‘ફૂલડોલ ઉત્‍સવ' ઉજવવામાં આવશે.

જેમાં તા. ૭ ને મંગળવારે મંગલા આરતી ૬ કલાકે, અનોસર (મંદિર બંધ) બપોરે ૧ કલાકે, બપોરે ૧ થી ૫ મંદિર બંધ, સાંજે નિત્‍યક્રમ મુજબ તથા તા. ૮ને બુધવાર શ્રીજીની મંગળા આરતી સવારે ૬.૩૦ કલાકે, અનોસર (મંદિર બંધ) બપોરે ૧ કલાકે, ઉત્‍સવ આરતી બપોરે ૨ કલાકે, ઉત્‍સવ દર્શન બપોરે ૨ થી ૩ કલાક સુધી, બપોરે ૩ થી ૫ મંદિર બંધ, સાંજે નિત્‍યક્રમ મુજબ યોજાશે. તેમ વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને પ્રાંત અધિકારી દ્વારકાએ જણાવ્‍યું છે.

પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગનાઓના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષકશ્રીની અધ્‍યક્ષતામાં તથા ના.પો.અધિ.શ્રી ખંભાળિયા વિભાગ, ના.પો.અધી.શ્રી એચ.ક્‍યુ. ના.પો.અધિ.શ્રી મંદિર સુરક્ષા અને જીલ્લાના તમામ અધિકારીની હાજરીમાં, આવનાર હોળી - ધુળેટી તહેવારમાં અત્રેના દ્વારકાધીશ જગત મંદિર ખાતેના ફુલડોલ ઉત્‍સવની તૈયારી બાબતની સમીક્ષા માટે મીટીંગ કરવામાં આવેલ.જેમાં યાત્રાળુઓને સુરક્ષા તથા સલામતી માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે.

ફૂલડોલ ઉત્‍સવમાં જિલા પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી/એસ.આર.ડી.તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો મળી કુલ - ૧૫૦૦ પોલીસ બંદોબસ્‍તમાં ફાળવેલ છે.  એલ.સી.બી.એસ.ઓ.જી. તથા સ્‍થાનિક પોલીસની ટીમો બનાવી ચિલઝડપ, ખીસ્‍સા કાતરૂ, મોબાઈલ ચોરી, સામાન ચોરી વગેરે ગુન્‍હા બનતા રોકવા તથા યાત્રાળુઓની સલામતી માટે હાજર રહેશે. વિવિધ ટીમો દ્વારા વૃદ્ધ તથા બાળકોને જરૂરી મદદ તથા શાંતિ પૂર્ણ ભગવાન નાં દર્શન કરાવવામાં મદદ કરશે. ગુજરાત પોલીસ દ્વારા ઉપયોગમા લેવાતી વિવિધ ટેકનોલોજી જેમકે ડ્રોન કેમેરા, બોડી ફોર્ન કેમેરા, વિશ્વાસ પ્રોજેક્‍ટનાં કેમેરા, વગેરે થી ૨૪/૭ લાઈવ સર્વેલેન્‍સ કરવામાં આવશે. ગુજરાત પોલીસની પોકેટ કોપ મોબાઈલ એપ તથા ફેસ ટેગર જેવી વિવિધ એપ દ્વારા ગુનેગારો પર નજર રાખવામાં આવશે. પેટ્રોલીંગ માટે વિવિધ ટીમો બનાવી ૨૪/૭ હાઇવે પેટ્રોલીંગ તથા પદયાત્રીને મદદ કરવામાં આવશે.

પદયાત્રીનાં સામાન પર રીફલેકટર પટ્ટી લગાવી રાત્રી દરમિયાન અકસ્‍માતથી બચાવની કામગીરી માટે ટ્રાફિક પોલીસની ટીમો બનાવી કામગીરી કરવામાં આવશે. પદયાત્રામાં જતા શ્રદ્ધાળુને મદદ માટે જિલ્લા પોલીસ દ્વારા કેમ્‍પનું આયોજન કરવામાં આવશે

(12:41 pm IST)