Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

જામનગરમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળી

 જામનગર,તા.૧ :  જામનગર જિલ્લા કલેકટર   ડૉ. સૌરભ પારઘીના અધ્‍યક્ષ સ્‍થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બેઠકમાં જિલ્લા કક્ષાએ આઈ. રેડ. પ્રોજેક્‍ટ સંબંધિત કામગીરી કરતા એન.આઈ.સી. ના પ્રતિનિધિનો સમિતિમાં સભ્‍ય તરીકે નિમણુંક કરાઈ હતી. બેઠકમાં પરિવહનમાં માર્ગ સલામતી કયા પ્રકારે સુનિતિ કરવી જેથી કરીને અકસ્‍માતો ઓછા થાય, બ્‍લેક સ્‍પોટ આઇડેન્‍ટીફિકેશન, પ્રવાસન સ્‍થળોની ચકાસણી કરવી જેવા મુદ્દાઓ પર ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.

 બેઠકમાં સમિતિના સદસ્‍યોએ સૂચન કરતા જણાવ્‍યું હતું કે, લાલપુર અને ઠેબા ચોકડી આગળ વારંવાર થતા ગંભીર ટ્રાફિક જામને અટકાવવા માટે વૈકલ્‍પિક રસ્‍તાને મંજૂરી આપવામાં આવે. તેમજ બેડી પોર્ટમાં ઓવરલોડ વાહનોની સમસ્‍યા નિવારવા માટે દરરોજ સહિત મેઈન્‍ટેઈન કરશે, અને સામાનનું વજન ચેક કરવું. ગુડ સમરિટન એવોર્ડ યોજના વધુ કાર્યરત બનાવવી, ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ વિષયનો આ સમિતિમાં કાયમી મુદ્દા તરીકે સમાવેશ કરવો તેમજ ધ્રોલ-ખીજડીયા માર્ગ પર અકસ્‍માતો નિવારવા રીફલેકટર અને રેડિયમ લગાવવા સહિતની બાબતે સૂચનો થયા બાદ વિસ્‍તારપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ જરૂરી સુચનોનું સત્‍વરે અમલીકરણ થાય તે દિશામાં કામગીરી- આયોજન હાથ ધરવામાં આવ્‍યું હતું.

 ઉપરોક્‍ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. હારુન ભાયા, જામનગર વાહન વ્‍યવહાર કોર્પોરેશન વિભાગીય નિયામક, પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, પપ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરી સ્‍ટાફ તેમજ સમિતિના અન્‍ય સદસ્‍યશ્રીઓ હાજર રહ્યા હતા.

(1:38 pm IST)