Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મહેસુલી કામગીરીની પ્રગતિમાં સમગ્ર રાજયમાં જુનાગઢ જિલ્લો ટોચના સ્‍થાને યથાવત

ડિસ્‍ટ્રીકટ સ્‍કોરિંગ મેટ્રિકસના ઓવરઓલ રેન્‍કિંગમાં ૯૮.૮૦ ટકા સાથે જુનાગઢ જિલ્લો પ્રથમ ક્રમે : કલેકટર રચિત રાજનો પ્રજાલક્ષી કામનો પરિશ્રમ પરિણામમાં પરિવર્તિત થયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧:   મહેસુલી કામગીરીને પ્રગતિને આંકતા ડિસ્‍ટ્રિક્‍ટ સ્‍કોરિંગ મેટ્રિક્‍સના જાન્‍યુઆરી માસના જાહેર થયેલા આંકડા મુજબ જૂનાગઢ જિલ્લાએ સમગ્ર રાજ્‍યમાં ૯૮.૮૦ટકા સાથે ટોચનું સ્‍થાન હાંસલ કર્યું છે. આમ, કલેકટર રચિત રાજનો પ્રજાલક્ષી કામ માટેનો પરિશ્રમ પરિણામમાં પરિવર્તિત થતો જોવા મળી રહ્યો છે.

      ઉલ્લેખનીય છે કે, કલેક્‍ટર રચિત રાજે પડતર પ્રશ્‍નો સહિતના તુમારના નિકાલ માટે તબક્કાવાર અધિકારીઓ સાથે બેઠક યોજી, જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.  સાથે જુદા-જુદા મહેસૂલી પ્રશ્‍નોનું નિરાકરણ લાવવા માટે સતત ફોલોઅપ કરવામાં આવ્‍યું હતું. આમ, કલેક્‍ટર કચેરી અને સમગ્ર જિલ્લાની પ્રાંત ઓફિસો તથા મામલતદાર કચેરીઓ હેઠળ નોંધપાત્ર થયેલ મહેસૂલી કામગીરીના આધારે જૂનાગઢ જીલ્લો ટોચના સ્‍થાને યથાવત છે.

     ઉલ્લેખનીય છે કે, ડિસ્‍ટ્રીક્‍ટ સ્‍કોરિંગ મેટ્રિક્‍સ સ્‍કોર iORA મારફત બિન ખેતી વિગેરે, અરજીઓનો નિકાલ ,iRCMS  મારફત કેસોનું મોનીટરીંગ, ઈ-ધરા, ઈ-સેવા, જનસેવા કેન્‍દ્ર, સ્‍ટેમ્‍પ ડ્‍યુટી, પડતર કેસોનો નિકાલ, દફતર તપાસણી, જમીન સંપાદન સહિતના કામોમાં પ્રગતિના આધારે તૈયાર કરવામાં આવે છે.

    ડિસ્‍ટ્રીક્‍ટ સ્‍કોરિંગ મેટ્રિક્‍સ સ્‍કોર જિલ્લાની મહેસૂલી કામગીરીની પ્રગતિ દર્શાવે છે. જે મહેસૂલી સહિતની જુદા-જુદી કામગીરીના માપદંડોના આધારે નક્કી કરવામાં આવે છે. જેથી સમગ્ર રાજ્‍યના દરેક જિલ્લાના  મહેસૂલી કામગીરીનો ચિતાર મેળવી શકાય.

(2:46 pm IST)