Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

અમરેલી જિલ્લાને ભેટ : રૂા.ર૦ કરોડના ખર્ચે જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર બનશે

અમરેલી,તા.૧: રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિને જ રાજ્‍ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને મોટી ભેટ આપવામાં આવી છે. અમરેલીમાં સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા આગામી દિવસોમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રનું નિર્માણ કરવામાં આવશે. રૂા.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ અત્‍યાધુનિક કેન્‍દ્ર માટે જરુરી જમીન ફાળવવાનો હુકમ જિલ્લા કલેક્‍ટરશ્રી દ્વારા કરવામાં આવ્‍યો છે. વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગ હેઠળની ગુજરાત કાઉન્‍સિલ ઓન સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી દ્વારા આ માટે જિલ્લા કલેક્‍ટરશ્રી પાસે જમીનની માંગણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્‍ટરશ્રી દ્વારા જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રના આયોજનને અનુરુપ સરકારી જમીનની ફાળવણી કરવામાં આવી છે. અમરેલી શહેરની ભાગોળે આવેલા માંગવાપાળ ખાતે આ જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર નિર્માણ પામશે. જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રના નિર્માણ માટે ૮,૦૯૪ ચો.મી. જમીન ફાળવવાનો હુકમ રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિને જ કરવામાં આવતા અમરેલી જિલ્લાને મોટી ભેટ મળી છે. આ કેન્‍દ્રનું નિર્માણ થતા અમરેલી શહેર અને જિલ્લામાં વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીને લગતી પ્રવળત્તિઓને વેગ મળશે. આ સૂચિત જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રમાં સ્‍ટેમ ગેલેરી, ઓડિટોરીયમ, મીની ૩-ડી થિયેટર, સાયન્‍સ પાર્ક સહિતની અત્‍યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્‍ધ રહેશે.

આ કેન્‍દ્રમાં પ્રદર્શનો, શિબિરો, વિજ્ઞાનને લગતા પ્રવચનો, તેમજ અન્‍ય  પ્રવળત્તિઓ કરવામાં આવશે. મહત્‍વનું છે કે, આ જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રનો લાભ વિદ્યાર્થીઓ, નાગરિકો અને અમરેલીની વિજ્ઞાન પ્રિય જનતાને થશે. ઉલ્લેખનીય છે કે, સરકારશ્રી દ્વારા  વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં ૨૫ જિલ્લામાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રના નિર્માણ માટે જોગવાઈ કરવામાં આવી હતી, જેના ભાગરુપે અમરેલી જિલ્લામાં પણ આ કેન્‍દ્રનું નિર્માણ થશે.

(2:04 pm IST)