Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મોરબીના સિરામિક પ્લાઝા અને શક્તિ ચેમ્બરને નીશાન બનાવનાર તસ્કર એક દિવસના રિમાન્ડ ઉપર.

દિવસે રેકી કર્યા બાદ મોટા શોપિંગ છતાં સિક્યુરિટી ન હોવાથી ચોરી કરવી આસાન બની

મોરબીના સિરામીક પ્લાઝા અને શક્તિ ચેમ્બર કોમર્શિયલ બિલ્ડિંગમાં એક સાથે 100 જેટલી દુકાનોના શટર ઉંચકી સામુહિક ચોરીને અંજામ આપનાર મધ્યપ્રદેશના તસ્કરને સીટી બી ડિવિઝન પોલીસ અને જીઆરડી જવાન દ્વારા ગણતરીના દિવસોમાં જ દબોચી લીધો હતો અને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ સિરામિક પ્લાઝા 1 અને 2માં 50 જેટલી ઓફિસો – દુકાનો અને બાદમાં શક્તિ ચેમ્બરમાં આવેલી 50થી વધુ ઓફિસો અને દુકાનોને નિશાન બનાવી તસ્કર દ્વારા ચોરી કરી મોરબી પોલીસને પડકાર ફેકતા ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશો છૂટ્યા હતા. બીજી તરફ સીટી બી ડિવિઝન પીઆઇ દેકાવડિયા અને તેમની ટિમ દ્વારા પડકારજનક ચોરીના આ બન્ને બનાવમાં હ્યુમન સોર્સીસ અને ટેક્નિકલ ટીમને કામે લગાડી હતી.
દરમિયાન ગતરાત્રીના મોરબી સીટી બી ડિવિઝન પીઆઇની આગેવાનીમાં પેટ્રોલિંગમાં રહેલ પોલીસ સ્ટાફના વિજયભાઈ ચાવડા, યોગેશભાઈ ગઢવી, ભગવાનજીભાઈ તેમજ જીઆરડી જવાન નિખિલ ઠક્કરને સચોટ બાતમી મળી હતી કે, આ ચોરીને અંજામ આપનાર શખ્સ મધ્યપ્રદેશનો રહેવાસી અમિત શેરસિંહ રાવત છે જે રખડતી ભટકતી હાલતમાં મળી આવતા પોલીસ ટીમે તેને દબોચી લીધો હતો. આ મામલે સીટી બી ડિવિઝન પીઆઇ દેકેવાડીયાએ જણાવ્યું હતું કે, આરોપી અમિત શેરસિંહ રાવત મધ્યપ્રદેશના સાગર જિલ્લાનો રહેવાસી છે, એક વર્ષ અગાઉ આરોપી અમિત શેરસિંહ રાવત મોરબીમાં અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતો હતો અને તાજેતરમાં જ ફરી મોરબી આવ્યો હતો અને રખડતું ભટકતું જીવન ગાળી આ બન્ને ચોરીને અંજામ આપ્યો હોવાનું તેમને ઉમેરી મુખ્યત્વે આ શખ્સ એક તાળું માર્યું હોય તેવા શટરને ઉંચકાવી બાદમાં શટર નીચે પથ્થર ભરાવી દુકાનમાં ઘુસી ચોરીને અંજામ આપતો હોવાનું જણાવ્યું હતું.

ડીવાયએસપી ઝાલાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આરોપી મૂળ મધ્યપ્રદેશનો વતની અને મોરબીમાં અગાઉ ઘુંટુ રોડ ઉપર આવેલ એકોર્ડ સીરામીક ફેકટરીમાં મજૂરી કામ કરતો હતો ત્યારપછી ચોરીના રવાડે ચડ્યો હતો અને આ શખ્સ મોટાભાગે દિવસમાં હાઇવે પરના મોટા શોપિંગોની રેકી કરી સંપૂર્ણ વિગતો મેળવીને રાત્રે ત્રાટકતો હતો. જેમાં એક બાજુ શટરમાં તાળું હોય અને બીજી બાજુ ખુલ્લું હોય તેવી દુકાનોને નિશાન બનાવતો હતો.જેમાં બહુ મોટી સંખ્યામાં સીરામીક ટ્રેડર્સની ઓફિસો ધરાવતા સીરામીક પ્લાઝામાં સિક્યુરિટી ગાર્ડ ન હોય તેમજ ઘણી ઓફિસોમાં એકબાજુ શટરમાં તાળું હોય એવી સંખ્યાબંધ સીરામીક ટ્રેડર્સની ઓફિસોમાં જે બાજુ તાળું ન હોય ત્યાં લોખડના સળિયા, કૉસ તેમજ પથરર અને ઇટ મારી શટર ઊંચકીને ચોરી કરી હતી. હાલ આરોપી પાસે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

  જો કે પોલીસે આ ઘટનાથી સીરામીક શોપિંગ સહિત ઘણા મોટા શોપિંગમાં ચોરીના બનાવો અટકાવવા માટે જે તે માલિકોને સિક્યુરિટી ગાર્ડ મુકવા તેમજ તમામ ઉધોગકારોને તેમના એકમોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોની સંપૂર્ણ વિગતો સિક્યોર મોરબી એપ્લિકેશનમાં આપવાની અપીલ કરી છે

(10:51 pm IST)