Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

જસદણનાં પાંચવડા ગામે કોરોના બોમ્બ ફુટયાની અફવાએ તંત્રને દોડાવ્યું: તપાસ બાદ એક પોઝીટીવ આવતા રાહત

સ્થાનિક આગેવાને સમજયા વગર કલેકટર, જીલ્લા આરોગ્ય અધિકારી સહિતનાઓને રજુઆત કરતા સ્થાનિક તંત્ર પાંચવડા દોડી ગયું: આગેવાનોએ ખોટી રજુઆત કરતા લોકોમાં ચર્ચા

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. રઃ જસદણ તાલુકાના આટકોટ તાબાનાં પાંચવડા ગામે સ્થાનિક આગેવાન દ્વારા ૪૦ થી પ૦ લોકોને કોરોના હોવાની રજુઆત કરતાં સ્થાનિક તંત્ર દોડતું થયું હતું પરંતુ અનેક લોકોનાં કોરોના ટેસ્ટ કરાયા બાદ માત્ર એક વ્યકિતને કોરોનાં પોઝીટીવ આવતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો જો કે બપોર પછી આ અફવાએ ભારે ચર્ચા જગાવી હતી.

જસદણ તાલુકાનાં પાંચવડા ગામનાં ભાજપનાં આગેવાન મધુ ટાઢાણીએ તંત્રને જાણ કરી હતી કે પાંચવડામાં અનેક લોકોને કોરોના હોય તમે યોગ્ય તપાસ ન કરતા હોય તાત્કાલિક પાંચવડા આવી તપાસ કરવા રજુઆત કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને જસદણ ટી.ડી.ઓ., તાલુકા હેલ્થ ઓફિસર ડો. રામ, આટકોટ આરોગ્ય કેન્દ્રમાં ડો. હેતલબેન તેમજ આરોગ્યની જુદી-જુદી ટીમો લઇ પાંચવડા દોડી ગયા હતાં.

ત્યાં જેમને તકલીફ હતી તેવા લોકોના ટેસ્ટીંગ કરતા માત્ર એકને પોઝીટીવ આવતા તંત્રએ તેમજ ગામ-લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ અંગે ભાજપના સ્થાનિક આગેવાન મધુ ટાઢાણીનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ગામમાં અનેક લોકોને શરદી અને તાવના લક્ષણો જણાયા હોય મેં સ્થાનિક આરોગ્યની ટીમને પાંચવડા આવી તપાસ કરવાનું કહેતા યોગ્ય કાર્યવાહી ન થઇ હોય કલેકટરશ્રી, જીલ્લા આરોગ્ય અધિકારી સહિતનાઓને જાણ કર્યા બાદ સ્થાનિક આરોગ્યની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ પાંચવડા આવી તપાસ હાથ ધરી હતી પરંતુ તપાસમાં માત્ર એક વ્યકિત કોરોના પોઝીટીવ આવ્યા હતાં.

બપોર પછી પાંચવડામાં કોરોનાં બોમ્બ ફુટયો હતો અને ૪૦ થી પ૦ વ્યકિતને કોરોના પોઝીટીવ આવ્યા હોવાની અફવાએ લોકોમાં ભારે ભય ફેલાયો હતો પરંતુ તપાસમાં કંઇજ ન નિકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સ્થાનિક તંત્રનાં ઉચ્ચ અધિકારીઓએ લોકોને અપીલ કરી અફવાઓમાં ન જોડાવા અપીલ કરી છે અને સ્થાનિક આગેવાનોએ પણ સમજી-વિચારી રજાુઆતો કરવા લોકોમાં ચર્ચા જાગી છે.

(11:54 am IST)