Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

પોરબંદરમાં ખારવા સમાજની માગણી મુજબના સ્થળે નવુ બંદર બનાવવા વિજયભાઇ રૂપાણીનું આશ્વાસાન

ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ ખુદાઇ અને બાબુભાઇ બોખીરીયાની આગેવાની હેઠળ મુૂખ્યમંત્રીને ગાંધીનગરમા રૂબરૂ રજુઆતઃ ડ્રેજીંગ બોટ પાર્કિંગ સહિત મત્સ્યોદ્યોગના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર : ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ ખુદાઇ અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરયાની આગેવાની હેઠળ ખારવા જ્ઞાતિના આગેવાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળીને મત્સ્યોદ્યોગના વિવિધ પ્રશ્ને ચર્ચા કરી હતી. વિજયભાઇ રૂપાણીએ ખારવા સમાજની માગણી મુજબના સ્થળે જ નવુ બંદર બનાવવા ખાતરી આપી હતી.

માછીમારો માટે નવુ ફીશીંગ હાર્બર બનાવવા માટે પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પ્રેમીજભાઇ ખુદાઇ તેમજ પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરયાની આગેવાનીમાં પોરબંદર ફેઇઝ-ર સુભાષનગરના ખદરપીરની પાછળ બનાવવા માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજુઆતો કરવામાં આવેલ હતી તેમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી. જેમા મુખ્યમંત્રીએ માછીમારો માટે કુછડી ગામે ફેઇઝ-ર બનાવવાનું હતું તે રદ કરી અને માછીમારોને અનુકુળ જગ્યા ઉપર બંદર બનાવી દેવા માટે ખાત્રી આપેલ હતી. તેમની સાથે જુના બંદરને લગતી જગ્યા માપલાવાડી બાપા સિતારામ વિસ્તારમાં તાત્કાલીક ધોરણે ડ્રેજીંગ કામ કરાવી અને બોટો પાર્કિંગ માટે હાલના ધોરણે માછીમારોની સમસ્યા હલ કરવા માટે તેમજ માછીમારોના પ્રશ્નોને ધ્યાનમાં લઇને ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને ફીશરીઝ વિભાગન ટીમને માપલાવાડી બાપા સિતારામ વિસ્તાર વાળી જગ્યામાં નિરીક્ષણ કરવા માટે ખાત્રી આપેલ હતી.

આ બાબતોને ધ્યાનમાં લઇ પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઇ ખુદાઇ સાથે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, પોરબંદર-છાંયા સંયુકત નગરપાલીકાના પ્રમુખ સરજુભાઇ કારીયા, પોરબંદર ભાજપ શહેર મહામંત્રી અશોકભાઇ મોઢા, ખારવા સમાજના ટ્રસ્ટી અશ્વિનભાઇ  એમ.જુગી પટેલ મનિષભાઇ શિયાળ (નગરપાલીકા કાઉન્સીલર), માછીમાર આગેવાન માવજીભાઇ જુંગી માછીમાર બોટ એસો.ના ઉપપ્રમુખ રાજુભાઇ બાદરશાહી, એડવાઇઝર મુકેશભાઇ પાંજરી, તેમજ માછીમારો પ્રેમજીભાઇ વાંદરીયા (જલાભાઇ), જયેશભાઇ શેરાજી, મોહનભાઇ કોટીયા, આ તમામ આગેવાનોએ સાથે રહી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઓફીસમા બેસી રજુઆત કરેલ હતી.

(12:53 pm IST)