Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

જામનગરના રમતવીર જામ રણજીતસિંહજીની પુણ્યતિથી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨: સૌરાષ્ટ્રના અને એમાંય ખાસ કરીને જામનગરના રાજવીઓ ક્રિકેટની રમતના પ્રોત્સાહક રહ્યા છે. જામ રણજીતસિંહજી તો પોતે પણ ખૂબ સારા ક્રિકેટર હતા. આજે તા.૨ એપ્રિલનાં તેમની પુણ્યતિથી છે.

ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમ પર મદ્રાસ અને મૈસુરની ટીમ વચ્ચે ૪ નવેમ્બર ૧૯૩૪એ રણજી ટ્રોફીની પ્રથમ મેચ રમાઇ હતી. રણજી ટ્રોફીનું શરૂઆતનું નામ 'ક્રિકેટ ચેમ્પિયનશીપ ઓફ ઇન્ડિયા' હતું. પછીથી તેનું નામ મહારાજા રણજીતસિંહજીના નામ પર રાખવામાં આવ્યુ. જામ સાહેબના નામે ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં ૨૪,૯૬૨ રન છે, આ દરમિયાન તેમણે ૭૨ સદી અને ૧૪ બેવડી સદી ફટકારી છે. જોકે, રણજીતસિંહજી ભારત માટે કયારેય ક્રિકેટ નથી રમ્યા.

આજે એમને યાદ કરવાનું કારણ એ કે, જામનગરને 'સૌરાષ્ટ્ર પેરિસ' નું બિરુદ અપાવવામાં મહત્વનું યોગદાન આપનાર શહેરની સંખ્યાબંધ ઇમારતો જેમના કાર્યકાળમાં નિર્માણ પામી છે એવા જામ રણજીની આજે પુણ્યતિથી છે.

૧૧ માર્ચ ૧૯૦૭માં રણજીતસિંહજી જામનગરની રાજગાદી પર આવ્યા, તેઓનો પ્રાથમિક અભ્યાસ રાજકોટની રાજકુમાર કોલેજથી શરૂ થયો હતો અને વધુ અભ્યાસ માટે તે કેમ્બ્રિજની ટ્રીનીટી કોલેજમાં જોડાયા હતા. જામ રણજીએ ૧૯૩૦માં ગોળમેજી પરિષદમાં રાજાઓના પ્રતિનિધિ તરીકે ભાગ લીધેલો. તેમણે કુલ ૨૬ વર્ષ સુધી રાજય ભોગવ્યું હતું. તેઓ જામનગરના ઈતિહાસના એકમાત્ર અપરણિત રાજવી હતા.

ક્રિકેટના ઘણા રેકોર્ડસ તો એમના નામે છે જ, પરંતુ રાજવી તરીકે પણ તેઓ લોકપ્રિય હતા.

રાજયનો મુખ્ય આધાર વહીવટીતંત્ર પર છે, જામ રણજીતસિંહજી એ વહીવટીતંત્રને આધુનિક સ્વરૂપ આપવા માટે પદ્ઘતિસરના હોદ્દાઓની રચના કરી . જેમાં દીવાન ઉપરાંત પ્રજા સાથે નિકટનો સંબંધ સ્થાપવા ' સેક્રેટરી પ્રવૃત્તિ' અમલમાં મૂકી. આમ આધુનિક કેબિનેટ પદ્ઘતિનો અમલ શરૂ કર્યો. સને ૧૯૨૦માં ૫૭ સભ્યોની બનેલી એક સલાહકાર કાઉન્સિલની રચના જામનગરમાં થઈ હતી.

રાજયના વેપાર વણજના વિકાસ માટે બેડી બંદરનો વિકાસ કરવાનો પ્રોજેકટ હાથ પર લઈ તે માટે નૌકાદળના અધિકારી કેપ્ટન બોર્નને નિમીને જામ રણજીએ રૂ. ૭૫ લાખ ખર્ચ્યા હતા. આ નવા બેડીબંદરનું ઉદઘાટન વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાએ સને ૧૯૨૬માં કર્યું હતું.

૨ એપ્રિલ ૧૯૩૩એ પરલોકગમન કરનાર આ રમતવીર પ્રજાવત્સલ રાજવીને સાદર સ્મરણાંજલિ..

(12:55 pm IST)