Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ભવનાથમાં ચકડોળવાળાઓને હટાવતા પુર્વ ડે.મેયર ગીરીશભાઇ કોટેચાના રાત્રે ઉપવાસ

યોગ્ય કરવાની ખાત્રી મળતા ઉપવાસ આંદોલનનો અંત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨: ભવનાથમાં ચકડોળ અને ફજર ફાળકાવાળાઓને કોર્પોરેશન તંત્ર દ્વારા હટાવવામાં આવતા પુર્વ ડે.મેયર ગિરીશભાઇ કોટેચા રાત્રે ભવનાથ ખાતે ઉપવાસ પર બેસી ગયા હતા. જો કે યોગ્ય કરવાની ખાત્રી મળતા ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો હતો.

પુર્વ ડે. મેયરશ્રી ગીરીશ કોટેચા ગત રાત્રે પરીવારના બાળકો સાથે ભવનાથ તળેટી ખાતે ગયા હતા. પરંતુ અહીબાળકોની મોજ મસ્તી માટેના ફજર ફાળકા, ચકડોળ અને જંપીગ વગેરે બંધ હોવાનું જણાતા તેઓને જાણવા મળેલ કે કોઇએ મનપાના પાવરનો ઉપયોગ કર્યો હોય તેથી તાત્કાલીક અસરથી ભવનાથમાં જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેથી ફજર ફાળકા, ચકડોળ અને જંપીગ વગેરેને હટાવવામાં આવ્યા હોવાનું શ્રી કોટેચાને જાણવા મળ્યું હતું. આથી તેઓ તાત્કાલીક અસરથી સ્થળ ખાતે ઉપવાસ પર બેસી ગયા હતા.

આ અંગેની જાણ મેયર ધીરૂભાઇ ગોહેલ અને કમિશ્નર તુષાર સુમેરાને થતા તેઓએ જે કોઇ દોષીત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને અન્ય કોઇને પરેશાન કરવામાં નહી આવે તેવી ખાત્રી આપતા શ્રી કોટેચાના ઉપવાસનો સુખદ અંત આવ્યો હતો.

શ્રી કોટેચાએ જણાવેલ કે જુનાગઢમાં ભવનાથ ખાતે રાત્રે લોકો તેમના બાળકોને લઇને આવતા હોય છે અને તેઓ માટે વિશેષ સુવિધા ગોઠવવાને બદલે કોર્પોરેશન તંત્ર દ્વારા ફજર ફાળકા અને ચકડોળ વાળાઓને હટાવવામાં આવતા ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડી હતી.

(3:10 pm IST)